<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ખૂન કા બદલા ખૂનઃ બે ભાઇએ મામાના દિકરાને પતાવી દીધો

ભાઇની હત્‍યાનો બદલો લેવા મુંજકા પરશુરામ મંદિર પાસે રહેતાં રાહુલ મેરીયા, ખુશાલ મેરીયાએ મિત્ર રોહિત રાખશીયાની મદદથી મામાના દિકરા શિવરાજને મેટોડાથી ઉઠાવી મુંજકા લાવી માર મારી ફેંકી દીધો હતોઃ શિવરાજનું સારવારમાં મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયોઃ પરિવારમાં કલ્‍પાંત : મેટોડા પોલીસે રાહુલ, ખુશાલ, તેના પિતા હમીર મેરીયા, મિત્ર રોહિત રાખશીયાને રાતોરાત પકડી લીધાઃ હત્‍યાનો ભોગ બનનાર શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો : પડધરી ઢોકળીયાનો ૧૮ વર્ષનો શિવરાજ બે મહિનાથી રૈયાધાર મોટા બાપુના ઘરે રહી મેટોડા કંપનીમાં નોકરી કરતો હતો : આઠેક મહિના પહેલા પડધરીના ઢોકળીયામાં બહેનનો દિકરો જયદિપ દારૂ પી ઘરે આવી મામા ગોવિંદભાઇ મુછડીયાને ‘મને તમારી દિકરી ગમે છે, લગ્ન કરાવી દો' કહી ઝઘડા કરતો હોઇ ગોવિંદભાઇ અને તેના પત્‍નિ કંચનબેને જયદિપને પતાવી દીધો હતોઃ હાલ બંને જેલમાં છેઃ ભાઇની હત્‍યાનો બદલો રાહલુ-ખુશાલે મામાના એકના એક દિકરા શિવરાજને પતાવીને લીધો

હત્‍યાનો ભોગ બનનાર શિવરાજનો નિષ્‍પ્રાણ દેહ અને ફાઇલ ફોટો : ભત્રીજાની હત્‍યાની શોકમાં ડુબેલા કાકા રાજેશભાઇ મુછડીયા અને પરિવારજનો જોઇ શકાય છે. આરોપીઓને તત્‍કાળ ઝડપી લઇ ન્‍યાય અપાવવાની માંગણી તેમણે કરી હતી.

રાજકોટ તા. ૧૫: પડધરીના ઢોકળીયાનો વતના અને હાલ રાજકોટ રૈયાધાર ઇન્‍દિરાનગરમાં મોટાબાપુને ત્‍યાં તેમજ મેટોડામાં ભાડે મકાન રાખીને રહેતાં ૧૮ વર્ષના શિવરાજ ગોવિંદભાઇ મુછડીયાનું ગઇકાલે મેટોડાથી તેના જ ફઇના બે દિકરા રાહુલ, ખુશાલે મિત્ર રોહિત સાથે મળી કારમાં અપહરણ કરી રાજકોટ પરશુરામ મંદિર પાસે પોતાના ઘરે લાવી પોતાના પિતા હમીર મેરીયા સાથે મળી શિવરાજને છરી, ધોકાથી બેફામ માર મારી રોડ પર ફેંકી દીધો હતો. મેટોડા પોલીસે અપહરણ-હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધી રાતે જ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતાં. દરમિયાન શિવરાજનું સારવારમાં મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમતા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. શિવરાજના માતા-પિતાએ આઠેક મહિના પહેલા રાહુલ-ખુશાલના ભાઇ જયદિપની હત્‍યા કરી હતી. પોતાના ભાઇની હત્‍યાનો બદલો લેવા આ બંનેએ મામાના એકના એક દિકરાને પતાવી દીધાનું ખુલ્‍યું છે.

આ બનાવમાં મેટોડા પોલીસે હત્‍યાનો ભોગ બનનાર શિવરાજના મોટા બાપુ રાજેશભાઇ (રાજુભાઇ) પ્રેમજીભાઇ મુછડીયા (ઉ.વ.૫૭-રહે. રૈયાધાર ઇન્‍દિરાનગર-૧૨/૧૩નો ખુણો, મુળ વતન ઢોકળીયા તા. પડધરી)ની ફરિયાદ પરથી નવો ૧૫૦ રીંગ રોડ મુંજકા નજીક પરશુરામ મંદિર સામે રહેતાં રાહુલ હમીરભાઇ મેરીયા, ખુશાલ હમીરભાઇ મેરીયા, હમીરભાઇ મનજીભાઇ મેરીયા અને રોહિત કિરીટભાઇ ઉર્ફ તીરથભાઇ રાખશીયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી લીધી છે.

રાજેશભાઇએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રૈયાધાર ઇન્‍દીરાનગરમાં રહુ છું. મારા નાના ભાઇ ગોવિંદભાઇ પ્રેમજીભાઇ મુછડીયા અને ભાભી કંચનબેન ગોવિંદભાઇ મુછડીયા હાલ મર્ડરના કેસમાં પોપટપરા જેલમાં છે. તેનો દિકરો શિવરાજ (ઉ.વ.૧૮) તથા ત્રણ દિકરીઓ મિતલ, સોનલ અને હેતલ હાલ મેટોડા જીઆઇડીસી એકતાનગર-૨માં છેલ્લા બે મહિનાથી રહે છે. ત્રણ ચાર દિવસથી શિવરાજ અને સોનલ મારા ઘરે રૈયાધાર ઇન્‍દિરાનગરમાં આવીને રોકાયા હતાં. અહિથી શિવરાજ મેટોડા નોકરી કરતો હોઇ અપડાઉન કરતો હતો. ૧૩/૫ના રાતે નવેક વાગ્‍યે હું અને મારા પત્‍નિ નાથીબેન ઘરે હતાં ત્‍યારે મારી પત્‍નિના ફોનમાં શિવરાજે ફોન કરી કહેલુ કે-મને ખુશાલ, રાહુલ, રોહિત ખીરસરા જીઆઇડીસી પાસેથી તેની કારમાં બેસાડી દીધો છે. આટલી વાત બાદ ફોન કપાઇ ગયો હતો.

થોડીવાર પછી મારા ભત્રીજા શિવરાજનો ફરીથી ફોન આવ્‍યો હતો અને મારા પત્‍નિને કહેલુ કે-આ લોકો મને તેના ઘર બાજુ ગાડીમાં બેસાડી લઇ જાય છે. એ પછી ફરી ફોન બંધ થઇ ગયો હતો. એકાદ કલાક બાદ ફરી મારી પત્‍નિને શિવરાજના ફોનમાંથી ફોન આવ્‍યો હતો. આ વખતે કોઇ અજાણ્‍યો ફોનમાં વાત કરતો હતો. તેણે કહેલુ કે આ તમારા દિકરાનું એક્‍સીડન્‍ટ થયું છે, અમે ૧૦૮ને ફોન કર્યો છે, તેને રાજકોટ સરકારી હોસ્‍પિટલે મોકલીએ છીએ. આ પછી હું, મારી પત્‍નિ નાથીબેન, મારા દિકરાઓ સિવિલ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. અહિ ૧૦૮ મારફત શિવરાજને પણ લાવવામાં આવ્‍યો હતો. તેના બંને હાથ, પડખામાં, પીઠમાં તિક્ષ્ણ હથીયારથી ઇાજઓ થયેલી હતી. અમે તેને પુછતાં તેણે કહેલુ કે રાહુલ, ખુશાલ, રોહિત ઉર્ફ તીરથ રાખશીયા મને મેટોડા જીઆઇડીસીથી કારમાં બળજબરીથી બઅપહરણ કરી રાહુલ અને ખુશાલના પરશુરામ મંદિર ાસમેના ઘરે લઇ ગયા હતાં. જ્‍યાં આ બંને અને તેના પિતા હમીરભાઇએ મને છરી-ધોકાથી બેફામ માર માર્યો હતો. મારકુટ કર્યા બાદ મને રોડ પર સુવડાવી દીધો હતો અને કોઇ અજાણ્‍યા રાહદારીએ મને જોઇને ૧૦૮માં ફોન કર્યો હતો. અજાણ્‍યો વ્‍યક્‍તિ મારી પાસે આવ્‍યો ત્‍યારે મારકુટ કરનારા પણ ઉભા હોઇ જેથી મેં અકસ્‍માત થયું છે તેમ ખોટુ કહ્યું હતું.  તેમ વધુમાં શિવરાજે જણાવ્‍યું હતું. બાદમાં તેને ઇમર્જન્‍સી વોર્ડમાં દાખલ કરાયો હતો અને તે બેભાન થઇ ગયો હતો. રાજેશભાઇએ  વધુમાં કહ્યું હતું કે- આ બનાવનું કારણ એ છે કે મારા બનેવી એટલે કે શિવરાજના ફુવા હમીર મનજીભાઇ મેરીયાનો મોટો દિકરો જયદિપ દારૂ પીને અવાર-નવાર મારા નાના ભાઇ ગોવિંદભાઇના ઘરે ઢોકળીયા ગામે જતો હોઇ અને ગોવિંદભાઇને મને તમારી દિકરી ગમે છે, તેની સાથે લગ્ન કરાવી દો તેમ કહેતો હોઇ ઝઘડા કરતો હોઇ જેથી થોડા મહિના પહેલા મારા ભાઇ ગોવિંદભાઇ અને ભાભી કંચનબેને આ જયદિપને મારકુટ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ગુનામાં ભાઇ-ભાભી જેલમાં છે. આથી મારા બનેવી હમીર મેરીયાના દિકરાઓ રાહુલ, ખુશાલે પોતાના ભાઇ જયદિપની હત્‍યાનો બદલો લેવા મારા ભત્રીજા એટલે એ બંનેના મામાના દિકરા એવા શિવરાજનું અપહરણ કરી મેટોડાથી રાજકોટ લાવી પોતાના પિતા હમીર મેરીયા અને મિત્ર રોહિત સાથે મળી શિવરાજને બેફામ માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતાં અને હત્‍યાનો પ્રયાસ કર્યો હતો.સારવાર દરમિયાન ગત મોડી રાતે શિવરાજે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. મેટોડા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ યુ. આર. ડામોરે ગુનો નોંધી ચારેય આરોપીઓને હસ્‍તગત કરી લઇ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(2:59 PM IST)