News of Wednesday, 14th May 2025
કારખાનેદારના અપહરણ-ખંડણી અને પોલીસ પર હુમલામાં ૪ મહિનાથી ફરાર ઇશાભા દલ ઝડપાયો
ગુના આચર્યા બાદ રાજસ્થાન, અજમેર તરફ ફરતો રહ્યો હતોઃ રાજકોટ નાના મવા પાસે આવાસમાં આવ્યાની બાતમી મળતાં એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૪: શહેરના જામનગર રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતો શખ્સ કારખાનેદારનું અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં અને પ્ર.નગર પોલીસની ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં ચાર મહિનાથી ફરાર હોઇ તે રાજકોટ આવ્યાની બાતમી મળતાં એલસીબી ઝોન-૨ ટીમે નાના મવા સર્કલ પાસેના આવાસ યોજના ક્વાર્ટર ખાતેથી દબોચી લીધો છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ હુડકો ક્વાર્ટર કમીટી ચોકમાં રહેતા ઇશાભા રીઝવાનભાઇ દલ (ઉ.વ.૨૧) વિરૂધ્ધ અગાઉ પ્ર.નગર પોલીસમાં ફરજમાં રૂકાવટ કરી પથ્થરમારો કરી, મોટરસાઇકલમાં પાણા મારી તોડફોડ કરવાનો ગુનો નોંધાયો હતો. માજીદ ભાણુ સહિતનાને પોલીસ એક ગુનામાં પકડવા ગઇ ત્યારે ટોળકી રચી પોલીસની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ ગુનામાં ઇશાભા દલ પણ સામેલ હોઇ તે ભાગી ગયો હતો. આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતાં કારખાનેદારને ભાગીદારો સાથે ભાગીદારી છુટી થયા બાદ રૂપિયાની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હોઇ ભાગીદારોએ હવાલો આપતાં ઇશાભા દલ સહિતે ૭૫ લાખનો હવાલો લઇ કારખાનેદારનું યુનિવર્સિટી રોડ એફએસએલ કચેરી પાસેથી સ્કોર્પિયોમાં અપહરણ કરી ભીસ્તીવાડ વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી માર મારી ખંડણી માંગી હતી.
આ મામલે ઇશાભા સહિતની સામે યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ થયો હોઇ આ ગુનામાં પણ તે ફરાર હતો. દરમિયાન ગઇકાલે તે નાના મવા સર્કલ પાસેના આવાસ યોજના ક્વાર્ટરમાં કોઇને મળવા આવ્યાની બાતમી મળતાં એલસીબી ઝોન-૨ ટીમે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પુછતાછમાં ઇશાભાએ રટણ કર્યુ હતું કે પોતે ગુના આચર્યા બાદ રાજસ્થાન, અજમેર તરફ ભાગી ગયો હતો. આ શખ્સ અગાઉ પણ ભક્તિનગર અને યુનિવર્સિટી પોલીસમાં મારામારીના ગુનામાં સંડોવાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર એલસીબી ઝોન-૨ના એએસઆઇ જે. વી. ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. ટીમે ઇશાભાને પકડીને હાલ પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો. બાદમાં તેનો કબ્જો યુનિવર્સિટી પોલીસ મેળવશે
(4:33 PM IST)










