News of Sunday, 11th May 2025
વ્યાજખોરીનો વધુ એક બનાવ: ઓમ રેસિડેન્સીનો સાગર ગજ્જર વ્યાજખોરોથી ત્રાસી ઊંઘની ગોળીઓ પી ગયો: તાલુકા પોલીસે ૯ જણા સામે ગુનો નોંધ્યો: શેર બજાર માટે નાણાં લીધા હતાં

રાજકોટઃ વ્યાજંકવાદનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવાને વ્યાજખોરોથી ત્રાસી જઇ આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે નવ શખ્સો સામે કાર્યવાહી કરી છે. જાણવા મળ્યા મુજબ નાનામવા રોડ પર ભીમનગર પાસે ઓમ રેસીડેન્સીમાં રહેતા સાગર ભાવેશભાઈ ગજ્જર (ઉ.વ.૨૨)એ ઊંઘની દવાનો ઓવરડોઝ લઈ લેતાં બેભાન થઈ ગયો હતો. વ્યાજખોરીમાં ફસાતા તેણે આ પગલું ભર્યાનું ખુલતાં તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસે સાગર ગજ્જરની ફરિયાદ પરથી જયદિપ બોરીયા, જનક બોરીયા, કરણ ઉર્ફે ડેકી મેર, કુલદિપ વાઢેર, કરણ કનેરીયા, કુલદિપસિંહ જાડેજા, નીલ લોઢીયા, ડેનીસ પાબારી અને મહાવીર ધાખડા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સાગરે પોલીસને જણાવ્યું કે તેને શેર બજારમાં ટ્રેડિંગ કરવા માટે આરોપી જયદિપ અને જનકે રૂા. ૫.૫૦ લાખ આપ્યા હતા, તેની સામે તેણે રૂા.૮.૯૦ લાખ મેળવી લીધા હોવા છતાં વધુ રૂપિયા ૭લાખની માંગણી કરતા હતા. જ્યારે વ્યાજખોર કરણ ઉર્ફે ડેકી પાસેથી રૂા.૯ લાખ ૧૫ થી ૨૦ ટકા લેખે લીધા હતા. જેની સામે તેણે રૂા. ૧૬.૪૬ લાખ ચૂકવી દીધા છતાં તેનું બુલેટ, સ્કૂટર અને ફોન તેમજ ૬ કોરા ચેક પોતાની પાસે રાખી લીધા હોવા છતાં વધુ રૂા. ૨.૫૦ લાખની માંગણી કરી ‘મને તો પૈસા આપવા જ પડશે નહીંતર જોયા જેવી થશે, તારે જીવવું અઘરું પડી જશે' તેવી ધમકી આપી હતી. જ્યારે આરોપી કુલદિપ પાસેથી રૂા. ૧૩.૭૫ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
જેની સામે તેણે રૂા.૨૫.૬૪ લાખ ચૂકવી દીધા હતા. તેની સામે તેનો પાસપોર્ટ અને ૩ કોરા ચેક રાખી લીધા હોવા છતાં આરોપીએ વધુ રૂપિયા ૪ લાખની માંગણી કરતો હતો. આવી જ રીતે આરોપી કરણ પાસેથી રૂા. ૧૦ લાખ ૧૬ ટકા વ્યાજે લીખા હતા જેની સામે રૂા. ૨૮.૫૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં રૂા.૧.૯૦ લાખની માંગણી કરતો હતો. આરોપી કુલદિપસિંહ પાસેથી પાંચ લાખ ૧૫ ટકા વ્યાજે લીધા હતા જેની સામે તેણે વ્યાજ પેટે રૂા. બે લાખ અને બે કોરા ચેક આપ્યા હતા છતાં આરોપી રૂા.૫ લાખની માંગણી કરતો હતો. આરોપી નીલ સાથે તેણે ભાગીદારીમાં ગોલ્ડનું ટ્રેડીંગ શરૂ કર્યું હતું જેમાં રૂા.૬ લાખ રોક્યા હતા.
જેની સામે આરોપીએ ૧૫ લાખ રોક્યા હતા. આમ કુલ ૨૧ લાખનું રોકાણ કરાયું હોઇ તેમાં બંનેને સંપૂર્ણ નુકશાન થયુ હતું. તેમજ તેણે આરોપીને ૧૫ લાખ ચુકવી આપ્યા છતાં વધુ ૮ લાખની માંગણી કરતો હતો. આરોપી ડેનીસ પાસે સોનાના દાગીના ગીરવે મુકી ૧૫ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. જેની સામે ૪૦ હજાર ચૂવ્યા હતા પરંતુ વચ્ચે વ્યાજ ન ચૂકવતા આરોપીએ તેના સાડા ત્રણ તોલાના દાગીના રૂા.૧.૮૦ લાખના દાગીના વેંચી નાખી તમારે તમારા દાગીના જોઇતા હોય તો ત્રણ ટકા વ્યાજ ચૂકવી છોડાવી લેજો નહીંતર ભૂલી જજો તેમ આરોપીએ કહી દીધું હતું.
તેમજ આરોપી મહાવીર પાસેથી ૧૦ ટકા વ્યાજે લીધેલા ૬ લાખની સામે વ્યાજ પેટે તેણે ૧.૨૦ લાખ ચૂકવી દીધા છતાં તે વધુ રૂા.૬ લાખ માંગતો હોવાથી તમામના ત્રાસથી કંટાળી તેણે ઉંઘની દવાનો ઓવરડોઝ લઇ લેતા બેભાન થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:56 AM IST)










