તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
જૂના બૂટલેગર હર્ષદ મહાજન પર ભોમેશ્વર મંદિર પાસે હીચકારો હુમલો

રિસામણે બેઠેલા પત્નિના સમાધાન બાબતે વાત કરવા બોલાવી સાળી, તેના ફ્રેન્ડ, સાળા સહિતના હથીયાર-બોટલથી તૂટી પડયાનો આક્ષેપઃ મહાજન સારવાર હેઠળ
રાજકોટ તા. ૧૦: એક સમયના નામચીન બૂટલેગર હર્ષદ મહાજન પર ગત મોડી રાતે ભોમેશ્વર પ્લોટમાં મંદિર પાસે હુમલો થતાં સારવાર માટે દાખલ કરાયેલ છે. રિસામણે બેઠેલા પત્નિના સમાધાનની વાત કરવા સાળી, સાળા સહિતે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ કરાયો હતો.
જંગલેશ્વર ભવાની સર્કલ પાસે રહેતો હર્ષદભાઇ માણેકલાલ માંડલીયા ઉર્ફ મહાજન (ઉ.વ.૪૬) રાતે પોણા એકાદ વાગ્યે ભોમેશ્વર મંદિર પાસે હતો ત્યારે હિરલ કોટક, રાજુ કોટક, હિરલના ફ્રેન્ડ સહિતનાએ હુમલો કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. હર્ષદ મહાજને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે મારા પત્નિ મેઘા પંદરેક દિવસથી રિસામણે છે. આ કારણે મનદુઃખ ચાલે છે. દરમિયાન આ અંગે સમાધાનની વાત કરવા માટે મને મારા સાળી હિરલબેન, સાળા રાજુ કોટક સહિતે વાત કરવા માટે ભોમેશ્વર મંદિર પાસે બોલાવતાં હું ત્યાં જતાં આ બંને તેમજ સાળીના મિત્ર સહિતના ધારીયા, તલાવારથી તૂટી પડયા હતાં અને બોટલોના ઘા પણ કરતાં ઇજા પહોંચી હતી. લોકોના ટોળા ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો અને આ બધા ભાગી ગયા હતાં.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. હર્ષઘ્ મહાજન રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં એક સમયે મોટા બૂટલેગરની છાપ ધરાવતો હતો. તેના પર પચાસ આસપાસ ગુના નોંધાયા છે, તેમાં દારૂ ઉપરાંત હત્યાની કોશિષ, મારામારી, ધમકી સહિતના ગુનાઓ સામેલ છે. તાજેતરમાં જ તેણે પોતાના જ એક સમયના ગુના સાગ્રીત પ્રિયાંક ઉર્ફ કાળીયાને પણ ધમકી દીધાનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો હતો. જેમાં તેની સાથે તેના પુત્રનું પણ આરોપીમાં નામ હતું.
(2:33 PM IST)










