<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

હૃદય બંધ પડી જવાથી ચારના મોત

વૃંદાવન સોસાયટીના ગુણવંતભાઇ સંચાણીયા કારખાનામા, ભવનાથ પાર્કના ભાવીનભાઇ મહેતા, રાજારામ સોસાયટીના બલભદ્રસિંહ ઝાલા અને નિકાવાના દિનેશભાઇ અકબરી ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતાં પ્રોૈઢ ગોકુલનગરમાં કારખાનામાં ઢળી પડતાં અને ભવનાથ પાર્કના યુવાન ઘરે બેભાન થઇજતા તેમજ રાજારામ સોસાયટીના આધેડ ઘરે ઢળી પડતાં તથા નિકાવાના ખેડુત ઘરે બેભાન થઇ જતાં ચારેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

અંકુર વિદ્યાલય રોડ વૃંદાવન સોસાયટી-૬માં રહેતાં ગુણવંતભાઇ મોહનભાઇ સંચાણીયા (ઉ.વ.૫૮) સાંજે ગોકુલનગર રોડ પર ગોપી બોક્‍સ નામના કારખાને હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું. તે એક ભબહેનથી નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં હરિ ધવા માર્ગ ભવનાથ પાર્કમાં રહેતાં ભાવીનભાઇ પ્રકાશભાઇ મહેતા (ઉ.વ.૩૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે અપરિણીત હતાં અને વિધવા માતાના એકના એક આધારસ્‍તંભ હતાં. હૃદયરોગનો હુમલો આવ્‍યાનું માતા વર્ષાબેને કહ્યું હતું. ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતાં બલભદ્રસિંહ તોગુભા ઝાલા (ઉ.વ.૪૫) ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ઇમિટેશનનું કામ કરતાં હતાં. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં કાલાવડના નીકાવા ગામે રહેતાં દિનેશભાઇ પરષોત્તમભાઇ અકબરી (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢ ઘરે બેભાન થઇ થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે ખોડિયાર એજન્‍સી નામે વેફર્સની એજન્‍સી રાખી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજને કહ્યું હતું. ચારેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનમાં નોંધ ધરાવી હતી.

(2:34 PM IST)