News of Wednesday, 14th May 2025
રૂખડીયાપરામાં રમઝાન, તેના પિતા, બહેન પર સુલેમાનની ટોળકીનો હુમલો
ઘર પાસે ગેરકાયદે ધંધા કરવાની ના પાડતાં હુમલો થયાનો આક્ષેપઃ રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી

રાજકોટ તા. ૧૪: રૂખડીયાપરામાં જગાભાઇના પાનના ગલા પાસે રહેતાં રમઝાન જુમાભાઇ નગામડા (ઉ.વ.૩૫), તેના પિતા જુમાભાઇ બાવલાભાઇ નગામડા (ઉ.વ.૭૦) અને બહેન શેરબાનુ હુશેનભાઇ (ઉ.વ.૩૮) બપોરે ઘરે હતાં ત્યારે આ વિસ્તારના જ સુલેમાન, અજય, સાગર, ટાલો તથા અજાણ્યા શખ્સોએ કુહાડી, ધોકા, છરી સહિતના હથીયારોથી તૂટી પડી તેમજ પથ્થરમારો કરી ઇજા પહોંચાડતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. રમઝાનના કહેવા મુજબ પોતે મચ્છીનો ધંધો કરે છે, તેના પિતા ડુંગળી બટેટા વેંચે છે. સુલેમાન ઘર નજીક દારૂ વેંચવાના અવળા ગેરકાયદે ધંધા કરે છે, તેને આ બાબતે ટપારતાં ખાર રાખી પોતાના સાગ્રીતો સાથે મળી હુમલો કર્યો હતો. તેમજ રિક્ષામાં પણ પથ્થરમારો કરી કાચ ફોડી નાંખી નુકસાન કર્યુ હતું. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૪)
(4:01 PM IST)










