<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

અંતે...મવડીનું નવનિર્મિત ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ કાલથી ખૂલશે

બેડમિન્‍ટમાં ૩૨૦, બાસ્‍કેટબોલમાં ૩૭, લોન ટેનિસમાં ૪૧ અને વોલીબોલમાં ૫૯ નાગરિકોનુ રજીસ્‍ટ્રેશનઃ ખાલી જગ્‍યા માટે રજીસ્‍ટ્રેશન શરૂ

રાજકોટઃ મવડી ખાતે નવનિર્મિત સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ આવતીકાલથી કાર્યરત થનાર છે ત્‍યારે પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ ચારેય રમતમાં કુલ-૫૯૨ સભ્‍યોની કેપેસીટી સામે કુલ-૪૫૭ સભ્‍યોનું રજીસ્‍ટ્રેશન થયું હોવાનું મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવ્‍યું હતું.

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં મવડી - પાળ રોડ, રામધણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂ.૨૩.૧૬ કરોડના ખર્ચે ૧૧૮૩૧.૦૦ ચો.મી. ક્ષેત્રફળના પ્‍લોટમાં નવું ઇન્‍ડોર સ્‍ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં પ્રથમ તબક્કામાં કુલ-૪ સ્‍પોર્ટ્‍સ ફેસીલીટી આવતીકાલ તારીખઃ૧૬ થી શહેરીજનો માટે શરૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્‍બરશીપ તારીખઃ ૦૫ મે ના રોજથી મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી શરૂ કરવામાં આવેલ જેમાં આજ બપોર સુધીમાં બેડમિન્‍ટનમાં ૩૨૦, બાસ્‍કેટબોલમાં ૩૭, લોન ટેનિસમાં ૪૧ અને વોલી બોલમાં ૫૯ નાગરિકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું.

વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મવડી ખાતે બનાવવામાં આવેલ ઇન્‍ડોર ગેમ્‍સ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષમાં પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ બેડમિન્‍ટન, બાસ્‍કેટબોલ, લોન ટેનિસ અને વોલીબોલ રમત માટે આવતીકાલથી નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે. હાલ પણ ખાલી જગ્‍યા માટે નાગરિકો રજીસ્‍ટ્રેશન કરાવી શકે છે. લોન ટેનિસ, વોલીબોલ, બાસ્‍કેટ બોલ અને બેડમિન્‍ટન બેચ માટેનો સમય સવારે ૬ થી ૧૦ અને સાંજે ૬ થી ૧૦ રહેશે તેમજ તમામ બેચ ૧ કલાકની રહેશે. અઠવાડિયાના રવિવારે જાહેર રજા રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષનો શહેરીજનો વધુને વધુ લાભ મેળવી તેમજ સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રે પોતાનું ભવિષ્‍ય ઉજ્જવળ કરે તેમજ પોતાની ફિઝીકલ ફિટનેસ સુધારે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ અનુરોધ કરેલ છે

(4:29 PM IST)