News of Wednesday, 14th May 2025
વર્લ્ડ યુનિવર્સિટી રમવા જનાર ખેલાડી દેવ્યાનીબા ઝાલાનું કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સ્વાગત, સત્કાર અને શુભેચ્છાઓ
કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ દેવ્યાનીબા ઝાલા સાથે સંવાદ કરી રમત વિશેની વિસ્તળત માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા.૧૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડી દેવયાનીબા ઝાલાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલભાઈ જોશીએ યુનિવર્સિટીમાં મેડલ, પ્રમાણપત્ર અને શુભેચ્છાપત્ર આપી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્લ્ડ યુનિવર્સિટી ગેઈમ્સ તા. ૧૬ જુલાઇ, ૨૦૨૫ થી જર્મની ખાતે યોજાનાર છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન કરી યુનિવર્સિટીને વિશ્વ ફલક ઉપર પહોંચાડવા બદલ કુલપતિશ્રી દ્વારા દેવ્યાનીબા ઝાલાને આ સન્માન આપવામાં આવ્યું હતું. વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરો એવા આશીર્વાદ પણ કુલપતિશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. દેવ્યાનીબા ઝાલાએ ૪૦૦ મીટરનો રેકોર્ડ યુનિવર્સિટીનો સ્થાપેલ છે. નેશનલ ગેમમાં બ્રોન્જ મેડલ, સિનિયર નેશનલમાં પણ બ્રોન્જ મેડલ અને ઓલ ઇન્ડિયામાં પણ બ્રોન્જ મેડલ મેળવી યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલભાઈ જોશીએ દેવ્યાનીબા ઝાલા સાથે સંવાદ કરી રમત વિશેની વિસ્તળત માહિતી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું. કુલપતિ ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત અને ભારત માટે આ ગૌરવની વાત છે. કુલપતિશ્રીએ દેવ્યાનીબા ઝાલા, તેમના કોચ, શારીરિક શિક્ષણ નિયામકશ્રી, માતા-પિતા તથા કોલેજના આચાર્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કુલસચિવશ્રી ડો. આર. જી. પરમાર, શારીરિક શિક્ષણ નિયામક ડો. હરેશ રાબા અને તેમના કોચ પુનમબેન તથા દેવ્યાનીબા ઝાલાના પિતા ઉપસ્થિત રહ્યા હતા.
(4:31 PM IST)










