<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

વાવડીમાં આરોગ્‍ય કેન્‍દ્ર-પેટા વોર્ડ ઓફીસ બનશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

મનપા દ્વારા નવા ભળેલ વિસ્‍તારોમાં વિકાસ કામો વેગવાન

રાજકોટ તા. ૧પઃ શહેરની હદમાં નવા ભળેલા વિસ્‍તારોમાં વિકાસના કામોની પ્રક્રિયા મનપા દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી રહી  છે.  અગાઉ ભળેલા મવડી અને વાવડી વિસ્‍તારોમાં બાકી રહી ગયેલા પ્રોજેક્‍ટની યાદી તૈયાર કર્યા બાદ વોર્ડ નં. ૧૨માં નવુ આરોગ્‍ય કેન્‍દ્ર અને વોર્ડમાં વિસ્‍તારો વધતા પેટા વોર્ડ ઓફિસ બનાવવા માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત વાવડી વિસ્‍તારમાં રૂા. ૬.૪૩ કરોડના ખર્ચે નવુ હેલ્‍થ સેન્‍ટર અને પેટા વોર્ડ ઓફિસનું નિર્માણ કરવામાં આવનાર છે.

મનપા વોર્ડ નં. ૧૨માં વર્ષો પહેલા ભળેલા વાવડી વિસ્‍તારનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. મહાનગરપાલિકાએ પ્રારંભીક ધોરણે આ વિસ્‍તારોમાં રોડ રસ્‍તા અને પીવાના પાણી માટેના આયોજન હાથ ધરી તમામ કામ પૂર્ણ કરેલ છે. ત્‍યારે આ વિસ્‍તારમાં હાઈરાઈઝ બિલ્‍ડીંગો અને સોસાયટીઓમાં સતત વધારો થતાં લોકોની જરૂરિયાતને ધ્‍યાને લઈ નવુ આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

જે અંતર્ગત  વોર્ડ નં. ૧૨માં ટીપી સ્‍કીમ નં. ૧૪ વાવડી ડ્રાફ્‌ટ ફાઈનલ પ્‍લોટ નં. ૩૧ એચ ઉપર નવુ આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવામાં આવશે. તેવી જ રીતે વોર્ડ નં. ૧૨ની વોર્ડ ઓફિસ હાલમાં મવડી ચોકડી ખાતે હોવાથી વાવડી વિસ્‍તારમાં રહેતા લોકોને વોર્ડ ઓફિસ દૂર પડતી હોય મહાનગરપાલિકા આરોગ્‍ય કેન્‍દ્રને સાથો સાથ પેટા વોર્ડ ઓફિસ પણ બનાવશે.

આ પ્‍લોટ ઉપર બન્ને પ્રોજેક્‍ટ માટે મહાનગરપાલિકાએ એસ્‍ટીમેન્‍ટ મુજબ રૂપિયા ૬.૪૩ કરોડનું ટેન્‍ડર પ્રસિદ્ધ કર્યુ છે. જે બીડ ખુલ્‍યા બાદ બન્ને પ્રોજેક્‍ટની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગમાં રજૂ કરવામાં આવશ.ે જેને મંજુરી મળ્‍યા બાદ વર્ક ઓર્ડર આપી ઝડપથી કામ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.  વોર્ડ નં. ૧૨માં મવડી ગામ સ્‍થિત વર્ષો પહેલા તૈયાર કરવામાં આવેલ આરરોગ્‍ય કેન્‍દ્ર હાલમાં કાર્યરત છે. પરંતુ આ આરોગ્‍ય કેન્‍દ્ર વસ્‍તીની ગણતરીએ ટુંકુ પડતુ હોય તેમજ વાવડીનો વિસ્‍તાર વધતા નવા આરોગ્‍ય કેન્‍દ્રની માંગણી થયેલ આથી કાંશિયાળી ગામની હદની બાજુમાં જે વિસ્‍તાર સતત વિકસી રહ્યો છે તેવા વિસ્‍તારમાં હવે નવુ આધુનિક આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવામાં આવશે.

(4:35 PM IST)