<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

મિત્રને નાણાની મદદ કરીને ભગવતીપરાનો જયેશ ફસાઇ ગયોઃ આપઘાતનો પ્રયાસ

મિત્ર કાળીયાને ૩૦ હજાર વ્‍યાજે અપાવ્‍યા, તે ભરતો ન હોઇ જયેશે રકમ ભરપાઇ કરીઃ એ પછી મિત્રએ જયેશનું એકટીવા વેંચી કે ગીરવે મુકી એ રકમ પણ પાછી ન આપતાં જયેશે કંટાળીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૯: ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં જયેશ કાનાભાઇ દાફડા (ઉ.વ.૨૯) નામના યુવાને બાથરૂમ સાફ કરવાનું લિક્‍વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. રિક્ષા લેવા માટે જયેશે પોતાના મિત્ર કારીયાને બીજા પાસેથી ૩૦ હજાર વ્‍યાજે લઇ દીધા હતાં. આ રકમ જયેશે ચુકવી દીધી હોઇ તેણે મિત્ર પાસે રકમ માંગતા તે આપતો ન હોઇ અને ઉલ્‍ટાનું ફરી બીજા પાસેથી રકમ લેવા માટે જયેશનું એક્‍ટીવા મુકાવી નાણા ખાઇ ગયો હોઇ આ કારણે કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ જયપ્રકાશનગરમાં રહેતો જયેશ દાફડા રાતે નવેક વાગ્‍યે બાથરૂમ સાફ કરવાનું લિક્‍વીડ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જયેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

જયેશના સગાના કહેવા મુજબ જયેશે થોડા સમય પહેલા તેના મિત્ર કાળીયાને રિક્ષા લેવા કે રિપેર કરવા માટે પૈસાની જરૂર હોઇ જયેશ પાસે ન હોઇ તેણે મોટા મવાના શખ્‍સ પાસેથી ૩૦ હજાર વ્‍યાજે આપાવ્‍યા હતાં. પણ બાદમાં મિત્ર કાળીયો વ્‍યાજ ભરતો ન હોઇ ઉઘરાણી થતાં ઉછીઉધાર કરી જયેશે આ રકમ ભરપાઇ કરી દીધી હતી. બાદમાં તેણે મિત્ર પાસે આ રકમ માંગતા મિત્રએ પોતાની પાસે નથી પણ તું તારુ એક્‍ટીવા દે તો તેના પર રકમ લઇ આપુ તેમ કહી જયેશનું એક્‍ટીવા લઇ જઇ ગીરવે મુકી અથવા તો વેંચી દીધુ હતું. હવે તે એક્‍ટીવા પણ આપતો ન હોઇ અને રકમ પણ આપતો ન હોઇ કંટાળીને જયેશે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:50 AM IST)