તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th May 2025
ફોટા પડાવવામાં માહેર શાસકો તેજસ્વી તારલાઓને કયારે બીરદાવશે?
મનપા સંચાલીત શાળાઓના બાળકોને પ્રોત્સાહન આપવાનું ચૂકાયું!

રાજકોટ, તા.૮: આજે ગુજરાત બોર્ડનું ધો.૧૦નું રિઝલ્ટ આવતા આજે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાઈવેટ શાળાઓમાં ઝળહળતુ રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે સામે મહાનગરપાલિકા સંચાલીત શાળાઓના અનેક વિદ્યાર્થીઓએ ઉચા પર્સન્ટાઈલ મેળવી સિધ્ધિ હાંસલ કરી હોવા છતાં આવા વિદ્યાર્થીઓને બિરદાવવાનું શાસકો ચુકયા છે. જેના લીધે મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય થયો હોવાની વાલીઓમાં ચર્ચા જાગી છે.
એસએસસીનું રિઝલ્ટ આજે જાહેર થતાં શહેરની મોટાભાગની પ્રાઈવેટ શાળાઓએ નંબર લઈ આવનારા હોશિયાર વિદ્યાર્થીઓને બિરદાવવા માટે શાળામાં ઉજવણી સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચગુણ સાથે ઉતીર્ણ થયા છે. કાર્યક્રમોમાં ફોટા પડાવનાર પદાધિકારીઓએ મનપાની શાળાના ધો.૧૦ના રિઝલ્ટની પરવાહ કરી ન હોય તેમ આજે રિઝલ્ટ જાહેર થયા બાદ ટકાવારી અને વિદ્યાર્થીઓ મુદ્દે ચર્ચા કરતા જોવા મળ્યા હતાં.
જેની સામે પોતાની જ શાળાના ઉચ્ચગુણ સાથે ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને બિરદાવવા જોઈએ તેવો વિચાર પણ આવ્યો ન હતો. આ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને બિરદાવવાના બદલે કચેરીમાં બેસી સમય પસાર કર્યો હતો. શાસકો અને અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને બિરદાવવાનું એક બાજુ રહ્યું પણ આ બાબતે પુછપરછ પણ કરી ન હોવાનું જાણવા મળ્યું છે. જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.
(4:19 PM IST)










