તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
રાજકોટના વિવિધ દસ્તાવેજમાં વન નેશન-વન રેશનના કેમ્પો યોજો : દુકાનોમાં નિયમિત દરોડા પાડો
કેવાયસી અંગે ધારાસભ્યોની તડાપીટઃ બંધ દુકાનો અંગે ત્વરીત કાર્યવાહી કરો

રાજકોટ તા. ૧૬ મે - કલેક્ટર પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ સાંસદ સહિતનાં પદાધિકારીઓ દ્વારા અન્ન વિતરણ, ગ્રાહક સુરક્ષા બાબતે રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ નિયમિત રીતે થાય, નિયમિત દુકાનોની તપાસ કરવી, વિવિધ વિસ્તારોમાં ‘વન નેશન-વન રેશન'ના કેમ્પ યોજવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે સાંસદ રામભાઈ મોકરીયાએ અધિકારીઓ તેમજ સમિતિના સભ્યોને રાશનની દુકાનોમાં નિયમિત રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા સુચન કર્યું હતું. મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ રમેશભાઈ ટીલાળાએ ઈ.કે.વાય.સી., શરૂ તેમજ બંધ દુકાનો વિશે વિસ્તળત વિગત મેળવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી રાજેબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં ‘વન નેશન વન રેશન કાર્ડ' થકી થતા અનાજ વિતરણની વિગતો, ઘઉં, ચોખા, ખાંડ સહિતના પુરવઠાનું વિતરણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે થયેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી.
(4:39 PM IST)










