<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં સવારના ૬ વાગ્‍યાથી લાં.....બી કતારોઃ નવી ૪ કિટ મુકાશે

ભારે ધસારાના કારણે અનેક અરજદારોને વીલામોઢે પરત જવુ પડે છેઃ આજે સવારે આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતન પટેલ, આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણીએ વિભાગની મૂલાકાત લીધીઃ કીટ મુકવા, પાણીની વ્‍યવસ્‍થા કરવા સુચના

રાજકોટ તા. ૧૪: મનપાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી દરરોજ અરજદારોની લાઈનો લાગે છે. સવારે ૬ વાગ્‍યાથી લાઈનમાં બેસેલા અરજદારોનો બપોરે પણ વારો આવતો નથી જેમાં સોમવાર અને બુધવારે અરજદારોની ભીડ લાગી રહી છે અને આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમાં શાળાઓ અને પાસપોર્ટ ઓફિસમાં પુરા નામનો જન્‍મનો દાખલાનો નિયમ અમલમાં મુકતા ભીડમાં વધારો થયો છે. જેમાં આજે ભારે ભીડના કારણે અરજદારોમાં રોષ વ્‍યાપી જતાં આરોગ્‍ય વિભાગના ચેરમેન કેતન પટેલ અને આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણીએ  જન્‍મ-મરણ વિભાગની મુલાકાત લઈ અરજદારોની વ્‍યથા સાંભળી હાલમાં ચાલુ ૬ની જગ્‍યાએ ૧૦ કિટ ચાલુ કરવાની અને અરજદારો માટે બેસવાની તેમજ પાણીની વ્‍યવસ્‍થા કરવાની સૂચના આપી હતી.

મનપાના સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્‍મ-મરણ વિભાગમાં આજે સવારે ૬ વાગ્‍યાથી અરજદારોની લાઈનો લાગી જાય છ. બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ભારે ધસારો થતાં બાળકો સાથે આવેલ મહિલાઓમાં રોષ વ્‍યાપી ગયો હતો. આ મુદ્દે તંત્રને રજૂઆત કરતા તાત્‍કાલીક ધોરણે આરોગ્‍ય ચેરમેન કેતન પટેલ અને આરોગ્‍ય અધિકારી જયેશ વકાણીએ જન્‍મ-મરણ વિભાગ ખાતે રૂબરૂ જઈ હાલમાં ચાલુ રહેલ કિટનો અભ્‍યાસ કરી દરરોજ કેટલાક દાખલા કાઢવામાં આવી રહ્યા છે તેવી પુછપરછ કરવામાં આવેલ જેના આધારે વધુ કીટની જરૂરિયાત હોવાનું જણાતા હાલમાં કાર્યરત ૬ કીટની જગ્‍યાએ વધુ ૪ કિટ ફાળવી ૧૦ કિટ દ્વારા આવતી કાલથી કામ શરૂ કરવામાં આવે તેવી સુચના જન્‍મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિતભાઈને આપી હતી. તેવી જ રીતે જન્‍મ-મરણ વિભાગમાં આવતા અરજદારો માટે બેસવાની વ્‍યવસ્‍તા અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા તાત્‍કાલીક ઉભી કરવામાં આવે તેવી સુચના આપી હતી.

જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી લાઈનો જોવા મળી રહી છે. આ મુદ્દે અરજદારોની પુછપરછ કરતા માલુમ પડેલ કે, પાસપોર્ટ ઓફિસમાં તેમજ તમામ શાળાઓમાં જન્‍મના દાખલાની પુરા નામ વાળી કોપી માંગવામાં આવી રહી છે. રાજ્‍ય સરકાર દ્વારા જન્‍મના દાખલામાં ફેરફાર કરવામાં આવ્‍યો ત્‍યારથી આધારકાર્ડ અને હવે શાળાઓએ પણ પુરા નામના દાખલાનો આગ્રહ રાખતા અગાઉ નિકળેલા દાખલામાં સુધારો કરવા માટે સૌથી વધુ અરજદારો જન્‍મ-મરણ વિભાગમાં આવતા હોવાનું જાણવા મળ્‍યું છે. આથી આવતીકાલથી ૧૦ કિટ શરૂ કરાતા અરજદારોને થોડીક રાહત મળશે તેવું લાગી રહ્યું છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:17 PM IST)