News of Wednesday, 14th May 2025
બળાત્કારના ઇરાદે જ કાનજી નર્સના ઘરમાં ઘુસ્યો હતોઃ નર્સે પ્રતિકાર કરતાં હત્યા કરી નાંખી'તી
વિકૃત શખ્સ ગમે તે યુવતિઓ, મહિલાઓના ફોટા પાડી લેતોઃ ફોનમાં આવા અનેક ફોટા-વિડીયો : નર્સે જે છરી મારી એ જ ઝૂંટવીને તેને મારી દીધી હતીઃ કોર્ટહવાલે કરવા તજવીજઃ એસીપી ચોૈધરી, પીઆઇ પટેલે વિગતો જણાવી : એકાદ મહિનાથી તે નર્સની રેકી કરતો હતો અને ટ્રેસ કરતો હતો

રાજકોટ તા. ૧૪: શહેરના યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્કમાં રહેતાં મુળ અમદાવાદ દસ્કોઇના કુહા ગામના ચોૈલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.૫૩) નાના રાજકોટ સોૈરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના સ્ટાફ નર્સની તેમના મકાનની પાછળ જ રહેતાં કાનજી ભીમાભાઇ વાંજા નામના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ શખ્સની ધરપકડ બાદ પોલીસે વિસ્તૃત પુછતાછ કરતાં તે બળાત્કારના ઇરાદે જ નર્સના ઘરમાં ઘુસ્યાની અને નર્સ દ્વારા પ્રતિકાર રૂપે તેના પર છરીથી હુમલો કરવામાં આવતાં તેણે નર્સ પાસેથી જ છરી ઝુંટવી ઘા ઝીંકી દીધાનું ખુલ્યું છે. આ શખ્સ વિકૃત મગજનો હોવાનું તેના મોબાઇલ ફોનમાંથી મળેલા ફોટો, વિડીયો જોતાં લાગે છે.
હત્યાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ભોગ બનેલા ચોૈલાબેન પટેલના ભાઇ શિવાંગભાઇ પટેલની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યા બાદ આરોપી મુળ જુનાગઢના હાલ ઋષીકેશ પાર્ક-૩માં રહેતાં કાનજી ભીમાભાઇ વાંજા-સુથારની ધરપકડ કરી છરી કબ્જે લીધી હતી. ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ પુછતાછ થતાં તપાસમાં ખુલ્યું હતું કે કાનજી એકાદ મહિનાથી પડોશમાં રહેતાં નર્સ ચોૈલાબેનને ટ્રેસ કરી તે ક્યારે આવે છે, જાય છે? સહિતની રેકી કરતો હતો. બનાવની રાતે નર્સ એકલા હોવાનું જાણતા જ તે પાછળના મકાનના ધાબેથી થઇ નર્સના ઘરમાં ઘુસી ગયો હતો. જ્યાં તેણે બળજબરીનો પ્રયાસ કરતાં જ નર્સે ઘરમાં પડેલી શાકભાજીની છરીના ઘા ઝીંકી દેતાં તેને પગ, હાથમાં ઇજાઓ થઇ હતી.
નર્સ દ્વારા સ્વબચાવમાં ઝનુનથી ઘા થયા હોઇ પોતાનું મર્ડર થઇ જશે તેમ લાગતાં કાનજીએ નર્સનું ગળુ પકડી દબાવ્યું હતું અને તેમના હાથમાંથી છરી છુટી જતાં તે ઉઠાવીને ઘા મારી દીધા હતાં. જે જીવલેણ નીવડયા હતાં. એવુ પણ ખુલ્યું છે કે બે સંતાનો પિતા એવો કાનજી વિકૃત હોય તેવું તેના મોબાઇલ ફોનની ગેલેરી પરથી જણાય છે. તેમાંથી અનેક એવા ફોટા વિડીયો મળ્યા છે જે તેણે જે તે સ્થળે ફરવા ગયો હોય કે કોઇપણ સ્થળે હોય ત્યાં કોઇપણ યુવતિઓ, મહિલાઓના ફોટો વિડીયો તે ઉતારી લેતો હતો. વિશેષ પુછતાછ બાદ આ શખ્સને કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ હતી. હત્યા બાદ તેના ચહેરા પર પછતાવાના કોઇ ભાવ દેખાયા નહોતાં. (૧૪.૧૧)
(2:58 PM IST)










