News of Friday, 16th May 2025
ગાંધીગ્રામમાં નકલી ફેવીક્વીક વેંચતા ત્રણ વેપારી ઝડપાયા!
બ્રાન્ડેડ ચીજવસ્તુની કોપી કરી બજારમાં સસ્તા ભાવે વેંચવાના કારસ્તાન વચ્ચે હવે આ બાકી હતું! : પિડીલાઇટ કંપનીના ગાજીયાબાદના અધિકારી અંકુર શર્માને માહિતી મળતાં પોલીસને સાથી રાખી દરોડાઃ એસકે ચોકના મુકેશ ડાંગર, આશિષ વાઢીયા, દિપક સોસાયટીના રવિ રાયચુરા સામે ગુનો નોંધાયોઃ કોઇ ફેરીયો નકલી ફેવીક્વીક આપી જતો હોવાનું રટણઃ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: અલગ અલગ બ્રાન્ડેડ ચીજવસ્તુઓની કોપી કરી બજારમાં વેંચવામાં સસ્તા ભાવે વેંચાણ થતું હોય છે. અવાર-નવાર આવી કંપનીઓના અધિકારીઓ શહેરમાં પોલીસની મદદથી દરોડા પાડી કોપીરાઇટના કેસ કરતાં હોય છે. દરમિયાન શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ કંપનીની નકલી ફેવીક્વીકનું અલગ અલગ દુકાનોમાં વેંચાણ થતું હોવાની માહિતી કંપનીના નિમેલા અધિકારીને મળતાં તેણે ગાંધીગ્રામ પોલીસની મદદથી ગાંધીગ્રામ એસકે ચોક સહિતના વિસ્તારમાં ત્રણ દૂકાનમાં દરોડા પાડી ૧૯૧૮ નંગ નકલી ફેવીક્વીક કબ્જે કરી ત્રણ વેપારી સામે ગુનો નોંધ્યો હતો. કોઇ ફેરીયો ઓછા ભાવે બીલ વગર આ ફેવીક્વીક આપી જતો હોવાનું ત્રણેયએ રટણ કર્યુ હતું.
આ બારામાં ઉત્તરપ્રદેશના ગાજીયાબાદના આકાશનગર ઇ-૩૬ શેરી નં. ૨માં રહેતાં અંકુર રાજકુમાર શર્મા-પંડીત (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોકમાં મુરલીધર પ્રોવીઝન સ્ટોર ધરાવતાં મુકેશ રમેશભાઇ ડાંગર (ઉ.વ.૩૩) ગાંધીગ્રામ મેઇન રોડ પર ગાયત્રી ડેરી પાસે બંધ શેરીમાં ચામુંડા કૃપામાં રહેતાં આશિષ દિનેશભાઇ વાઢીયા (ઉ.વ.૨૯) અને ગાંધીગ્રામ દિપક સોસાયટી મેઇન રોડ લક્ષ્મી જાંબુની બાજુમાં જય અંબે મકાન ખાતે રહેતાં રવિ હસમુખલાલ રાયચુરા (ઉ.વ.૩૯) સામે કોપીરાઇટ એક્ટની કલમ ૫૧, ૬૩ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
અંકુર શર્માએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને નોઇડીામાં લિગલ એડવોકેટ એન્ડ સોલિસીટર કંપનીમાં ફીલ્ડ એક્ઝીક્યુટર તરીકે નોકરી કરુ છું. અમારી કંપનીને મુંબઇની ફેવીકોલ, ફેવીક્ીવીક મેસર્સ પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ તરફથી સત્તા અપાઇ છે કે આ કંપનીના ફેવીકોલ કે ફેવીક્વીકનું કોઇ ડુપ્લીકેશન કરીને વેંચાણ કરે તો તેની સામે કાર્યવાહી કરવી. આ માટેની ઓથોરીટી અમારી કંપનીને અપાઇ છે. ગુરૂવારે પંદરમીએ સાંજે પાંચેક વાગ્યે મને જાણ થઇ હતી કે રાજકોટના ગાંધીગ્રામમાં એસકે ચોકમાં આવેલી અલગ અલગ દુકાનોમાં મેસર્સ પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ કંપનીની ફેવીક્વીકના લોગા-ચિત્ર-લખાણનું કોપી કરી નકલી ફેવીક્વીકનું વેંચાણ કરવામાં આવે છે. આથી હું અને સાથેના કર્મચારી તોકીર શ્રીકાલેખાન (રહે. યુપી) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.
અહિથી અમારી સાથે હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેક સહિતના સાથે જોડાયા હતાં. અમે એસકે ચોકમાં આવેલ મુરલીધર પ્રોવીઝન સ્ટોર ખાતે જઇ તપાસ કરતાં દુકાનદારે પોતાનું નામ મુકેશ રમેશભાઇ ડાંગર (રહે. એસકે ચોક, મુરલીધર પ્રોવીઝન પાસે) જણાવ્યું હતું. તેની દુકાનમાંથી ૨૯ નંગ ફેવીક્વીક મળી આવી હતી જે નકલી હતી. તમાં કવરની પાછળની ભાગે બેચ નંબર લખેલા નહોતાં. કવર ખોલીને જોતાં સ્ટીકમાં કોઇ લખાણ નહોતું. જેથી કોઇએ આ કોપી કરીને ડુપ્લીકેટ ફેવીક્કીક બનાવી હોવાનું જણાઇ આવ્યું હતું. જેની એક નંગની કિમત રૂપિયા પાંચ ગણી ૧૪૫ની ૨૯ નકલી ફેવીક્વીક કબ્જે કરી હતી.
આ પછી આ વિસ્તારમાં જ આવેલી ચામુંડા જનરલ સ્ટોર નામની દૂકાને તપાસ કરી હતી. ત્યાં હાજર વ્યક્તિની પૃછા કરતાં પોતાનું નામ આશિષ દિનેશભાઇ વાઢીયા (રહે. ગાંધીગ્રામ મેઇન રોડ) જણાવ્યું હતું. તેની દુકાનમાંથી પણ ૩૩ નંગ નકલી ફેવીક્વીક મળી આવતાં કબ્જે કરી પંચનામુ કરાવ્યું હતું. આ રીતે ગાંધીગ્રામ ગાંધીનગર-૧/૨ના ખુણે સત્યમ્ ડિપાર્ટમેન્ટમાં તપાસ કરતાં ત્યાં હાજર વ્યક્તિએ પોતાનું નામ રવિ હરસુખલાલ રાયચુરા (રહે. દિપક સોસાયટી) જણાવ્યું હતું. તેની દુકાનમાંથી ૮ નંગ નકલી ફેવીક્વીક છુટક મળી હતી. તેમજ દુકાન અંદર તપાસ કરતાં વધુ ૨૨ પેકેટ મળ્યા હતાં. એક પેકેટમાં ૮૪ નંગ લેખે ૨૨ પેકેટમાં ૯૨૮૦ની ૧૮૪૮ નંગ નકલી ફેવીક્વીક હોઇ તે કબ્જે કરી હતી. ત્રણેય દુકાનમાંથી કુલ રૂા. કુલ રૂા. ૯૫૯૦ની ૧૯૧૮ નંગ નકલી ફેવીક્વીક મળતાં ત્રણેય સામે ગુનો દાખલ કરાવ્યો હતો. તેમ વધુમાં અંકુશ શર્માએ જણાવ્યું હતું. પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. મકરાણી સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક પુછતાછમાં આ વેપારીઓએ કોઇ ફેરીઓ મુળ કરતાં ઓછા ભાવે બીલ વગર આ ફેવીક્વીક આપી જતો હોવાનું અને પોતે અસલીના ભાવે જ વેંચતા હોવાનું રટણ કર્યુ હતું.
(2:58 PM IST)










