News of Friday, 9th May 2025
રીબડાના અમીત ખુંટને દુષ્કર્મમાં ફસાવનાર જુનાગઢના રહીમ મકરાણીની શોધખોળ
આપઘાત પ્રકરણમાં પકડાયેલ વકીલ દિનેશ પાતર અને સંજય પંડીતને જેલહવાલે કરાયા : જુનાગઢનો રહીમ મકરાણી પકડાયા બાદ દુષ્કર્મ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ કોણ છે તે બહાર આવશે

રાજકોટ, તા. ૯: રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં મૃતક અમીતને ફસાવવાના કાવત્રામાં એકસ તરીકે જેની ઓળખ અપાઇ હતી તે શખ્સ તે જુનાગઢનો રહીમ મકરાણી હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રીબડા ગામે રહેતા અમિતભાઇ દામજીભાઇ ખુંટે રીબડા ગામની સીમ માં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યા ની ઘટનામાં અમીતે પહેરેલ કપડા માંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમા રીબડા ગામના અનિરૂધ્ધસિહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા રાજગોર તથા એક સગીરા સહીત ચાર વિરૂધ્ધ આક્ષેપ કરાયા હોય અમીત ના ભાઇ મનીષભાઇ દામજીભાઇ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પુજાબેન જેન્તીભાઈ રાજગોર રહે હાલ રાજકોટ વાળી તથા કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોરી ની ધરપકડ કરી હતી.
પોલીસે બન્ને ની ઉંડાણપુર્વક પુછપરછ કરતા પુજા રાજગોરે જણાવેલ કે એક વ્યક્તિએ પોતાની પાસે આવી અને જણાવેલ કે, તમારે અમિત ખુંટ રહે. રીબડા નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયા ના માધ્યમ થી મિત્રતા પ્રેમ સંબંધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી ખોટી બળાત્કાર ની ફરીયાદ કરવાની છે અને અમોને જણાવેલ કે આ બદલામાં તમારી લાઇફ બની જશે અને સારા માં સારી જોબ પણ મળી જશે અને બન્ને ને પૈસા ની જરૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયેલ અને વધુ મા જણાવેલ કે ફરીયાદ ના સમયે મારા વકીલો સંજય પંડીત તથા દિનેશ પાતર જેઓને તમામ વિગત ખબર છે જેથી તેઓ શરૂઆત થી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે તેવુ પુર્વ આયોજીત કાવતરૂ રચેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલતા વકીલ સંજયભાઇ હેમતભાઇ પંડીત રહે રાજકોટ તથા દિનેશભાઇ પાલાભાઈ પાત્તર રહે ગોંડલ ની ધરપકડ કરી ગઇકાલે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે જેલ હવાલે કરેલ છે. દરમિયાન મૃતક અમીતને દુષ્કર્મ કેસમાં ફસાવનાર અને પોલીસે જેને એકસ તરીકે નામ આપ્યું હતું તે જુનાગઢનો રહીમ મકરાણી હોવાનું ખુલતા પોલીસની અલગ-અલગ ટીમોએ રહીમની શોધખોળ હાથ ધરી છે. જુનાગઢના રહીમે ભોગ બનનાર સગીરા અને આરોપી પુજા ગોરને મળી અમીતને ફસાવવાનું કાવત્રુ રચ્યું હતું. જુનાગઢનો રહીમ પકડાયા બાદ આ દુષ્કર્મ પ્રકરણનો માસ્ટર માઇન્ડ કોણ છે તે બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. (૪.૨૦)
(11:52 AM IST)










