News of Wednesday, 14th May 2025
દારૂના ગુનાઓમાં ફરાર પશીયો, શહેજાદ અને અયાન ઝડપાયા
એબ્સકોન્ડર સ્ક્વોડ ઝોન-૨ અને યુનિવર્સિટી ડી. સ્ટાફની કામગીરી

રાજકોટ તા. ૧૪: અલગ અલગ ગુનામાં નાસતા ફરતાં શખ્સોને ઝોન-૨ની એબ્સકોન્ડર સ્ક્વોડ અને યુનિવર્સિટી પોલીસે પકડી લીધા હતાં.
ડીસીબી પોલીસના દારૂના ગુનામાં છએક મહિનાથી પ્રશાંત ઉર્ફ પશીયો કિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૦-રહે. લક્ષ્મીવાડી ક્વાર્ટર નં. ૬૦) નામનો રિક્ષાચાલક ફરાર હોઇ પીએસઆઇ આર. આર. કોઠીયા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા સહિતે પકડી લીધો હતો. આ શખ્સ વિરૂધ્ધ ડીસીબી, ભક્તિનગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, ભાડલા, એ-ડિવીઝન, પ્ર.નગરમાં દારૂ સહિતના ૧૪ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે.
જ્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિજુભા જાડેજા સહિતની બાતમી પરથી દારૂના ગુનામાં ફરાર શહેજાદ ઉર્ફ નવાબ સુલતાનભાઇ જલવાણી (મોચીનગર-૨, શિતલ પાર્ક રોડ) તથા અયાન દિલાવરભાઇ અજલાણી (પીઠડીયા ગામ, તા. જેતપુર)ને રૈયા ગામ પમ્પીંગ સ્ટેશન પાસેથી પકડી લેવાયા હતાં. પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, મહિપાલસિંહ, વિરેન્દ્રસિંહ, ગોપાલસિંહ, મેૈસુરભાઇ, વનરાજભાઇ સહિતે આ કામગીરી કરી હતી. શહેઝાદ અગાઉ ગાંધીગ્રામ, યુનિવર્સિટી, ડીસીબી પોલીસના દારૂ-એટ્રોસીટી, હત્યા સહિત પાંચ ગુનામાં પકડાયો હતો.
(4:19 PM IST)










