<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ધો. ૧૦-૧રના પરિણામો બાદ વિવિધ દાખલા માટે બહુમાળી- મામલતદાર કચેરીઓ ઉપર લાંબી લાઇનોઃ અરજદારોના આક્ષેપો

ડોકયુમેન્‍ટ માટે અધીકારીઓ ધકકા ખવડાવે છેઃ ર થી ૩ કલાક જેટલો સમય વીતી જાય છે... : બહુમાળી ખાતે છાંયડો-પાણી-છાશની વ્‍યવસ્‍થાઃ મામલતદાર કચેરીઓમાં લોકો હેરાન-પરેશાનઃ એડી. કલેકટરને ફરિયાદો કલેકટરના જનસેવામાં અનેક વખત કાગડા ઉડતા હોય છેઃ અનેક બારીઓ છેઃ તંત્ર ત્‍યાં પણ વ્‍યવસ્‍થા કરે...

રાજકોટ તા. ૧૪: શહેરના બહુમાળી ભવન ખાતે અને તમામ મામલતદાર કચેરીઓ ખાતે જાતિના દાખલા અને નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. સવારથી જ મોટી સંખ્‍યામાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્‍યા છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોનો આક્ષેપ છે કે તેમનો વારો આવતા બેથી ત્રણ કલાક જેટલો સમય લાગી જાય છે. જો કે બહુમાળી ભવન ખાતે મંડપનો છાંયડો, પાણી છાશની વ્‍યવસ્‍થા કરાઇ છે, હેલ્‍પ ડેસ્‍ક પણ છ.ે, પરંતુ મામલતદાર કચેરીઓ ખાતે અરજદારો ધોમ તાપ-તડકા-લૂમાં શેકાઇ રહ્યા છે. પાણી-મંડપની પણ કોઇ વ્‍યવસ્‍થા નથી ભારે દેકારો છે, આ બાબતે આજે એડી. કલેકટરને ફરિયાદ થતા તેમણે તાકીદે મંડપનો છાંયદો-પાણીની વ્‍યવસ્‍થા કરવા મામલતદારોને આદેશો આપ્‍યા હતા, કાલાવાડ રોડ પરની કચેરીએ તથા જૂની કલેકટર કચેરી ખાતે લોકોની દશા ભારે ખરાબ બની છે.

કેટલાક અરજદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જરૂરી ડોકયુમેન્‍ટ માટે અધિકારીઓ તેમને વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે, જેના કારણે તેમની મુશ્‍કેલીમાં વધુ વધારો થયો છે. દૂર-દૂરથી આવેલા અરજદારોને લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે, ત્‍યારે પીવાના પાણી અને બેસવાની વ્‍યવસ્‍થાના અભાવે તેઓ વધુ પરેશાન થઈ રહ્યા છે.

જો કે, અરજદારોની આ હેરાનગતિને ધ્‍યાનમાં રાખીને તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા કેટલીક વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે અરજદારો માટે કૂલર, પાણી અને છાશ સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે, જેથી તેમને ગરમીમાં રાહત મળી શકે. આ ઉપરાંત, અધિકારીઓને પણ સવારે ૯-૩૦ વાગ્‍યાથી તેમના કામ પર લાગી જવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી અરજદારોને વધુ રાહ જોવી ન પડે.વધુમાં, અરજદારોની ભીડને પહોંચી વળવા માટે ત્રણ જેટલી વધારાની બારીઓ પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે અરજદારોને પ્રમાણમાં ઓછો સમય કતારમાં ઊભા રહેવું પડશે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્‍યવસ્‍થાથી અરજદારોએ થોડી રાહત અનુભવી છે, પરંતુ હજુ પણ તેઓ વધુ સુવિધા અને ઝડપી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.રાજકોટના અરજદારોની માંગણી છે કે, રાજકોટ કલેકટરના જનસેવા કેન્‍દ્રોમાં અનેક બારીઓ છે, ત્‍યાં કલેકટરે વ્‍યવસ્‍થા કરવી જોઇએ, આમ પણ જનસેવામાં અનેક વખત કાગડા ઉડતા હોય તેવો તાલ હોય છે.

(3:55 PM IST)