<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

રાજકોટ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરનાર કેદી આદમ સંધી સામે જેલરે ગુનો નોંધાવ્‍યો

જામનગરના લૂંટ, મર્ડર, આર્મ્‍સ એક્‍ટના ગુનામાં આજીવન કેદની સજા પડી હોઇ ૨૦૧૯થી સજા ભોગવી રહ્યો છે

રાજકોટ તા. ૮: જામનગરના લૂંટ મર્ડર આર્મ્‍સ એક્‍ટના ગુનામાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદી રાજકોટના પ્રોૈઢે ગત સાંજે રાજકોટ મધ્‍યસ્‍થ જેલની દિવાલ કૂદીને ભાગી જવાનો પ્રયાસ કરતાં પગમાં ઇજા થતાં તેને ઝડપી લેવાયો હતો. સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા બાદ જેલરે તેના વિરૂધ્‍ધ પ્રીઝનર એક્‍ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે મધ્‍યસ્‍થ જેલના ઇન્‍ચાર્જ જેલર ગ્રુપ-૨ અશોકસિંહ જગતસિંહ રાઠોડની ફરિયાદ પરથી રાજકોટ દૂધની ડેરી પાસે ભગવતી સોસાયટીમાં રહેતાં અને હાલ જેલમાં હત્‍યાના ગુનામાં સજા કાપી રહેલા આદમ ઉર્ફ જાવેદ ઉર્ફ આમદ સિદીકભાઇ સંધી (ઉ.વ.૫૦) વિરૂધ્‍ધ પ્રિઝનર એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

જેલર અશોકસિંહ રાઠોડે જણાવ્‍યું હતું કે હું ત્રણ વર્ષથી મધ્‍યસ્‍થ જેલમાં ફરજ બજાવુ છું. બુધવારે સાતમીએ મારી ડયુટી જેલર તરીકેની હોઇ સાંજે પાંચેક વાગ્‍યે સુબેદાર અરૂણભાઇ મકવાણાએ મને જાણ કરી હતી કે પાકા કેદી આદમ ઉર્ફ જાવેદ ઉર્ફ આમદ સંધી જેલની મુખ્‍ય દિવાલ કુદીને બહારના ભાગે પડી ગયેલ છે અને આ બાબતે તેણે વોકીટોકી મારફત મેઇન ગેઇટ પર જાણ કરતાં જેલર ગ્રુપ-૨ કે. એ. વાઢેર, સુબેદાર ધર્મેશભાઇ ડાભી, સિપાહી યોગરાજસિંહ જાડેજાએ તુરત ત્‍યાં પહોંચી એ કેદીને પકડી લીધો છે. આ વાત અરૂણભાઇએ જણાવતાં હું પણ ત્‍યાં પહોંચી ગયો હતો. કેદી આદમ ઉર્ફ જાવેદને પગમાં ઇજા થઇ હતી. તેને નવી જેલ-૧૧માના યાર્ડ નં.૨ બેરેક નં. ૩૩માં રખાયો છે. તે પાકા કામનો કેદી છે અને વર્ષ ૨૦૦૪ની ચાલમાં તેના વિરૂધ્‍ધ જામનગર પંચકોશી એ-ડિવીઝન પોલીસમાં લૂંટ મર્ડર આર્મ્‍સ એક્‍ટનો ગુનો નોંધાયો હોઇ જામનગર સેસન્‍સ કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારાઇ છે. આ કેદી ૧/૮/૧૯ની સજા ભોગવી રહેલ છે.જેલમાંથી નાસી જવાના ઇરાદે આ કેદીએ મુખ્‍ય દિવાલ કુદીને બહારના ભાગે ઠેકડો મારતાં પગમાં ઇજા થઇ હોઇ જેલના મેડિકલ ઓફિસરે તપાસ કરી તેને વધુ સારવારની જરૂર હોઇ સિવિલ હોસ્‍પિટલમા લઇ જવાનું કહેતાં અમે તેને સારવાર માટે દાખલ કર્યો હતો. કેદીએ જેલની મુખ્‍ય દિવાલ કુદી ભાગી જવાનો પ્રયાસ કર્યો હોઇ જેથી તેની સામે ગુનો દાખલ કરાવ્‍યો છે. તેમ વધુમાં જેલરે જણાવતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. એન. ગમારાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેદીને હોસ્‍પિટલમાંથી રજા અપાયે કોર્ટની પરવાનગી બાદ આ ગુનામાં તેની ધરપકડની તજવીજ થશે. ંપોલીસની પ્રાથમિક પુછતાછમાં આ કેદીએ પોતાને જેલમાં ગમતું ન હોવાથી ભાગી જવાનો પ્રયાસ કર્યાનું રટણ કર્યુ હતું. (૧૪.૫)

(11:16 AM IST)