News of Wednesday, 14th May 2025
ડોર ટુ ડોર એકત્ર થતા પ્લાસ્ટીકને અલગ કરીને અપાય તો રીસાયકલ માટે પુરી તૈયારી
લઘુ ઉદ્યોગ ભારતી અને પ્લાસ્ટિક મેન્યુ. એસો.ની મ્યુ. કમિશ્નર સાથેની બેઠકમાં વિચારો રજુ

રાજકોટ તા. ૧૪ : દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ભારતના ઉદ્યોગપતિઓને સંગઠીત કરી તેઓ સમાજ ઉપયોગી વસ્તુઓમાં પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે લઘુ ઉદ્યોગ ભારતીના હોદેદારો તથા રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિઓની રાજકોટ મ્યુ.કમિશ્નર શ્રી તુષારભાઈ સુમેરા સાથે મહત્વપૂર્ણ મીટીંગ ગોઠવવામાં આવી હતી.
લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા (પ્રદેશ ઉપાધ્યક્ષ), દીપકભાઈ પટેલ (સંયોજક), દિનેશભાઈ ચાપાણી (ઉપપ્રમુખ), રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉપપ્રમુખ ભરતભાઈ પરસાણા (સેક્રેટરી), રમેશભાઈ ગજેરા, કારોબારી સભ્ય જૈનીશભાઈ મુગલપરા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન વિષે ચર્ચા થઈ હતી. શહેરમાં ઘરોમાંથી ડોર-ટુ-ડોર ભેગું થતું પ્લાસ્ટિક જો અન્ય કચરાથી અલગ કરીને આપવામાં આવે તો પ્લાસ્ટિક એસોસિએશન તેની ખરીદી કરીને તેના પુનઃઉપયોગ (રીસાયકલિંગ) માટે કઇક કરી શકે તેવો વિચાર રજુ થયો હતો.
આ યોજના ‘વેસ્ટમાંથી બેસ્ટ'ના અભિગમ ને બળ આપશે. પર્યાવરણને લાભદાયી થઇ શક અને મ્યુ. કોર્પોરેશન માટે આવકનું પણસ્ત્રોત બની શકે છે.
મ્યુ. કમિશ્નર શ્રી તુષારભાઈ સુમેરાએ આ વિચારને ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપી સંબંધીત અધિકારીઓને બોલાવી વિગતવાર માહિતી મેળવી આગળ વધવા સૂચના આપી હતી.
આમ આ મીટીંગ સફળ રહેલ અને આવનારા સમયમાં પ્લાસ્ટિક વેસ્ટના વ્યાવસાયિક પુનઃઉપયોગ માટે ઉત્તમ માર્ગદર્શક બની શકે તેવા સંજોગો સર્જાયા હોવાનું લઘુ ઉદ્યોગ ભારતીના સંયોજક દીપકભાઇ પટેલ (મો.૯૮૨૫૫ ૦૭૬૫૮)ની યાદીમાં જણાવાયુ છે
(3:10 PM IST)










