<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજનગરમાં ફલીપકાર્ટના વેર હાઉસમાંથી ડિલીવરીમેન વિવેક શિયાળ ૩.૭૬ લાખના ૨૦ મોબાઇલ ચોરી ગયો

નોકરી દરમિયાન કટકે કટકે ફોન બઠ્ઠાવી લીધાનું કબુલ્‍યા બાદ નોકરીમાંથી છુટો કરી દેવાયો હતોઃ એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરે ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૫: નાના મવા રોડ રાજનગરમાં આવેલા ફલીપકાર્ટ કંપનીના હબ-વેર હાઉસમાં નોકરી દરમિયાન ડિલીવરીબોયે રૂા. ૩,૭૬,૦૨૯ના અલગ અલગ કંપનીના ૨૦ મોબાઇલ ફોન ચોરી લેતાં તેના વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવાઇ છે. કંપનીની ટીમ દ્વારા તપાસ દરમિયાન આ ડિલીવરીબોયના થેલામાંથી એક ફોન મળી આવતાં પુછતાછ કરતાં પોતે બીજા આવા ફોન પણ ચોર્યા છે જે હમણા લઇને આવે છે કહીને નીકળી ગયા બાદ પરત આવ્‍યો નહોતો. તેને નોકરીમાંથી છુટો કરી દેવાયા બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ રાજનગર-૫ સ્‍વેગ હાઉસ ખાતે રહેતાં મહેશભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી વિવેક જાદવભાઇ શીયાળ અને તપાસમાં ખુલે તેની સામે ચોરીનો ગુનો નોંધી તેને  હસ્‍તગત કરી વિશેષ તપાસ શરૂ કરાવામાં આવી છે.  મહેશભાઇ રાઠોડ પરિવાર સાથે રહે છે અને ફલીપકાર્ટ કંપનીમાં એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર તરીકે નોકરી કરે છે. લક્ષ્મીનગર-૧માં ફલીપકાર્ટ કંપનીનું હબ (વેર હાઉસ) છે. અહિ કંપનીમાંથી આવતા તમામ કુરીયર, સામાન જમા થાય છે. બાદમાં ઓર્ડર મુજબ ડિલીવરીબોય જે તે પાર્ટીને તેના પાર્સલ પહોંચાડવા રવાના થાય છે. આ વેર હાઉસમાં ૧૨૫ કર્મચારીઓ કામ કરે છે. કંપનીમાં જે પાર્સલ આવતાં હોય તેનું અવાર-નવાર અલગ અલગ ટીમ દ્વારા કંપનીને થયેલા લોસ બાબતે ચેકીગ કરવામાં આવતું હોય છે. ગત ૯મી જાન્‍યુઆરીએ મને કંપનીના હબ મેનેજમેન્‍ટ ટીમ તરફથી ફોન કરી જાણ કરી વેર હાઉસ ખાતે બોલાવી જાણ કરાઇ હતી કે કંપનીમાં નુકસાન કે ચોરી થઇ છે.

આથી મેં અમારી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓની પુછતાછ કરી હતી અને સામાન ચેક કર્યો હતો. તે વખતે કર્મચારી વિવેક જાદવભાઇ શિયાળના થેલામાંથી એક મોબાઇલ ફોન મળી આવ્‍યો હતો. જે કંપનીમાં જમા કરાવ્‍યો હતો. આ બાબતે પુછતાં તેણે કહેલુ કે તેણે આ રીતે બીજા મોબાઇલ ફોનની ચોરી પણ કરી છે. હમણા બીજા આવા ફોન લઇને પાછો આવે છે તેમ કહીને તે ગયા બાદ પરત આવ્‍યો નહોતો. બાદમાં અમે તેને નોકરીમાંથી છુટો કરી દીધો હતો. એ પછી કંપનીની લોસ એન્‍ડ પ્રિવેન્‍સન ટીમે તપાસ કરતાં તા. ૧/૯/૨૪થી માંડી ૩૧/૧૨/૨૪ સુધીમાં કુલ ૩૨ અલગ અલગ મોબાઇલ ફોન ચોરાી થયાનું જણાયું હતું.

આ ફોનમાં વીવો, ઓપ્‍પો, મોટોરોલા, ગૂગલ પિક્‍સલ, સેમસંગ, એપલ આઇફોન, આઇટેલ સહિતની કંપનીના અલગ અલગ કિમતના ફોન હતા. આ તમામ ફોનની કિમત રૂા. ૩,૭૬,૦૨૯ થાય છે. આ ફોન નોકરી દરમિયાન વિવેક શિયાળ અને અન્‍ય કર્મચારીઓએ ચોરી કર્યાનું જણાયું હોઇ ફરિયાદ નોંધાવાઇ હતી. તેમ વધુમાં મહેશભાઇ રાઠોડે જણાવતાં માલવીયાનગરના પીએસઆઇ વી. આર. ઝાલાએ ગુનો નોંધી આરોપીને હસ્‍તગત કરવા અને વિશેષ પુછતાછ કરવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૯)

(3:32 PM IST)