તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 10th May 2025
રાજકોટ જિલ્લામાં માનવતા મહેકી ઉઠી : એક દિવસમાં કુલ ૧૪૦૦ બોટલ રક્તદાન એકત્ર થયું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ તાલુકામાં આયોજિત રક્તદાન શિબિરમાં નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ : મંત્રીઓ અને ધારાસભ્યોએ મુલાકાત લઈ દાતાઓને બિરદાવ્યા

રાજકોટ, તા. ૧૦ મે: પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે, તા. ૧૦ મેના રોજ જિલ્લાના તમામ ૧૧ તાલુકા મથકોએ સવારે ૯ વાગ્યાથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજકોટ જિલ્લાના જાગૃત નાગરિકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને કુલ ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું હતું.
આ માનવતાભર્યા કાર્યક્રમમાં જસદણ-વીંછિયા પંથકમાં જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધોરાજી-ઉપલેટા પંથકમાં ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જેતપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને રાજકોટમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી અને રક્તદાન કરનારા તમામ નાગરિકોને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રક્તદાન શિબિરમાં રાજકોટ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - કુવાડવા ખાતે ૧૦૪ બોટલ, પડધરી તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - પડધરી ખાતે ૧૩૬ બોટલ, લોધિકા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - લોધિકા ખાતે ૪૮ બોટલ, કોટડાસાંગાણી તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - કોટડાસાંગાણી ખાતે ૭૪ બોટલ, જસદણ તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ - જસદણ ખાતે ૧૩૦ બોટલ, વીંછિયા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - વીંછિયા ખાતે ૧૨૭ બોટલ, ગોંડલ તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ - ગોંડલ ખાતે સૌથી વધુ ૩૪૯ બોટલ, જેતપુર તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ - જેતપુર ખાતે ૧૫૧ બોટલ, જામકંડોરણા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર - જામકંડોરણા ખાતે ૬૦ બોટલ, ધોરાજી તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ - ધોરાજી ખાતે ૯૮ બોટલ અને ઉપલેટા તાલુકામાં સબ ડિવિઝનલ હોસ્પિટલ - ઉપલેટા ખાતે ૧૨૩ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આમ, સમગ્ર રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં કુલ ૧૪૦૦ બોટલ રક્તદાન કરીને નાગરિકોએ જરૂરિયાતમંદો માટે મદદનો હાથ લંબાવી માનવતાની સુવાસ ફેલાવી હતી.
આ રક્તદાન શિબિરોના આયોજનમાં પડધરી અને ધોરાજી તાલુકામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની બ્લડ બેન્કે સહયોગ આપ્યો હતો. તેમજ અન્ય નવ તાલુકામાં રેડ ક્રોસ સોસાયટી, સૌરાષ્ટ્ર બ્લડ વોલન્ટરી, લાઇફ બ્લડ સેન્ટર, જીવનદીપ બ્લડ સેન્ટર, આસ્થા બ્લડ વોલન્ટરી, દેવ લાઇફ બ્લડ સેન્ટર અને નાથાણી વોલન્ટરી બ્લડ બેંક જેવી સંસ્થાઓએ પોતાનો અમૂલ્ય સહકાર આપ્યો હતો. આ સફળ આયોજન માટે દરેક તાલુકાના આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી, તેમ જિલ્લા આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફુલમાળી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(10:02 PM IST)










