News of Tuesday, 13th May 2025
વ્યાજંકવાદઃ ૨૦ના ૮૦ લાખ, ૦૫ના ૧૦ લાખ ચુકવ્યા છતાં વધુ ઉઘરાણી-ધમકીઃ કોઠારીયાના કારખાનેદારે ઝેર પીધું
લોઠડામાં કારખાનુ ધરાવતાં સુરેશભાઇ સાંગાણીએ ધંધા માટે અને દિકરીના લગ્ન માટે ખોખડદડના રામા ભરવાડ પાસેથી અને તેને ચુકવવા મનિષ રંગાણી પાસેથી નાણા લીધા'તા : વ્યાજ ચુકવવા અલગ અલગ ૯ બેંકમાંથી ૧ કરોડ ૨૫ લાખની લોન લીધી હતીઃ કારખાને રૂબરૂ આવી તેમજ ફોન કરી દિકરાની સગાઇ તોડાવી નાંખવાની, બદનામ કરવાની અને કોરા ચેકમાં મોટી રકમ ભરી ફસાવી દેવાની ધમકી આપતાં હતાં: આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૩: વ્યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં કોઠારીયા ગામમાં રહેતાં કારખાનેદારે ધંધાના કામે અને દિકરીની સગાઇ માટ જરૂર હોઇ ખોખડદડના એક શખ્સ પાસેથી ૧૦ ટકે ૨૦ લાખ લઇ તેને ૮૦ લાખ ચુકવી દીધા હોઇ તેમજ બીજા શખ્સ પાસેથી ૧૦ ટકે ૫ લાખ લઇ તેની સામે ૧૦ લાખ ચુકવી દીધા હોઇ છતાં તે વધુ ૫ લાખ માંગતો હોઇ અને બંને કારખાને આવી સહી કરેલા કોરા ચેક પડાવી ગયા હોઇ તેમજ હજુ પણ સતત ઉઘરાણી કરી કોરા ચેકમાં મોટી રકમ ભરી ફરિયાદ કરવાની, બદનામ કરવાની, દિકરાની સગાઇ ન થાય તેવું કરવાની ધમકીઓ આપતાં હોઇ કારખાનેદારે ઝેરી દવા પી આઘપાતનો પ્રયાસ કરતાં આજીડેમ પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા ગામ રામજી મંદિર પાસે રહેતાં અને રાજકોટના લોઠડા ગામે તિરૂપતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જય ગાત્રાળ ટેક્નોકાસ્ટ નામે લોખંડની ભઠ્ઠીનું કારખાનુ ધરાવતાં સુરેશભાઇ લક્ષમણભાઇ સાંગાણી (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ખોખડદળના રામા ભરવાડ અને મનિષ રંગાણી વિરૂધ્ધ મનીલેન્ડ એક્ટ, બળજબરીથી પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરેશભાઇ સાંગાણીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને લોઠડામાં કારખાનુ ચલાવુ છું. સાડા ત્રણેક વર્ષ પહેલા લોઠડામાં તિરૂપતથી મેટલ કાસ્ટની સામેની શેરીમાં હું ભાડેથી કારખાનુ ચલાવતો હતો. મારા કારખાના પાસે ખોખડદડના રામા ભરવાડની ચાની દુકાન હોઇ જેથી મારે તેની સાથે મિત્રતા થઇ હતી. તે વ્યાજનનો ધંધો પણ કરતો હોઇ મારે ધંધાના કામે તેમજ દિકરીની સગાઇ માટે રૂપિયાીન જરૂર પડતાં મેં તેની પાસેથી રૂા. ૨૦ લાખ માંગતાં તેણે મને હું ૧૦ ટકા વ્યાજે પૈસા આપુ છું તેમ કહેતાં મેં તેને વ્યાજ ઓછુ કરવાનું કહેતાં તેણે ના પાડી હતી. પણ મારે જરૂર હોઇ જેથી મેં ૧૦ ટકા વ્યાજે ૨૦ લાખ રૂપિયા તેની પાસેથી લીધા હતાં. જેનું દર મહિને હું બે લાખ વ્યાજ ભરતો હતો. વ્યાજ ભરવામાં મોડુ થાય તો તે મારી પાસેથી પેનલ્ટી પણ વસુલતો હતો. આ રીતે મેં તેને ત્રણ વર્ષમાં પેનલ્ટી સહિત ૨૦ લાખ સામે ૮૦ લાખ રૂપિયા આપી દીધા છે. આમ છતાં તે હજુ મુડીના રૂા. ૧૫,૫૦,૦૦૦ માંગ છે.
સુરેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે રામાને વ્યાજ ભરવા માટે મેં ખોખડદડના મનિષ રંગાણી પાસેથી ૫,૦૦,૦૦૦ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. મનિષને પણ હું દર મહિને રોકડા રૂા. ૫૦ હજાર વ્યાજના ચુકવતો હતો. આ રીતે મેં મનિષને બે વર્ષમાં કુલ ૧૦ લાખ ચુકવી દીધા છે. આમ છતાં મનિષ હજુ પણ ૫,૦૦,૦૦૦ની ઉઘરાણી કરે છે. મેં આ લોકોને વ્યાજ ચુકવવા માટે સ્મોલ ફાયનાન્સ બેંક તથા કત્સેસુ બેંક, ટાટા કેપીટલ બેંક, યશ બેંક, ફલેક્ષી લોન્સ બેંક તથા બજાજા ફાયનાન્સ અને અશ્વ ફાયનાન્સ તેમજ એસએમએફજી બેંક તથા એચડીએફસી બેંક એમ એમ કુલ ૯ બેંકોમાંથી રૂા. ૧,૨૫,૦૦,૦૦૦ની ોલન લીધી હતી. જેમાંથી હું આ લોકોને રોકડેથી વ્યાજ ચુકવતો હતો.
ચારેક મહિનાથી મારે કારખાનુ બરાબર ચાલતુ ન હોઇ અને ધંધામાં મંદી હોઇ જેથી હું આ બંનેને વ્યાજ ચુકવી શકતો નહોતો. જેથી આ બંને અવાર-નવાર મને ફોન કરીને તેમજ રૂબરૂ આવીને પૈસાની, વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હોઇ અને પૈસા ન આપુ તો મારી નાખવાની ધમકી આપતાં હોઇ ત્રણેક મહિના પહેલા મારા કારખાને આવી કહેલુ કે-તું કેમ ચાર મહિનાથી અમને વ્યાજ આપતો નથી? તેથી મેં કહેલુ કે મારે કારખાનામાં મંદી ચાલે છે, થોડા સમયમાં હું વ્યાજ મુડી બધુ ચુકવી દઇશ તેમ કહેતાં આ બંનેએ મને ગાળો દીધી હતી અને કહેલુ કે-અમે તારી સમાજમાં બદનામી કરી નાખશુ, તારા દિકરાનું સગપણ નહિ થવા દઇએ. બાદમાં મારા ટેબલના ખાનામાં મારી પેઢીની ચેકબૂક હોઇ જેમાં મારી પત્નિની સહીવાળા કોરા ચેક હતાં તે બે કોરા ચેક આ બંને જણાએ મને ધકમી આપી મારી પાસેથી લઇ લીધા હતાં. તેમજ જતાં જતાં કહેલું કે જો તું વ્યાજ અને મુડી નહિ આપે તો તને મારી નાખશું.
આ પછી પણ બંને અવાર-નવાર રૂબરૂ આવીને અને ફોન કરીને વ્યાજની ઉઘરાણી કરી કહેતાં હતાં કે અમારી પાસે તારા ચેક છે તેમાં મોટી રકમ ભરી તારી પર ફરિયાદ કરી તને હેરાન કરી નાખશું. આ બંને ઝનુની સ્વભાવના હોઇ સતત મને હેરાન કરી ઉઘરાણી કરતાં હોઇ ગત ત્રીજી મેના રોજ મેં ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો. ૧૧મીએ હું ભાનમાં આવ્યા બાદ મને સગા વ્હાલાએ પુછતાં મેં આ હકિકત તેમને જણાવી હતી. રામા અને મનિષના ત્રાસને કારણે મેં આ પગલુ ભર્યુ હતું. તેમ વધુમાં સુરેશભાઇએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:56 PM IST)










