News of Tuesday, 13th May 2025
વાવડીમાં ૧૨મા ધોરણના છાત્ર મંથન કયાડાનો આપઘાતઃ માતા-પિતાનો એક જ પુત્ર હતો
ઝેરી પાવડર પી લીધોઃ ઉગ્ર મગજનો હોઇ પગલુ ભર્યાનું સગાનું કથનઃ પિતા હૃદયની સારવાર માટે બહારગામ ગયા હતાં

રાજકોટ તા. ૧૩: શહેરના ગોંડલ રોડ પર વાવડીમાં રહેતાં બબારમા ધોરણના વિદ્યાર્થીએ ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.
જાણવા મળ્યા મુજબ વાવડીમાં ૮૦ ફુટ રીંગ રોડ પર રહેતો મંથન જગદીશભાઇ કયાડા (ઉ.વ.૧૭) રાતે સાડા નવેક વાગ્યે ઘઉમાં રાખવાનો પાવડર પી જતાં ઉલ્ટીઓ કરવા માંડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર મંથન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતા વ્હાઇટ કોલ સહિતનો વેપાર કરે છે. સગાના કહેવા મુજબ મંથન હાલમાં જ ધોરણ-૧૧ પુરૂ કરી ૧૨માં ધોરણમાં આવ્યો હતો. તે સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતો હતો. હાલમાં વેકેશન હોઇ ઘરે હતો. તેના પિતાને હૃદયની તકલીફ હોઇ હાલ નવસારી સારવાર કરાવવા ગયા હોઇ પાછળથી મંથને આ પગલુ ભર્યુ હતું. તે ખુબ જ ગરમ મગજ ધરાવતો હતો અને ખુબ ગુસ્સો આવતો હતો. રાતે અચાનક જ ઝેરી પાવડર પી લીધો હતો અને સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. એકના એક દિકરાના આપઘાતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.
(2:51 PM IST)










