<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

રૈયાધારના શિવરાજનું ફઇના દિકરાઓએ મેટોડાથી કારમાં ઉઠાવી રાજકોટ લઇ આવી ધોકા-છરીના ઘા ઝીંકતા ગંભીર

શિવરાજના માતા-પિતાએ અગાઉ બહેનના દિકરા જયદિપની હત્‍યા કરી હોઇ બંને જેલમાં છેઃ ખાર રાખી ફઇના દિકરાઓએ મામાના દિકરાને ઉઠાવી હુમલો કર્યોઃ નવા ૧૫૦ રીંગ રોડ પર પરશુરામ મંદિર પાસે મારીને ફેંકી દીધોઃ થોડો ભાનમાં હોઇ મોટા બાને જાણ કરીઃ રાહદારીએ ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં ખસેડયો

રાજકોટ તા. ૧૪: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં મુળ પડધરીના ઢોકળીયાના શિવરાજ ગોવિંદભાઇ મુછડીયા (ઉ.વ.૧૮) નામના યુવાનનું સાંજે આઠેક વાગ્‍યે મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧ પાસેથી તેના જ ફઇના દિકરાઓએ કારમાં અપહરપણ કરી રાજકોટ નવા ૧૫૦ રીંગ રોડ પર મુંજકા પાસેના પરશુરામ મંદિર પાસે લાવી છરી-ધોકાથી બેફામ માર મારી ગંભીર ઇજા પહોંચાડી રોડ પર ફેંકી દેતાં યુવાનને કોઇ રાહદારીએ ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે. શિવરાજના માતા-પિતાએ અગાઉ બહેનના દિકરાની હત્‍યા કરી હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ પડધરી પંથકનો હાલ મોટાબા સાથે રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં શિવરાજ મુછડીયાએ રાતે પોતાના મોટીબા નાથીબેન રાજુભાઇને ફોન કરી પોતાને પરશુરામ મંદિર પાસે ફઇના દિકરાઓએ મારકુટ કરી છે તેવી જાણ કરતાં પરિવારજનો તેને શોધવા નીકળ્‍યા હતાં. એ દરમિયાન શિવરાજ રોડ પર પડયો હોઇ કોઇ રાહદારીએ ૧૦૮ બોલાવતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેના મોટીબા સહિતના લોકો પણ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. શિવરાજે પોતાને મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧ પાસેથી ફઇના દિકરાઓ ખુશાલ હમીરભાઇ અને રાહુલ હબીરભાઇએ બળજબરીથી કારમાં નાંખી રાજકોટ પરશુરામ મંદિર પાસે લાવી છરી, ધોકાના ઘા ઝીંક્‍યાનું જણાવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે મેટોડા પોલીસને જાણ કરી હતી.

શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઇ છે અને હાલ મેટાડા કારખાનામાં કામ કરે છે. તેના મોટીબા નાથીબેને જણાવ્‍યું હતું કે શિવરાજના માતા અને પિતા દસેક મહિનાથી હત્‍યાના ગુનામાં જેલમાં છે. આ બંનેએ શિવરાજના ફઇના દિકરા જયદિપની હત્‍યા કર્યાનો તેના પર આરોપ છે. સગપણ બાબતે માથાકુટ થતાં આ હત્‍યા થઇ હતી. ખુશાલ અને રાહુલે પોતાના ભાઇ જયદિપની હત્‍યા મામા-મામીએ કરી હોઇ તેનો ખાર રાખી આ બંનેના એકના એક દિકરા શિવરાજને મેટોડાથી ઉઠાવી પરશુરામ મંદિર પાસે લાવી છરી, ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલો થયા બાદ શિવરાજ થોડો ભાનમાં હોઇ તેણે મને ફોનથી જાણ કરી હતી. શિવરાજ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મેટોડા પોલીસ વધુ તપાસ કરી રહી છે. (૧૪.૬)

(2:56 PM IST)