<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં નાકરાવાડીના ચાલીસ વર્ષિય સંજયભાઇ વણપરા મરવા મજબૂર થયા

છુટક મજૂરી કરતાં હતાં: ચારેક વર્ષ પહેલા રાજગઢના શખસ પાસેથી ૧૦ ટકે ૫૦ હજાર લઇ ૪ વર્ષ સુધી દર મહિને ૫-૫ હજાર વ્‍યાજ ભર્યુઃ હવે વ્‍યાજ ન ભરીશકતાં ધમકી અપાતી હતીઃ કંટાળીને એસિડ પી જિંદગી ટુંકાવી લીધી

રાજકોટ તા. ૧૫: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ બન્‍યો છે. તાજેતરમાં એક કારખાનેદારે વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં ઝેરી ટીકડીઓ પી આપઘાતનો પ્રયાસ કરતાં આજીડેમ પોલીસે બે શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન આજે કુવાડવા રોડ સાત હનુમાન પાસે નાકરાવાડીમાં રહેતાં યુવાને વ્‍યાજખોરના ત્રાસથી કંટાળી જઇ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નાકરાવાડીમાં રહેતાં સંજયભાઇ સોમાભાઇ વણપરા-કોળી (ઉ.વ.૪૦) નામના યુવાને સવારે નવેક વાગ્‍યે ઘરે એસિડ પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સંજયભાઇને બચાવવા તબિબો ઘણા પ્રયાસ કર્યા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આપઘાત કરનાર સંજયભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે પાંચ ભાઇ બે બહેનમાં મોટા હતાં. તેને સંતાનમાં એક પુત્ર છે.

પરિવારજનોએ જણાવ્‍યું હતું કે સંજયભાઇને ચારેક વર્ષ પહેલા પોતાના માતા અને દિકરાને બિમારી હોઇ તેની સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં કોઇના મારફત રાજગઢના જયપાલભાઇ નામના શખ્‍સ પાસેથી ૫૦ હજાર વ્‍યાજેથી લીધા હતાં. આ રકમ તેણે ૧૦ ટકા વ્‍યાજેથી લીધી હતી અને સતત ચાર વર્ષ સુધી તેણે દર મહિને ૫-૫ હજાર લેખે નિયમીત વ્‍યાજ ભર્યુ હતું. પરંતુ હાલમાં કામધંધો ન હોઇ થોડા સમયથી વ્‍યાજ ભરી ન શકતાં ગમે તેમ કરીને વ્‍યાજ આપવા અને મુળ રકમ ૫૦ હજાર આપી દેવા તેમને ધમકી અપાતી હતી. સતત ધમકીઓથી કંટાળી જઇ સંજયભાઇએ આજે એસિડ પી લીધુ હતું અને તેમનું મોત થયું હતું.

સંજયભાઇને આપઘાત કરવા માટે, મરી જવાની દુષ્‍પ્રેરણા આપનાર સામે પોલીસ તત્‍કાળ ગુનો નોંધી કાર્યવાહી કરે તેવી માંગણી પરિવારજનોએ કરી હતી. પરિવારના આધારસ્‍તંભ દિકરાના મોતથી કલ્‍પાંત સર્જાયો હતો. કુવાડવા રોડ પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (૧૪.૧૦)

(3:22 PM IST)