તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડશીપ કરી ફસાવીઃ ત્યક્તા સાથે જેતપુરના વેપારીનું વારંવાર દૂષ્કર્મ, છેલ્લે તરછોડી દીધી
છુટાછડા બાદ દિકરી સાથે રાજકોટ રહેતી મહિલાને તૃષાંગ ડોબરીયાએ હું તને તારી દિકરી સાથે અપનાવી લગ્ન કરીશ તેમ કહી વિશ્વાસ આપ્યોઃ લિવ ઇન કરાર કર્યાઃ પણ બાદમાં ત્યકતાને ખબર પડી કે તૃષાંગને બીજી યુવતિ સાથે પણ અફેર છે! ચારેક વખત ગર્ભ રહી જતાં ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાંખ્યોઃ ત્રણેક વર્ષ સાથે રહી શોષણ કરી છેલ્લે કાઢી મુકીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: શહેરમાં રહેતી એક દિકરીની માતા એવી ત્યક્તા મહિલાનો ઇન્સ્ટાગ્રામ થકી જેતપુરના વેપારીએ સંપર્ક કરી બાદમાં મિત્રતા કેળવી પોતે લગ્ન કરવા ઇચ્છે છે અને મહિલાની આગલા ઘરની દિકરીને પણ અપનાવી લેશે તેવું કહી પ્રેમજાળમાં ફસાવી લિવ ઇન રીલેશનશીપ કરી બાદમાં ચારેક વખત ગર્ભ રાખી દઇ ગોળીઓ આપી ગર્ભપાત કરાવી નાખતા અને છેલ્લે આ શખ્સને અન્ય યુવતિ સાથે પણ લફરૂ હોવાની આ મહિલાને જાણ થતાં તે અંગે પુછતાં તેણે તેણીને હવે મારે તને રાખવી નથી, થાય તે કરી લેજે તેમ કહી મારકુટ કરી કાઢી મુકતાં આ મહિલાને દૂષ્કર્મ, છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૩૩ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જેતપુરના સરધારપુર ગામના અને હાલ જેતપુર સરદાર ચોક ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી તૃષાંગ પરષોત્તમભાઇ ડોબરીયા વિરૂધ્ધ દૂષ્કર્મ, છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે કે હું હાલ માતા પિતા સાથે રહુ છું. પહેલા લગ્ન થયા બાદ ૨૦૧૫માં છુટાછેડા થયા હતાં. જેના થકી મારે એક પુત્રી છે, જે હાલ નવ વર્ષની છે. બાદમાં ૨૦૨૦માં બીજી સગાઇ થઇ હતી પરંતુ મારી આગલા ઘરની દિકરી આ લોકોએ ન સ્વીકારતા સગાઇ તુટી ગઇ હતી. એ પછી ૨૦૨૧માં હું રાજકોટ રહેવા આવી હતી અને અલગ અલગ જગ્યાએ નોકરી કરતી હતી. અહિ એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. ૨૬/૬/૨૨ના રોજ ઇન્સ્ટાગ્રામ થકી મારો સંપર્ક તૃષાંગ ડોબરીયા સાથે થયો હતો. તેણે મને રિક્વેસ્ટ મોકલી હતી, બાદમાં મારી સાથે મિત્રતા કેળવી મોબાઇલ નંબર માંગતા મેં આપયા હતાં. એ પછી અમે એક બીજા સાથે વાતો કરતાં હતાં અને બાદમાં મળીને સાથે ફરવા માંડયા હતાં. તા. ૯/૭/૨૨ના રોજ સાથે ફિલ્મ જોવા ગયા હતાં. ત્યારે તૃષાંગે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
મેં તેને કહેલુ કે મારી સગાઇ થઇ હતી તે તુટી ગઇ છે અને આગલા ઘરની એક દિકરી પણ છે. જો તું મારી સાથે લગ્ન કરતવા ઇચ્છતો હો તો મારી દિકરીને પણ અપનાવવી પડશે. આથી તૃષાંગે કહેલુ કે હું તારી દિકરીને અપનાવીશ, રાજીખુશીથી તારી સાથે લગ્ન કરીશ. આમ કહી તેણે મને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં તેણે શરીર સંબંધની માંગણી એક દિવસ કરતાં હું તેના પર વિશ્વાસ કરતી હોઉ ના પાડી શકી નહોતી, આથી તે મને પંચાયત ચોક નજીક દિપધારા એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો જ્યાં પહેલી વખત મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ તે મને રાજકોટથી મોરબરી લઇ ગયો હતો જ્યાં ફલેટ ભાડે રાખી રહેતાં હતાં. ચારેક મહિના રહ્યા ત્યારે તે દરરોજ મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. એ પછી જુનાગઢ લઇ જઇ ત્યાં નોટરી પાસે લીવ ઇન રિલેશનશીપનો કરાર કર્યો હતો. તેણે આ કરારમાં સહીઓ પણ કરી હતી. બાદમાં અમે મોરબીથી ફરી રાજકોટ આવી ગયા હતાં અને અહિ રહેવા માંડયા હતાં. આ દરમિયાન તૃષાંગે મારી સાથે શરીર સંબંધ ચાલુ રાખ્યા હોઇ જેના કારણે ત્રણ-ચાર વખત હું પ્રેગનન્ટ થઇ જતાં તૃષાંગે મને મેડિકલમાંથી ગોળીઓ લાવીને આપી હતી અને કહ્યું હતું કે હાલમાં આપણે બાળક રાખી શકીએ તેમ નથી. દર વખતે ગોળી આપી તે બાળક પડાવી નાખતો હતો. છેલ્લે હું પ્રેગનન્ટ થઇ ત્યારે તે મને જેતપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં મારી તપાસ કરાવડાવી હતી. પણ થોડા દિવસ પછી ફરીથી તેણે હવે હમણા બાળક રાખવું નથી, ધંધાનું ટેન્શન છે તેમ કહી મારી સાથે ઝઘડો કરી મારકુટ કરી હતી.
ત્યારબાદ તૃષાંગ જેમ કહે તેમ હું ન કરુ તો તે મને છોડી દેવાની ધમકી આપતો હતો. તે મને તેના વતન જેતપુર લઇ જતો ત્યારે તેના માતા-પિતા-સમાજમાં કહેતો કે મેં લગ્ન કરી લીધા છે. આ રીતે મારી સાથે બે વર્ષ સુધી પતિની જેમ રહ્યો હતો. પછી મને ખબર પડી હતી કે તૃષાંગને અન્ય કોઇ યુવતિ સાથે પણ પ્રેમસંબંધ છે. મેં તેને આ યુવતિ બાબતે પુછતાં તે ગલ્લા તલ્લા કરવા માંડયો હતો અને ઝઘડો કરી ૨૦૨૪માં દિવાળી પછી તે મને તરછોડીને જતો રહ્યો હતો. તેણે કહેલુ કે હવે તારાથી જે થાય તે કરી લેજે, હવે મારે તારી સાથે રહેવું નથી. મારા ચારિત્ર્ય વિશે પણ જેમ તેમ બોલીને મને તરછોડી દેતાં મેં અભયમ ૧૮૧ની મદદ લીધી હતી. ત્યારે મેં પોલીસમાં અરજી કરી હતી.
દરમિયાન હવે તાજેતરમાં તૃષાંગે મારી સાથેના લિવ ઇન રિલેશનશીપ તોડી નાખ્યા છે તેવી નોટીસ પ્રસિધ્ધ કરાવી દીધી હતી. આથી હું રાજકોટનું મકાન છોડી મારા માતા-પિતાના ઘરે જતી રહી હતી. છેલ્લા ત્રણેક મહિનાથી હું ત્યાં રહુ છું. લગ્નની લાલચ આપી, મારી દિકરીને અપનાવવાનું કહી મારી સાથે વારાંર શરીર સંબંધ બાંધી ત્રણ-ચાર વાર ગર્ભવતી બનાવી મરજી વિરૂધ્ધ ગોળીઓ આપી બાળક પડાવી નાખી છેલ્લે મને મારકુટ કરી લગ્નન કરી તરછોડી છેતરપીંડી કરી હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:36 PM IST)










