તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
ઓરિસ્સાથી ગાંજો લાવી વેંચે પહેલા સાગરનગરના દિપક ઉર્ફ શિવમ્ને ગાંજા સાથે એસઓજીએ દબોચ્યો
ટ્રેન મારફત આવ-જા કરતોઃ અગાઉ પણ બે ખેપ મારી હતીઃ અમદાવાદ, વડોદરા ઉતરી ખાનગી વાહનમાં રાજકોટ આવતો : પીઆઇ એસ. એમ. જાડેજા, એન. વી. હરિયાણી અને ટીમની કુવાડવા પાસે કાર્યવાહીઃ હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમીઃ બંધાણીઓને ૨૦૦-૫૦૦માં પડીકીઓ વેંચતો હોવાનું રટણ

રાજકોટ તા. ૧૩: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં જુના માર્કેટ યાર્ડ પાસે સાગરનગરમાં રહેતાં શખ્સને કુવાડવા નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. ઓરિસ્સાથી આ શખ્સ ગાંજો લાવ્યો હતો. જો કે રાજકોટમાં બંધાણીઓને વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો. અગાઉ પણ તે આવી બે ખેપ મારી આવ્યો હોવાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા પુછતાછ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ એસઓજીની ટીમ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા અને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. હાર્દિકસિંહ પરમાર અને કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી કુવાડવા શિવશક્તિ હોટલ નજીક ઇન્ડીયન ઓઇલ પંપ સામે વોચ રાખી દિપક ઉર્ફ શિવમ્ રણજીતભાઇ અગ્રાવત (ઉ.વ.૨૦-રહે. સાગરનગર-૧, જુના માર્કેટીંગ યાર્ડ પાસે)ને પકડી લઇ તેની પાસેથી રૂા. ૨૧૨૧૦નો ૨.૨૪૧ ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો. આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
દિપક ઉર્ફ સાગર પાસેથી ગાંજો તેમજ મોબાઇલ ફોન, રોકડ, થેલો મળી કુલ ૨૯૫૧૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. હાલ તે છુટક મજૂરી કરે છે. તેણે પ્રાથમિક પુછતાછમાં રટણ કર્યુ હતું કે પોતે ઓરિસ્સા ટ્રેન મારફત ગયો હતો અને ત્યાંથી આ ગાંજો લાવ્યો હતો. અગાઉ પણ આ રીતે બે ખેપ મારીને ગાંજો વેંચી નાંખ્યો હતો. રાજકોટમાં બંધાથીઓને ત્રણસોથી પાંચસોમાં પડીકીઓ વેંચતો હોવાનું પણ રટણ કર્યુ હતું. તે ઓરિસ્સાથી ગાંજો લઇને આવે ત્યારે વળતા અમદાવાદ કે વડોદરા ઉતરી જઇ ત્યાંથી ખાનગી વાહનમાં રાજકોટ આવતો હતો અને ચોટીલા નજીક પહોંચે ત્યારે ફોન બંધ કરી દેતો હતો. આ વખતે ત્રીજી ખેપમાં શહેર એસઓજીએ તેનો પ્લાન ઉંધો વાળી દીધો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એમ. જાડેજા, વી. એન. હરિયાણી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, મહાવીરસિંહ ઝાલા, કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. ગાંજાનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી બી. વી. જોગીયાએ કર્યુ હતું. વધુ તપાસ કુવાડવા પોલીસ કરી રહી છે.
(3:06 PM IST)










