<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જૂડવા દિકરા-દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે માતા કિરણબેનનું મોત

કોઠારીયા સોલવન્ટનો બનાવઃ ડિલીવરી બાદ ઍકાઍક માતાને શ્વાસની તકલીફ શરૂ થઇઃ આઇસીયુમાં રખાયા પણ જીવ ન બચ્યોઃ વામજા પરિવારમાં ગમગીની


 

રાજકોટ તા. ૧૦ઃ કોઠારીયા સોલવન્ટ રોલેક્ષ રોડ પર રહેતાં વામજા પરિવાર પર વજ્રઘાત થયો છે. જૂડવા દિકરા-દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે જનેતાનું મૃત્યું છે. આ ઘટનાથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કિરણબેન ધર્મેશભાઇ વમાજા (ઉ.વ.૩૨) નામના મહિલાઍ પરમ દિવસે સિઝેરીયનથી જુડવા દિકરી-દિકરાને જન્મ આપ્યા બાદ તેની તબિયત બગડતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ કિરણબેનને પરમદિવસે પ્રસુતિની પીડા ઉપડતાં ૧૫૦ રીંગ રોડ પર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ સિઝેરીનથી દિકરા-દિકરીની ડિલીવરી થઇ હતી. પરંતુ ત્યારબાદ શ્વાસ લેવામાં તેણીને તકલીફ થવા માંડી હતી. જેથી આ હોસ્પિટલના જ નીચેના માળે આવેલી અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ તેને આઇસીયુમાં રખાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નીવડતાં મૃત્યુ થયું હતું. જન્મ સાથે જ બે સંતાને માતા ગુમાવી દેતાં વામજા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર કિરણબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. તેણીના પતિ ધર્મેશભાઇ દુર્લભજીભાઇ વામજા ફાર્મસીનું કામ કરે છે. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના ઍઍસઆઇ જયેશભાઇ કુરીયાઍ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:04 PM IST)