તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
રાજકોટમાં શિવાજી સેના આયોજીત પપપ દિકરીઓના સમુહ લગ્નોત્સવમાં ગેરરીતીની ફરીયાદ : જુઓ વિડિઓ
લખતરના દલીત પરિવારની કન્યાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આપી અરજીઃ જાહેરાત થયા મુજબ સોના-ચાંદીની ભેટને બદલે નકલી દાગીના ધાબડી દેવાયા! : આયોજક વિક્રમ સોરાણી કહે છે દાતાએ આપેલી ભેટમાં ભુલચુક થઇ હશે તો સુધારી લેવાશે !

રાજકોટ, તા., ૧૩ : શહેરની ભાગોળે હિરાસર એરપોર્ટ નજીક ર૭-૪-રપને રવિવારે શિવાજી સેના ગુજરાત દ્વારા આયોજીત પપપ દિકરીઓના સમુહ લગ્નમાં સોના-ચાંદીની જાહેર થયેલી ભેટને બદલે નકલી ભેટ ધાબડી દેવાયાની પોલીસમાં ફરીયાદ પહોંચી છે. લખતરની એક દલીત યુવતીએ આયોજકો વિક્રમ સોરાણી, પિન્ટુભાઇ પટેલ અને અક્ષય ધાડવી સામે વર પક્ષ તરફથી ર૧૦૦૦ની ફી વસુલી યોજાયેલા આ લગ્નોત્સવમાં ગેરરીતીની રાવ કરી છે.
તાજેતરમાં રેલનગરમાં યોજાનાર સમુહલગ્નના આયોજકો ઓચિંતા ગાયબ થઇ જતા મચી ગયેલા હોબાળા બાદ લગ્ન માટે આવેલા યુગલોના લગ્ન પોલીસે સંપન્ન કરાવ્યા હતા. ત્યાર બાદ ફરી આવો મામલો સામે આવ્યો છે. સમાજના અગ્રણી કે સમાજ સેવકનો અંચળો ઓઢી ફરતા આયોજકો સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે.
આ બારામાં સોનલબેન વોરા (રહે. લખતર) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, મારૂ સગપણ થયા બાદ મારા પિતાની આર્થીક સ્થિતિ નબળી હોવાથી શિવાજી સેના ગુજરાત આયોજીત સર્વજ્ઞાતિના સમુહ લગ્નોત્સવમાં અમે બંને પક્ષોએ લગ્ન કરવાનો નિર્ણય કરી લગ્ન બંધને બંધાયા હતા. સંસ્થાની જાહેરાત મુજબ વરપક્ષ પાસેથી ર૧૦૦૦ ફી વસુલવામાં આવી હતી. અને કરીયાવરમાં સોનુ તેમજ ચાંદીની બુટી, વીંટી, પગના કઇડા, ચાંદીના સિક્કા સહિતની દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેમજ મામાટલુ આયોજક તરફથી વિનામુલ્યે આપવાનું નક્કી થયું હતું. પરંતુ લગ્ન પુરા થયે મામાટલા માટે ર૧૦૦ રૂા. વધારાના વસુલાયા હતા. અમે સ્વગૃહે ઘેર ગયા બાદ થોડા દિવસ પછી અમને મળેલી ભેટની સોનીની દુકાને છાનબીન કરાવતા આ ભેટ પૈકીની ચાંદી કે સોનાની એક પણ વસ્તુ નહિ હોવાનું બહાર આવ્યું હતું. બગસરામાં બનતા ડુપ્લીકેટ ઘરેણા જેવી આ ભેટ હોવાનું સોની મહાજનનું કહેવું હતું. આમ મોટી મોટી જાહેરાતો કરી અમને છેતરવામાં આવ્યાનું જણાતા અમે ફરીયાદ નોંધાવી છે.
આ બારામાં આયોજક વિક્રમ સોરાણીનો સંપર્ક કરતા તેણે જણાવેલ કે, દાતાઓ દ્વારા જે ભેટ આપવામાં આવી હતી તેમાં કોઇ ભુલ થઇ હોય તો ફરીયાદી અને દાતાને સામે બેસાડી તેનું નિરાકરણ કરી આપીશું. અમે ૪૪ર જેટલા યુગલોના સમુહલગ્ન યોજયા હતા જેનો અંદાજીત ખર્ચ ૧ કરોડ ૩૮ લાખ જેવો થયો હતો. ર૧૦૦૦ × ૪૪ર લેખે ૯૩ લાખ જેવી આવક થઇ હતી. બાકીનો ખર્ચો દાતાઓ તરફથી મળેલી ભેટ અને રોકડમાંથી કરવામાં આવ્યો હતો.
કુવાડવા પોલીસમાં ગત ૧૦ મી તારીખે આ ફરીયાદ અરજી દાખલ થઇ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. (૪.૨૬)
(3:27 PM IST)










