News of Wednesday, 14th May 2025
સોની બજારના વેપારી તેજસભાઇ પાસેથી દાગીના વેંચવા લઇ ગયા બાદ બિપીન આડેસરાની ૩૭ાા લાખની ઠગાઇ
લક્ષ્મીવાડીનો બિપીન દાગીના કમિશનથી વેંચવા લઇ જઇ સામે ફાઇન સોનુ આપતો હતોઃ કટકે કટકે દાગીના લઇ ગયા બાદ સોનુ પરત ન આપ્યાની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના સોની બજારના વધુ એક વેપારી સાથે લાખોની છેતરપીંડી થઇ છે. ગુંદાવાડીમાં રહેતાં અને સોની બજારમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી તેના પડોશમાં જ રહેતો શખ્સ વિશ્વાસ કેળવી વેંચવા માટે દાગીના લઇ જઇ તેની સામે ફાઇન સોનુ પાછુ આપતો હોઇ તે બાદમાં કટકે કટકે અલગ અલગ દાગીના વેંચવા માટે લઇ ગયા બાદ તેની સામે રૂા. ૩૭,૫૧,૫૦૦નું ફાઇન સોનુ પાછુ આપતો ન હોઇ છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગુંદાવાડી શેરી નં. ૨૫ સુરસાગર એપાર્ટમેન્ટ સામે ભાગ્યલક્ષ્મી ખાતે રહેતાં તેજસભાઇ દિનેશભાઇ આડેસરા (ઉ.વ.૪૬) નામના વેપારીની ફરિયાદ પરથી લક્ષ્મીવાડી મેઇન રોડ ધ્રુવીલ પેલેસ એપાર્ટમન્ટ-૧૦૧માં રહેતાં બિપીન કુમુદભાઇ આડેસરા સામે બીએનએસની કલમ ૩૧૬ (૫) મુજબ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
તેજસભાઇ આડેસરા સોની બજાર ગિરીરાજ ચેમ્બસમાં ઓફિસ નં. ૧૧૨માં શ્રીનાથજી ગોલ્ડ આર્ટ નામે દુકાન ધરાવે છે. અહિ તે ત્રીસેક વર્ષથી સોની કામ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પડોશમાં રહેતાં બિપીન આડેસરા સાથે બે વર્ષથી વ્યાપારીક સંબંધ હતાં. બિપીન આડેસરા મારી પાસેથી સોનાના દાગીના લઇ જઇ બજારમાં વેંચી પોતાનું કમિશન કાઢી મને મારા દાગીનાના બદલામાં ફાઇન સોનુ આપતા હતાં. આ દાગીનાની લેવડ-દેવડ એક કાચી ચિઠ્ઠીને આધારે થતી હતી.
દરમિયાન ગત ૧૧/૫/૨૪ના રોજ બિપીન આડેસરા મારી પાસેથી ૨૩.૪૫૦ ગ્રામનું ૧૮ કેરેટ ગોલ્ડનું મંગલસુત્ર જેનું ફાઇન ગોલ્ડ ૧૯ ગ્રામ થાય છે તે તથા ૪/૬/૨૪ના રોજ ૧૦૪.૩૨૦ ગ્રામ ૧૪.૫ કેરેટનું ગોલ્ડ જેનું ફાઇન ગોલ્ડ ૬૬.૭૬૫ થાય છે તે દાગીના તે લઇ ગયેલ અને એ જ દિવસે તેની સામે મને આપવાના થતાં ફાઇન સોનાની વિગત ડાયરીમાં લખી આપી હતી. ત્યારબાદ ૨૧/૬/૨૪ના રોજ ૧૧૧.૯૫૦ ગ્રામ ગોલ્ડ ૧૪.૫ કેરેટ રવા બુટી જેનું ફાઇન ગોલ્ડ ૭૩.૩૩૦ ગ્રામ તથા ૮૯.૯૮૦ ગ્રામ ગોલ્ડ ૧૮ કેરેટ લેડીઝ વીંટી જેનું ફાઇન ગોલ્ડ ૭૧.૦૬૬૦ ગ્રામ થાય તથા ૫૪.૯૭૦ ગ્રામ ગોલ્ડ ૧૮ કેરેટ બુટી ટોપ જેનું ફાઇન ગોલ્ડ ૪૨.૩૩૦ ગ્રામ થાય તે તથા તા. ૬/૭/૨૪ના રોજ ૧૯૮.૯૬૦ ગ્રામ ગોલ્ડ જેટમા રીટર્ન ૧૫૧ ગ્રામ ગોલ્ડ ૧૪.૫ કેરેટનો માલ હતો. તેમાં બાકી રહેલો ૪૭.૯૬૦ ગ્રામ ગોલ્ડ ૧૪.૫ કરેટ પઠાણી કાટી જેનું ફાઇન ગોલ્ડ ૮૪.૪૩૬ ગ્રામ ફાઇન ગોલ્ડ લેવાનું બાકી હતું.
આમ કુલ ૩૮૭.૩૭૧ ગ્રામ ફાઇન ગોલ્ડ મારે બિપીન આડેસરા પાસેથી લેવાનું નીકળે છે. તેના સ્વહસ્તાક્ષરે મને તેણે ડાયરીમાં લખી આપ્યું હતું. મારે બિપીન પાસેથી કુલ ૩૮૭.૩૭૧ ગ્રામ ફાઇન ગોલ્ડ લેવાનું નીકળે છે તેની કિમત રૂા. ૩૭,૫૧,૫૦૦ જેવી થાય છે. આ ફાઇન ગોલ્ડની મેં અવાર-નવાર તેની પાસે ઉઘરાણી કરવા છતાં તે આપતા નથી. છેલ્લે તેણે એવું કહેલુ કે મેં તમારો માલ વાઘેશ્વરી જ્વેલર્સવાળાને આપ્યો છે. આથી મેં વાઘેશ્વરીવાળા મયુરભાઇ બટુકભાઇ કાતરોડીયાની તપાસ કરતાં તે ૧૮/૫/૨૪ના રોજ રાજકોટ મુકી જતો રહ્યાનું જણાયુ હતું. આથી બિપીન કહેતો હતો કે મયુર જ્યારે મને સોનુ આપશે ત્યારે જ હું પાછુ આપીશ. અવાર-નવાર મેં માંગણી કરવા છતાં અને સમાજના આગેવાનોને વાત કરવા છતાં બિપીને સોનુ ન આપી ઠગાઇ કરી હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં તેજસભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(2:57 PM IST)










