તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 15th May 2025
મહિલા કોલેજ અન્ડર બ્રીજ પાસે વૃધ્ધાના ગળામાંથી ૧.૩૮ લાખની માળાની ઝોંટ
સ્વસ્તિક સોસાયટીના લાભુબેન કોરીંગા પતિના એક્ટીવામાં બેસી ભત્રીજાના ઘરે જતા હતાં: નંબર વગરના બાઇક પર આવેલો શખ્સ ચિલઝડપ કરી ગયો

રાજકોટ તા. ૧૫: શહેરમાં ચિલઝડપકારો ફરીથી સક્રિય થયા છે. તાજેતરમાં એક વૃધ્ધાને શીતલપાર્ક ટ્રાફિક પોલીસ સ્ટેશનના ટોઇંગ સ્ટેશન પાસે સમડીએ શિકાર બનાવી ચેઇન ખેંચી લીધો હતો. ત્યાં વધુ એક ચિલઝડપ થઇ છે. મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે વૃધ્ધાના ગળામાંથી ૧ લાખ ૩૮ હજારની કિંમતની સોનાની માળા ખેંચી જવાઇ છે. પતિ પાછળ ટુવ્હીલરમાં બેસીને તેઓ જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે સ્વસ્તિક સોસાયટી શેરી નં. ૩માં રહેતાં લાભુબેન મનુભાઇ કોરીંગા (ઉ.વ.૭૬)ની ફરિયાદ પરથી અજાણ્યા નંબર વગરના બાઇક પર આવેલા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. લાભુબેન પોતાના પતિ મનુભાઇ કારીંગાના એક્ટીવા પાછળ બેસી ઘરેથી કેકેવી ચોક પાસે રહેતાં ભત્રીજા કાંતિલાલ ભગવાનજીભાઇના ઘરે બેસવા જઇ રહ્યા હતાં. તેઓ મહિલા કોલેજ અન્ડર બ્રીજ લોહાણા સમાજની વાડી ભવાની ગોલા પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર શખ્સ આવ્યો હતો અને પાછળ બેઠેલા લાભુબેનના ગળા પર ઝોંટ મારીસોનાની માળા ખેંચી ભાગી ગયો હતો. બનાવને પગલે પતિએ એકટીવા થંભાવી બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. પણ ચિલઝડપકાર હાથમાં આવ્યો નહોતો. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધ્યો હતો.
(4:36 PM IST)










