<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

રામનગરમાં હૃદય બેસી જતાં પીજીવીસીએલના નિવૃત લાઇનમેન પ્રફુલસિંહ જેઠવાનું મોત

લક્ષ્મીવાડીના રમેશભાઇનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુઃ કોઠારીયા રોડના નિવૃત શિક્ષક દિલીપભાઇએ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૪: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્‍યુ થયા છે. જ્‍યારે એક વૃધ્‍ધનું બેભાન હાલતમાં મૃત્‍યુ થયું છે. ગોંડલ રોડ પીડીએમ પાછળ રામનગર-૩માં રહેતાં પ્રફુલસિંહ રવુભા જેઠવા (ઉ.વ.૬૪) નામના વૃધ્‍ધ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્રફુલસિંહ પીજીવીસીએલમાં લાઇનમેન હતાં. ત્રણ વર્ષ પહેલા નિવૃત થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં લક્ષ્મીવાડી-૨૦માં હેમાલી હોસ્‍પિટલ પાછળ રહેતાં રમેશભાઇ મોહનભાઇ વાઢેર (ઉ.વ.૪૮) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્‍યુ પામનાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. અગાઉ હૃદયની બે નળી બ્‍લોક આવી હોઇ ઓપરેશન કરાવ્‍યું હતું. રાતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થયું  હતું.

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ સુમંગલ પાર્કમાં રહેતાં દિલીપભાઇ તુલસીભાઇ કવૈયા (ઉ.વ.૫૯) રાતે દસેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ત્રણ બહેન અને  ચાર ભાઇમાં વચેટ હતાં. અગાઉ તે શિક્ષક તરીકે કાલાવડના પીપર ગામે નોકરી કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતા હતાં. કેન્‍સરની બિમારી હોવાનું જણાવાયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી છે. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે માલવીયાનગર, ભક્‍તિનગર, આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(4:33 PM IST)