News of Wednesday, 7th May 2025
રાજકોટમાં ૧૩ વર્ષની બાળાને ઇન્સ્ટાગ્રામથી મિત્ર બનાવી ૧૭ વર્ષના સગીરે દૂષ્કર્મ આચર્યુ
બે વખત બળજબરી કર્યાની ફરિયાદઃ ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૭: સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી બાળાઓને ફસાવવાના કિસ્સા વધી ગયા છે. આ વચ્ચે શહેરમાં એક ૧૩ વર્ષની બાળાને ૧૭ વર્ષના સગીરે ઇન્સ્ટાગ્રામ થકી મિત્ર બનાવી ફસાવી આ બાળા સાથે બે વખત દૂષ્કર્મ આચરી લેતાં ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી સગીર સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.
શહેરના ભક્તિતનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરા મોબાઈલ વાપરતી હોઇ તેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ થકી બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતાં સત્તર વર્ષના સગીર સાથે થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચેનો આ સંબંધ આગળ વધ્યો હતો. એ પછી લલચાવી ફોસલાવી સગીર આ બાળાને પોતાની ઘરે લઇ ગયો હતો અને બળજબરી આચરી લીધી હતી. બાળા સાથે તેણે બીજી વખત પણ આવુ કર્યુ હતું. અંતે બાળાએ પોતાના પરિવારજનોને જાણ કરતાં તેણીને લઇને પરિવારજનો પોલીસ સ્ટેશને દોડી ગયા હતાં. પીઆઇ એમ. એમ. સરવૈયા અને સ્ટાફે ગુનો નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૧૨)
(3:48 PM IST)










