<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

૧૮૮૯માં લોટરીની આવકમાંથી બન્‍યા હતા ગિરનારના પગથિયા

૧૩૩ વર્ષ પહેલા એ સમયગાળાની એક અનોખી ‘ગિરનાર લોટરી સ્‍કીમ' બહાર પાડવામાં આવી હતી : ઇ.સ. ૧૧૬૬ માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્‍થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્‍માર થઈ જતાં ઇ.સ. ૧૬૨૭ માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોધ્‍ધાર કરાવ્‍યો હતો : દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને હજૂર આસિસ્‍ટન્‍ટ પુરુષોત્તમરાય ઝાલાની રજૂઆત પછી ગિરનાર સીડી વિશે વિચારાયું : જૂનાગઢ શહેરની વસતિ વર્ષ ૧૮૮૧માં ૨૪ હજાર ૬૭૯ જયારે ૧૦ વર્ષ બાદ વર્ષ ૧૮૯૧માં ૩૧ હજાર ૬૪૦ નોંધાઈ હતી : એ જમાનામાં ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ રૂ. ૧૩૦૦૦૦ થયો. સીડીઓ બનાવવામાં કુલ ૧૯ વર્ષનો સમય લાગ્‍યો

હિમાલયથી પણ પ્રાચીન એવા સિધ્‍ધક્ષેત્ર ગિરનાર પર્વતનું મહત્‍વ રાજા મહારાજાઓ પણ સમજતા હતાં. આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્‍થળોએ પહોંચવા ભક્‍તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો. રંકથી માંડી રાજાના પગ પડયા છે તેવી ગિરનાર સીડી ૧૨૦ વર્ષથી પણ વધુ સમયથી અડીખમ છે. સૌ પ્રથમ ગિરનાર સીડી સોલંકી વંશના રાજવી કુમારપાળના સમયમાં બની હતી. ત્‍યારબાદ જર્જરિત થતા નવાબી શાસનમાં સીડી ફરી બનાવાઈ હતી. જોકે આ સીડી બનવા પાછળ ખાસ લોટરીની ટીકીટ બહાર પાડી ગિરનારની સીડીનું નિર્માણ કરાયું હતું.

કહેવાય છે કે, ગિરનાર પર સૌ પ્રથમ વખત સોલંકી વંશના રાજવીએ આજથી એક હજાર વર્ષ પૂર્વે સીડી બનાવી હતી. ત્‍યારબાદ સીડી ધસાઈ જતા દિવના સંઘજી મેઘજીએ જીર્ણોધ્‍ધાર કરાવ્‍યો હતો. ઇતિહાસમાં ડોકીયું કરતા ખ્‍યાલ આવ્‍યો કે ૧૮૮૯ ના વર્ષમાં ૧૮૫૭દ્ગક્ર બળવાને ૩૨ વર્ષ થઈ ગયાં હતાં. આટલા સમયમાં તો શાસન પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરીને અંગ્રેજોએ ભારતના મોટાભાગના વિસ્‍તારને પોતાને આધીન કરી લીધો હતો. એ સમયે જૂનાગઢ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને સલામી રજવાડું ગણાતું. આ સમયે જૂનાગઢ પર નવાબ બહાદુરખાન ત્રીજાનું શાસન હતું. એટલે આ નવાબના રજવાડામાં ગિરનારનો પણ વિસ્‍તાર આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જયાં આપણાં હિન્‍દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્‍દુ ધર્મના જ નહીં બલ્‍કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે. તે સમયે પર્વત પરના અલગ અલગ સ્‍થળોએ પહોંચવા ભક્‍તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત ઇ.સ. ૧૧૬૬ માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્‍થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્‍માર થઈ જતાં ઇ.સ. ૧૬૨૭ માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો હતો. તે ઘટનાના બસ્‍સો બાસઠ વર્ષ પછી એટલે કે ઇ.સ. ૧૮૮૯ માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે અંબાજી મંદિર સુધી પથ્‍થરના પગથિયા ફરી બનાવવામાં આવ્‍યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્‍યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્‍યુ પામ્‍યા હતા.

 એ સમય દરમિયાન ગિરનારનાં પગથિયાં બનાવવા માટે એક મુસ્‍લિમ શાસકના રાજમાં આજથી ૧૩૩ વર્ષ પહેલાં એ સમયગાળાની એક અનોખી ‘ગિરનારી લોટરી સ્‍કીમ' બહાર પાડવામાં આવી હતી. જેની જાણ હાલના સમયમાં ખૂબ ઓછા લોકોને હશે. એક દિવસની વાત છે. જૂનાગઢ રાજયના નવાબ બહાદુરખાન ત્રીજાનો દરબાર ભરાઈ ચૂક્‍યો હતો. રાજયના વિવિધ પ્રશ્નો, વાદ-વિવાદને લઈને રજૂઆતો થઈ રહી હતી. તેના પર દરબારીઓ ચર્ચા-વિચારણા કરતાં અને ઉકેલ લાવવા મથામણ થતી. આ સમયે દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને હજૂર આસિસ્‍ટન્‍ટ પુરુષોત્તમરાય ઝાલાએ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્‍કેલી પડે છે. અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્‍યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. દીવાન હરિદાસ દેસાઈએ નવાબ સામે ગિરનાર પર્વતનાં ખખડધજ બનેલાં પગથિયાં અને ભક્‍તોને દર્શન સમયે થતી પારાવાર મુશ્‍કેલીનો પ્રશ્ન જણાવ્‍યો. ‘તારીખે સોરઠ' મુજબ એ સમયે અંબાજી સુધી ૧૦૬૯ અને ગૌમુખીથી હનુમાનધારા સુધી ૯૬૮ પગથિયાં હતાં. જેમાં મોટાભાગનાં પગથિયાં સાવ તુટી ગયાં હતાં. દર્શને જતા અનેક ભક્‍તોને એક-એક પગ ઉપાડવામાં ખૂબ મુશ્‍કેલી થતી. આ વાતની જાણકારી નવાબને આપવામાં આવી. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્‍જિનિયરને બોલાવ્‍યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે. આટલી મોટી રકમ સાંભળી નવાબ સ્‍તબ્‍ધ થઇ ગયા અને તેમણે સીડી બનાવવાની ના પાડી.

 આના માટે વિચાર કરી દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને હજૂર આસિસ્‍ટન્‍ટ પુરુષોત્તમરાય ઝાલાએ નવાબને કહ્યું, તમે સરકારી તિજોરીમાંથી એક પણ પૈસા આપતા નહીં છતાં પગથિયા બની જશે. પ્રસ્‍તાવ સ્‍વીકાર્ય થતાં દીવાન હરિદાસ દેસાઈએ તત્‍કાલીન ચીફ મેડીકલ ડા'.ત્રિભોવનદાસ મોતીચંદ શાહના સહકારથી ‘ગિરનાર લોટરી કાઢી' બહાર પાડવાનું કાર્ય હાથ ધર્યું. લોટરીનો મૂળ ઉદ્દેશ તો ભગીરથ કાર્ય પાર પાડવાનો હતો. એટલે આ કામમાં કોઈ કચાશ ન રહી જાય, કોઈ વિવાદ ઉભો ન થાય એ માટે ૧૧ સભ્‍યોની કમિટી બનાવવામાં આવી. જેમાં બહેચરદાસ વિહારીદાસને પ્રમુખ બનાવવામાં આવ્‍યા. જેમની આગેવાનીમાં ૧ ઓક્‍ટોબર ૧૮૮૯ના રોજ એક રૂપિયાની કિંમતની લોટરીની ટિકિટ બહાર પાડવામાં આવી હતી. લોકો લોટરી ખરીદવા માટે આકર્ષાય એ માટે લોટરીમાં પહેલું ઈનામ લાગે તેને પ્રથમ ઇનામ રૂ. ૪૦,૦૦૦, બે ઇનામ ૧૦,૦૦૦ રૂ. , ચાર ઇનામ ૫,૦૦૦ રૂ., દસ ઇનામ ૧,૦૦૦રૂ.ના, વીસ ઇનામ ૫૦૦ રૂ. ના, અઢીસો ઇનામ ૨૦ રૂ.ના, પાંચસો ઇનામ ૧૦ રૂ. ના અને એક હજાર ૫ રૂ. ના એમ કુલ ૧,૧૫,૦૦૦ રૂ. ના ઇનામો કાઢવામાં આવ્‍યા હતા. લોટરીની કિંમત ૧ રૂપિયો રાખવામાં આવી હતી. જૂનાગઢ શહેરની વસતિ વર્ષ ૧૮૮૧માં ૨૪ હજાર ૬૭૯ જયારે ૧૦ વર્ષ બાદ વર્ષ ૧૮૯૧માં ૩૧ હજાર ૬૪૦ નોંધાઈ હતી. એટલે લોટરીની ટિકિટ જાહેર થયાં બાદ સૌથી મોટું કામ હતું કે તેનો દૂર-દૂર સુધી પ્રચાર-પ્રસાર થાય અને જૂનાગઢ રાજયની બહારના લોકો પણ એક રૂપિયાની લોટરીની ખરીદી કરે. આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજય ગેઝેટ ‘દસ્‍તુરલ અમલ સરકાર'માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્‍કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્‍તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે. ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્‍કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે ૧૨ ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, ૧૦૦ ટિકિટ વેચનારને ૧૫્રુ કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્‍યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્‍લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.

 નવાઇની વાત તો એ હતી કે ૧ ઓક્‍ટોબર ૧૮૮૯ થી લોટરીની ટિકિટનું વેચાણ તો શરૂ થઈ ગયું પણ ડ્રોની તારીખ નક્કી કરવામાં નહોતી આવી. અંતે ૯૫૭ દિવસો પછી એટલે કે ૧૫ મે ૧૮૯૨ને રવિવારનો દિવસે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્‍યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્‍યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિヘતિ કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ ૧૨૮૬૬૩ ટિકિટો વેચાઈ હતી. રૂા. ૧૦,૦૦૦ નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્‍યું હતું. આ કામ સતત ચાર દિવસ સુધી સવારે ૭ થી ૧૨ અને બપોરના ૩થી ૬ વાગ્‍યા સુધી ચાલ્‍યું હતું. આખરે ૧૯ મે ૧૮૯૨ના રોજ કુલ ૫૧૦૦ લોકોને ૪૮ હજાર ૨૪૮ રૂપિયાના ઈનામ આપી દેવામાં આવ્‍યા. શરૂઆતના તબક્કે પહેલું ઈનામ જ ૪૦ હજાર રૂપિયા રાખવામાં આવ્‍યું હતું. પરંતુ ધાર્યા કરતાં ઓછી ટિકિટ વેચાઈ એટલે પ્રથમ ઈનામની રકમ ૧૦ હજાર રૂપિયા કરી દેવામાં આવી હતી. ૨૫૦૦ રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્‍યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્‍યું હતું. ૧૦૦૦ રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્‍યું.

૫૧૦૦ લોકોને ૫ રૂપિયાથી લઈને ૧૦ હજાર રૂપિયા સુધીના ઈનામ વહેંચાયા. ત્‍યાર બાદ બાકી વધેલા દોઢ લાખ રૂપિયાથી ગિરનાર પર અંબાજી સુધી પગથિયાં અને કાળા પથ્‍થર નાખવાનું કામ શરૂ થયું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્‍જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું. ૧૮૮૯માં શરૂ થયેલું આ કામ વર્ષ ૧૯૦૮માં પૂરું થયું એટલેકે સીડીઓ બનાવવામાં કુલ ૧૯ વર્ષનો સમય લાગ્‍યો. જાણીતા ઇતિહાસવિદ શંભૂપ્રસાદ દેસાઇ તેમના પુસ્‍તક ‘જૂનાગઢ અને ગિરનાર' માં નોંધે છે કે, લોટરીમાંથી સાડા ત્રણ લાખ જેટલી રકમ મેળવી હતી. તેમાંથી દોઢ લાખ રૂપિયામાંથી પગથિયા બનાવાયા હતા. બે દાયકા પહેલાં આવેલા લોટરીના વિચારે માત્ર જૂનાગઢના લોકો માટે જ નહીં, ગિરનાર આવતા દરેક ભક્‍તો માટે દર્શનની સુવિધા સરળ કરી આપી હતી. આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્‍યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્‍યાલ હશે. જય ગિરનારી.

 

 

લોકવાયકા મુજબ બાહડ મંત્રીએ અંબા

માતાના આશીર્વાદથી પગથિયા બંધાવ્‍યા..!

ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. જોકે એક લોકવાયકા કંઇક અલગજ છે. જે મુજબ સદિઓ પહેલા જયારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્‍યા હતા પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્‍યુ પામ્‍યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્‍યો હતો. જયારે તેના પુત્ર આ સંદેશ વાંચ્‍યો ત્‍યારે તેમાં જણાવ્‍યું હતું કે ‘મારી ઈચ્‍છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.' પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્‍યું. તેમને પિતા ઉદયનની એક ઈચ્‍છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્‍છા પૂરી કરવાની બાકી હતી. તેના પિતાના જણાવ્‍યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્‍યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્‍તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્‍પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્‍તાની શરૂઆત ક્‍યાંથી કરવી. બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્‍તો ક્‍યાંથી પસાર કરવો. ત્‍યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્‍પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે હે માતા મને રસ્‍તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચનમાંથી મુક્‍ત થઈ શકું. તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો. દિવસો વીતવા લાગ્‍યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્‍યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્‍યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્‍તે અક્ષત વેરતી જાઉં એ રસ્‍તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્‍કેલ રસ્‍તાઓ વચ્‍ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્‍તે રસ્‍તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જયારે વાતાવરણની અંદર ટાંકણાઓનો ધ્‍વનિ જ ઘૂમી વળ્‍યો. આટલું કર્યા બાદ ઋણમુક્‍તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયા અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના

 લોટરીનું પ્રથમ ઇનામ રૂ. ૧૦૦૦૦ ગિરનારના પગથિયા બનાવવા દાન કર્યું..!

જૂનાગઢનાં પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પગથીયા બાંધવા નવાબ બહાદુરખાનજી ત્રીજાએ રૂ.૪ લાખની કિંમતની લોટરી ટીકીટ બહાર પાડી હતી અને તેમાંથી દોઢ લાખ થી વધુનું ફંડ એકઠું કરી ગિરનારનાં પગથીયાનું કામકાજ શરૂ કરાયું હતું. જયારે તેમાંથી વધેલી રકમ પગથીયાની સાર સંભાળ માટે ઉપયોગમાં લેવાનું નવાબ બહાદુરખાન ત્રીજાએ આદેશ કર્યો હતો. જયારે ગિરનાર લોટરીની જાહેરાત થઇ ત્‍યારે રૂ. ૧૦,૦૦૦ નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્‍યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં ૧૮૯૨માં રૂ.૧૦૦૦૦ નું વાસ્‍તવિક મૂલ્‍ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. ૧૦૦ કરોડથી ઓછું નહી હોય. ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત ઉપર સહસાવન તરફ જવાની સીડીને ‘જુની સીડી' એવું હુલામણુ નામ આપવાના આવ્‍યું છે. કાળક્રમે તે જુનીસીડી અત્‍યંત જર્જરીત થતાં નષ્ટ થઇ ગઈ હતી.

 

સતત ૪ દિવસ ચાલ્‍યો લોટરીનો ડ્રો..

લોટરીના માર્કેટિંગ માટે ‘મારે તેની તલવાર, ભણે તેની વિદ્યા અને ભરે તેની લોટરી' સ્‍લોગનનો ઉપયોગ કરાયો હતો

ગિરનાર લોટરીની પ્રોસેસ એક પ્રોફેશનલ અને ટ્રાન્‍સપરન્‍ટ રીતે કરવામાં આવી હતી. જેમાં લોટરીની જાહેરાત જૂનાગઢના ગેઝેટમાં કરવામાં આવી હતી. જેમાં આ લોટરીનું સઘન માર્કેટિંગ કરવામાં આવ્‍યું હતું. આ માર્કેટિંગમાં આજના જમાનામાં વપરાતા સ્‍લોગન અને જિંગલ જેવી પદ્ધતિ અપનાવાઈ હતી. લોટરીના માર્કેટિંગ માટે ‘મારે તેની તલવાર, ભણે તેની વિદ્યા અને ભરે તેની લોટરી' સ્‍લોગનનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તે સમયે આ સ્‍લોગન અખંડ ભારતમાં બહુ જાણીતું બન્‍યું હતું. આ સ્‍લોગનનો હેતુ બર આવ્‍યો અને લોટરી ફેસમ થઈ ગઈ. માત્ર ગુજરાત જ નહિ પરંતુ ભારતના અન્‍ય રાજયોમાં પણ આ લોટરી નાગરિકોએ ખરીદી હતી. તે સમયે કરાંચી અને બાંગ્‍લાદેશ સુધી પણ લોટરી વેચાઈ હતી.

વર્ષ ૧૮૯૨માં ૧૫મી મેના રોજ આ લોટરીનો ડ્રો શરુ કરવામાં આવ્‍યો હતો. જે ૧૯ મે સુધી એટલે કે સતત ૪ દિવસ ચાલ્‍યો હતો. આ ડ્રો જૂનાગઢના ફરાસખાનામાં યોજાયો હતો. જેમાં અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્‍યામાં નાગરિકો અને લોટરી ધારકો ઉપસ્‍થિત રહ્યા હતા. હાજર રહેલા લોકો પાસે તટસ્‍થતા પૂર્વક ડ્રોની પ્રક્રિયા કરાવવામાં આવી હતી. વર્ષ ૧૯૦૫ સુધી ગિરનાર લોટરીનું છૂટક વેચાણ ચાલતું હતું. ત્‍યારબાદ આ લોટરી બંધ કરી દેવામાં આવી હતી.

પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

(4:42 PM IST)