<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

આ વખતે કોરીયાના ૧૩ હજાર ટન તલનું પુરેપુરૂ ગ્‍લોબલ ટેન્‍ડર ભારતને મળ્‍યું

* પંદરેક દિવસમાં તલનો નવો પાક બજારમાં આવી જશેઃ ખેડૂતો, બ્રોકર્સ, એક્ષપોર્ટર્સ તમામને ફાયદો થશે અને વેપારીને વેગ મળશેઃ વિદેશી હૂંડીયામણ ભારતમાં આવશેઃ દિનેશભાઇ તન્ના * આ વર્ષે ૧,ર૪,ર૩ર હેકટરમાં તલનું વાવેતરઃ ૧૪રર થી ૧૪૬૪.૯૦ યુ.એસ. ડોલર સુધીનો ટેન્‍ડરનો ભાવ મળ્‍યો આફ્રીકા અને પાકિસ્‍તાન મોટો હિસ્‍સો લઇ જતા હતા


 

રાજકોટ, તા. ૧૪ :  તલના વાવેતર અને ઉત્‍પાદન ક્ષેત્રે સમગ્ર ભારત અને વિશ્‍વમાં ગુજરાત મોખરે છે ત્‍યારે આ વખતે કોરીયા ગવર્નમેન્‍ટનું ૧૩ હજાર ટન તલનું પુરેપુરૂ ગ્‍લોબલ-વૈશ્વિક ટેન્‍ડર ભારતને મળ્‍યું છે, જેને કારણે પંદરેક દિવસમાં તલનો નવો પાક બજારમાં આવશે એટલે ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા બંધાણી છે. સાથે-સાથે બ્રોકર્સ અને એક્ષપોટર્સને ફાયદા મળશે અને વેપારમાં વેપારમાં વધારો થશે. ભારતને વધુ પ્રમાણમાં વિદેશી હૂંડીયામણ પ્રાપ્ત થશે.

કોરીયા તલના ગ્‍લોબલ ટેન્‍ડર વિશે માહિતી આપતા રાજકોટના અગ્રણી તિરૂપતિ એગ્રી બ્રોકર્સના ચેરમેન શ્રી દિનેશભાઇ તન્નાએ અકિલાને જણાવ્‍યું હતું કે આ વખતે નેચરલ સોટેક્ષ તલનું સંપૂર્ણ ટેન્‍ડર ભારતને મળ્‍યાનું કારણ ફોરેનની સરખામણીમાં તલના  સમકક્ષ ભાવ કહી શકાય. ગયા વર્ષે ભાવ પ્રમાણમાં ઉંચા હતા અને અગાઉ આ વર્લ્‍ડવાઇડ ટેન્‍ડરનો મોટો હિસ્‍સો આફ્રિકા અને પાકિસતાન લઇ ગયા હતા, પરંતુ આ વખતે ઉનાળુ તલનું ઉત્‍પાદન સારૂ હોવાને કારણે ઇન્‍ડિયાના એક્ષ્પોટર્સને પણ નોંધપાત્ર ઓર્ડર મળ્‍યો હોવાનું જણાવ્‍યું હતું. આ વખતે ટેન્‍ડરનો ભાવ ૧૪રર યુ.એસ. ડોલર (એક ડોલર-અંદાજે ૮પ રૂપિયા) થી ૧૪૬૪.૯૦ યુ.એસ. ડોલરમાં મળેલ હોવાનું દિનેશભાઇએ જણાવ્‍યું હતું.

આ વર્ષે ગુજરાતના ડેટા પ્રમાણે અંદાજે ૧,ર૪,ર૩ર હેકટરમાં તલનું઼ વાવતેર થયેલ છે અને ૧,ર૮,૬ર૬ મેટ્રીક ટનનું ઉત્‍પાદન આવવાની ધારણા છે. તલના ઇમ્‍પોર્ટ માલના ભાવ બહુ નીચા હોવાથી અને ગયા વર્ષે ભારત-ગુજરાતના ભાવ પ્રમાણમાં ઉંચા હોવાથી કોરીયાના ટેન્‍ડરમાં ભારતનો હિસ્‍સો ખુબ ઓછો હતો, પરંતુ આ વર્ષે નેચરલ તલનું એક્ષપોર્ટ વધશે તેવી ધારણા કોમોડીટી બજારમાં સેવાઇ રહી છે. ઘણા સમય પછી નેચરલ તલનું ઉજળુ ચિત્ર જોવામાં આવી રહ્યું છે.

(4:32 PM IST)