<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

નર્સ ચોૈલાબેન પટેલને રાતે બદઇરાદે ઘરમાં ઘુસી ગયેલા પડોશી કાનજી વાંજાએ ગળુ દાબી છરી ઝીંકી પતાવી દીધા

બળજબરીનો પ્રયાસમાં સફળ ન થતાં હત્‍યા? :જો કે ચોક્કસ કારણ જાણવા પોલીસની વિસ્‍તૃત તપાસ યુનિવર્સિટી રોડ એફએસએલ કચેરી પાછળ રૂષીપાર્ક-૨માં મોડી રાતે ઘટનાથી ખળખળાટઃ હત્‍યારો સકંજામાં : મુળ અમદાવાદના ૫૩ વર્ષના ચોૈલાબેનની ફેબ્રુઆરીમાં જ અમદાવાદ સિવિલથી રાજકોટ બદલી થઇ હતીઃ આગામી મહિને ફરી અમદાવાદ બદલી થવાની હતીઃ એકલા રહેતાં હોઇ પાછળના ભાગે જ રહેતો કાનજી ધાબા પરથી ઘરમાં ઘુસી ગયો અને ખૂની ખેલ ખેલ્‍યો : નીચેના માળે રહેતાં ભાડુઆત નિલમબેન અને પતિ પિયુષભાઇ દલસાણીયાને ઉપરના માળે અવાજ થતો હોઇ તેવું લાગતાં તપાસ કરતાં ઘરમાંથી પડોશી કાનજી લોહીલુહાણ હાલતમાં બહાર નીકળ્‍યોઃ પછી ચોૈલાબેન બહાર આવ્‍યા અને મને મારી નાંખશે...મારી નાંખશે એવીબૂમો પાડીઃ નિલમબેને પાણી આપતાં કહ્યું-આણે મારુ ગળુ દબાવ્‍યું છે, પાણી ઉતરતું નથીઃ ૧૦૮ બોવાવાઇ ત્‍યાં જ ચોૈલાબેન ઢળી પડયા-ઘટના સ્‍થળે જ મોતઃ આરોપી કાનજીને પગ, હાથમાં ઇજાઃ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ આરોપીને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી : હત્‍યાનો ભોગ બનનાર ચોૈલાબેન પટેલ મુળ દસ્‍કોઇના કુહા ગામના વતનીઃ ૨૫ વર્ષથી અમદાવાદ શાહીબાદ સિવિલમાં કેન્‍સર રિસર્ચ સેન્‍ટરમાં નોકરી કરતાં હતાં: ચાર મહિના પહેલા જ રાજકોટ બદલી થઇ હતીઃ એક ભાઇથી નાના અને અપરિણીત હતાં

 શહેરના યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાછળ ઋષીકેશ પાર્કમાં ભાડેથી રહેતાં નર્સ ચોૈલાબેન પટેલની રાતે તેમના જ ઘરમાં ક્રુર હત્‍યા થઇ હતી. તસ્‍વીરમાં તેમનો નિપ્રાણ દેહ, ઘટના સ્‍થળ, તેમનો ફાઇલ ફોટો, ઘટના સ્‍થળે ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ એચ. એન. પટેલ અને ટીમ, સિવિલ હોસ્‍પિટલ ખાતે હત્‍યાનો ભોગ બનનારના મોટા ભાઇ શીવાંગભાઇ પટેલ અને ઘટનાની જેમને સોૈ પહેલા જાણ થઇ તે નીચેના માળે રહેતાં નિલમબેન પિયુષભાઇ દલસાણીયા પાસેથી વિગતો મેળવી રહેલા પીએસઆઇ પંડયા, હિતેષભાઇ જોગડા, જયંતિભાઇ સહિતનો સ્‍ટાફ જોઇ શકાય છે. સોૈથી છેલ્લી તસ્‍વીર મૃતકના મોટા ભાઇ શિવાંગભાઇ પટેલની છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરમાં હત્‍યાના બનાવની ચકચાર મચી ગઇ છે. યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક-૨માં ‘ઉમીયાજી કૃપા' નામના મકાનમાં ઉપરના માળે ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સોૈરાષ્‍ટ્ર કેન્‍સર હોસ્‍પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના ચોૈલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.૫૩)ની રાતે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના ૩૪ વર્ષના શખ્‍સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરી નાંખી છે. હત્‍યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. બદઇરાદે તે ઘરમાં ઘુસી ગયા બાદ આ ઘટના બની હતી. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતિ અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્‍યાની શક્‍યતાએ પોલીસે તેની પુછતાછ આદરી છે.

જાણવા મળ્‍યા મુજબ ઋષિકેશ પાર્ક-૨માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના બે માળના મકાનમાં નીચેના માળે નિલમબેન અને તેમના પતિ પિયુષભાઇ દલસાણીયા રહે છે અને ઉપરના માળે મુળ અમદાવાદના દસ્‍કોઇ તાબેના કુહા ગામના વતની ચોૈલાબેન પટેલ રહે છે. રાત્રે ચોૈલાબેન પટેલની તેના જ ઘરમાં હત્‍યા થઇ ગયાની જાણ ૧૦૮ મારફત થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્‍સ. જયંતિભાઇ, સિધ્‍ધરાજસિંહ તેમજ ડી. સ્‍ટાફની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા પણ પહોંચી ગયા હતાં. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રવાના કર્યો હતો.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્‍યુ હતું કે હત્‍યાનો ભોગ બનેલા મહિલા રાજકોટ કેન્‍સર હોસ્‍પિટલમાં કીમોથેરાપી વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાં. તેમની બદલી ચાર મહિના પહેલા જ અમદાવાદ સિવિલથી રાજકોટ થઇ હતી. અહિ તે ભાડેથી એકલા જ રહેતાં  હતાં.  હત્‍યાનો આરોપી પડોશમાં જ રહેતો કાનજી ભીમાભાઇ વાંજાને પડોશીઓએ પુરીને રાખ્‍યો હોઇ પોલીસે સકંજામાં લઇ તેની પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો અને માથાકુટ થયા બાદ મારા પર હુમલો થતાં મેં વળતો પ્રહાર કર્યો હતો. જો કે તેની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે.

હત્‍યાનો ભોગ બનેલા ચોૈલાબેન પટેલ એક ભાઇથી નાના અને અપરિણીત હતાં. પચ્‍ચીસ વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતાં હાલ રાજકોટ સોૈરાષ્‍ટ્ર કેન્‍સર હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં હતાં. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશીને કહેતાં હતાં. હત્‍યાના બનાવની જાણ થતાં દસ્‍કોઇ કુહા ગામેથી હત્‍યાનો ભોગ બનનાર ચોૈલાબેનના મોટા ભાઇ શીવાંગભાઇ ત્રિભોવનદાસ પટેલ સહિતના સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્‍યા હતાં. પોલીસે તેમના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ આદરી હતી. આ બનાવે ઋષીકેશ પાર્ક અને શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે. (૧૪.૬)

હત્‍યારો કાનજી વાંજા મુળ કોડીનારનોઃ એક વર્ષથી રાજકોટ ભાડેથી રહે છેઃ બે સંતાનનો પિતા

ઞ્જહત્‍યા નિપજાવનારો કાનજી ભીમાભાઇ વાંજા ૩૪ વર્ષનો છે અને છુટક કામ કરે છે. તેની પત્‍નિ નાના મવા રોડ પર ખાનગી હોસ્‍પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. કાનજીને સંતાનમાં બે પુત્ર ૧૧ અને ૯ વર્ષના છે. તેની પત્‍નિએ પોતાને આ ઘટના બાબતે કોઇ જાણકારી નહિ હોવાનું રટણ કર્યુ હતું. કાનજી એકતરફી પ્રેમમાં પાગલ થઇ રાતે બદઇરાદે નર્સના ઘરમાં ઘુસી ગયાની શક્‍યતા છે. પોલીસે તેની વિશેષ પુછતાછ યથાવત રાખી છે.

પોલીસે મૃતકના મોટા ભાઇ શિવાંગભાઇની ફરિયાદ પરથી કાનજી વાંજા-સુથાર સામે ગુનો દાખલ કર્યો

બનાવ કયા કારણે બન્‍યો? તેની ઉંડાણપુર્વક તપાસ ચાલુઃ પીઆઇ પટેલ

* હત્‍યાની આ ઘટનામાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, રાઇટર સિધ્‍ધરાજસિંહ, જયંતિભાઇ, એએસઆઇ હિતેષભાઇ જોગડા સહિતે મૃતક ચોૈલાબેન પટેલના મોટા ભાઇ શિવાંગભાઇ ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.૫૭-રહે. કર્ણાવતી સોસાયટી, કુહા ગામ તા. દસ્‍કોઇ, અમદાવાદ)ની ફરિયાદ પરથી ચોૈલાબેનના પડોશી ઋષીકેશ સોસાયટી-૩માં રહેતાં મુળ જુનાગઢના સિંહજના વતની કાનજી ભીમાભાઇ વાંજા-સુથાર (ઉ.વ.૩૪) સામે ગુનો નોંધી હસ્‍તગત કરી પુછતાછ હાથ ધરી છે.

ફરિયાદમાં નોંધવામાં આવ્‍યું છે કે આોરપી કાનજી ફરિયાદી શીવાંગભાઇના બહેન ચોૈલાબેનના ઘરમાં રાતે ઘુસી ગયો હતો અને કોઇપણ કારણોસર તેમની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી, તિક્ષ્ણ હથીયાર છરી વડે છાતીના ભાગે ગંભીર ઇજા કરી તેમજ ડાબા હાથની હથેડીમાં ઇજા પહોંચાડી મોત નિપજાવ્‍યું હતું. આસપાસના લોકો ભેગા થઇ જતાં આરોપી ભાગી ગયો હતો. બાદમાં તેને સકંજામાં લેવાયો છે. બનાવ કયા કારણોસર બન્‍યો છે તેની ઉંડાણપુર્વની તપાસ હજુ ચાલુ છે. તેમ પીઆઇ એચ. એન. પટેલે જણાવ્‍યું હતું. (૧૪.૬)

નિલમબેને કહ્યું-અમે  રાતે એસી ચાલુ કર્યુ ત્‍યાં ઉપરના માળે  ખુબ અવાજ થયો, કંઇક અજુગતું થયાનું લાગતાં તપાસ કરતાં પાછળ રહેતો કાનજી લોહીલુહાણ બહાર આવ્‍યો!

હત્‍યા જ્‍યાં થઇ તે મકાનમાં નીચેના માળે પતિ સાથે રહેતાં :અહિ શું આવ્‍યો? પુછતાં તેણે કહ્યું મને બોલાવ્‍યો હતોઃ પાછળ ચોૈલાબેન બહાર આવ્‍યા અને ‘આ મને મારી નાખશે એવી બૂમો પાડી, અમે પાણી આપ્‍યું પણ પી ન શક્‍યા, ૧૦૮ના ડોક્‍ટરે  તેમને મૃત જાહેર કર્યા'

રાજકોટ તા. ૧૩: હત્‍યાની આ ઘટના જે મકાનમાં બની ત્‍યાં પતિ સાથે ભાડેથી રહેતાં નિલમબેન પિયુષભાઇ દલસાણીયાએ જણાવ્‍યું હતું કે રાતે લગભગ પોણા બાર આસપાસ અમે દરવાજો બંધ કરી સુવાની તૈયારી કરતાં હતાં અને એ.સી. ચાલુ કર્યુ ત્‍યાં જ ઉપરના માળેથી અવાજ આવવા માંડયો હતો. કોઇ પગ પછાડતું હોય તેવુ લાગતું હતુ. મેં મારા પતિને કહેતાં તેણે તપાસ કરવા અને ઉપર રહેતાં માસીને કંઇક તકલીફ હશે તેમ કહેતાં અમે બહાર નીકળ્‍યા હતાં અને તપાસ કરતાં જ અમારા પાછળના મકાનમાં રહેતો કાનજી વાંજા બહાર આવ્‍યો હતો, તેના હાથ-પગમાંથી લોહી નીકળતાં  હોઇ તેને જોઇ પહેલા તો અમે ચોંકી ગયા હતાં. બાદમાં તેને અહિ શું કરે છે? પુછતાં તેણે-આમણે મને બોલાવ્‍યો હતો તેવું  કહ્યું હતું.

એ જ વખતે ચોૈલાબેન પણ બહાર આવ્‍યા હતાં અને ‘આ મને મારી નાંખશે, મારી નાંખશે' એવી બૂમો પાડી હતી. આ વખતે બીજા પડોશીઓ પણ જાગીને ભેગા થઇ ગયા હતાં. અમે ચોૈલાબેન પાસે ગયા હતાં અને તેને પાણી આપતાં તેણે પાણી ગળે નહિ ઉતરે, આણે મારુ ગળુ દબાવ્‍યું છે તેમ કહ્યું હતું અને બેશુધ્‍ધ જેવા થઇ ગયા હતાં. તુરત જ કોઇએ ૧૦૮ બોલાવતાં તેના ડોક્‍ટરે ચોૈલાબેનને મૃત જાહેર કર્યા હતાં. આ વખતે કાનજીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પણ પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો. બાદમાં પોલીસ આવી ગઇ હતી.

 

(3:04 PM IST)