તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસ : હનીટ્રેપના માસ્ટરમાઇન્ડ 'X'નું નામ જાહેર : જુનાગઢનો રહીમ મકરાણી મુખ્ય સૂત્રધાર
સગીરા બનીને અમિત સાથે વાત કરતો હતો : દુષ્કર્મના કેસમાં જામીન ન મળે તે માટે રચ્યું હતું ષડયંત્ર : પોલીસ દ્વારા શોધખોળ શરૂ

રાજકોટ: - રીબડાના યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા અગાઉ એક સગીરા સહિત ચાર લોકોની ધરપકડ કર્યા બાદ, હવે હનીટ્રેપ અને આત્મહત્યાના આ સમગ્ર કાવતરામાં જે મુખ્ય વ્યક્તિની ભૂમિકા છે તે 'X' નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આ 'X' નામની વ્યક્તિનું અસલી નામ રહિમ મકરાણી હોવાનું ખુલ્યું છે, જે જુનાગઢનો રહેવાસી છે. પોલીસે આ કેસમાં રહિમની શોધખોળ શરૂ કરી દીધી છે અને તેની ધરપકડ બાદ આ કેસમાં વધુ કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ તેને જલદી જામીન ન મળે તે માટે રહિમ મકરાણીએ જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. રહિમે જ સગીરાની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ પોતે જ સગીરા બનીને અમિત સાથે વાતચીત કરતો હતો અને તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પોલીસે હવે રહિમનું નામ સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે, જો કે હાલમાં તે પોલીસ પકડથી દૂર છે અને પોલીસ તેની શોધમાં લાગી છે.
આ કેસની ફરિયાદમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાનું નામ પણ નોંધાયેલું છે. પોલીસે આ મામલે ગુનો તો નોંધ્યો છે, પરંતુ હજી સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાની ધરપકડ કરી નથી. એવી શક્યતા છે કે પોલીસ રહિમની ધરપકડ કર્યા બાદ વધુ પુરાવા એકત્ર કરીને રીબડાના પિતા-પુત્ર વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરશે. બીજી તરફ, અમિત ખૂંટના પરિવારજનો સતત અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસની તપાસ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ આ કેસમાં અત્યાર સુધીમાં એક સગીરા, પૂજા રાજગોર નામની મહિલા, એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ કરી ચૂકી છે. હવે રહિમની ધરપકડ બાદ આ તપાસ વધુ આગળ વધશે. જો કે, પોલીસની કથિત ઢીલી કામગીરીને કારણે પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકી દ્વારા અગાઉ કોઈ અન્ય વ્યક્તિને આ જ રીતે શિકાર બનાવવામાં આવ્યા હતા કે કેમ. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રહિમ મકરાણી કેટલા સમયમાં પકડાય છે.
(6:00 PM IST)










