<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

સંગીત ભગવાનનો ભેટો કરાવે : દિપલ મહેતા

પં. શ્રી હરીપ્રસાદ ચૌરસીયાના શિષ્‍યના સાનિધ્‍યમાં રાજકોટમાં બાંસુરી સેમીનાર : અધરવેણુ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વાંસળી પ્રેમીઓ માટે રવિવારે નિઃશુલ્‍ક આયોજન : રજીસ્‍ટ્રેશન જરૂરી

રાજકોટ તા. ૧૬ : ‘સંગીત એ આત્‍માનો ખોરાક છે. હારમોનીયમ હોય, તબલા હોય, વાંસળી હોય કે કોઇપણ સાધન હોય તમે સંગીતનો માર્ગ અપનાવો તો એ તમને ભગવાન સુધી અચુક લઇ જાય છે.   મને પણ સંગીત પ્રત્‍યે લગાવ છે અને હું વાંસળીને વર્યો છુ.' તેમ ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાતે આવેલ પદ્‌મ વિભુષણ શ્રી હરીપ્રસાદ ચૌરસીયાના શિષ્‍ય શ્રી દિપલ મહેતાએ જણાવ્‍યુ હતુ.

રાજકોટમાં અધરવેણુ એજયુકેશન એન્‍ટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વાંસળી પ્રેમીઓ માટે યોજવામાં આવેલ સેમીનાર લેવા આવેલા દિપલ મહેતાએ જણાવેલ કે મે પંદરેક વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. હાલ અમે અમદાવાદ છીએ, પણ લીંબડી રહેતા ત્‍યારે શરૂઆતમાં જાતે જ વાંસળી વગાડતો. ધીરે ધીરે લોકલ કક્ષાએ શિક્ષા શરૂ કરી. બાદમાં એક વખત ગુરૂજીની કેસેટ હાથમાં આવી અને હું તેમનાથી ઇન્‍સ્‍પાયર થયો. તેમની પાસે વાંસળીનું જ્ઞાન મેળવવા પ્રયત્‍નો શરૂ કરી દીધા.

પદ્‌મ વિભુષણ પંડીત શ્રી હરીપ્રસાદજી મુંબઇમાં હતા. હું દર અઠવાડીયે લીંબડીથી મુંબઇની એક ટ્રીપ વાંસળી શિખવા માટે કરતો. ગુરૂજી પાસે ૭ વર્ષ શિક્ષણ લઇ ગુરૂ શિષ્‍યની પરંપરાનું સંપૂર્ણ પાલન કર્યુ.

વાંસળી પસંદ કરવાના કારણમાં તેઓએ જણાવેલ કે આ ખુબ સરળ ઇન્‍ટ્રુમેન્‍ટ છે. પ્રવાસમાં પણ ગમે ત્‍યાં સાથે લઇ જઇ શકાય. વળી ભગવાન શ્રી કૃષ્‍ણને પણ વાંસળી પ્રિય છે. આવા બધા કરાણોથી વાંસળી સાથે પ્રેમ બંધાયો છે અને આજે પૂર્ણપણે જાળવી રાખ્‍યો છે.

વાંસળીનું જ્ઞાન પીરસવા રાજકોટ આવેલા દિપલ મહેતાના સાનિધ્‍યમાં અધરવેણુ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા. ૧૮ ના રવિવારે સવારે ૧૦ થી ૧ માનવ મંદિર કલીનીક, જયુબેલી ખાતે એક વાંસળી સેમીનાર રાખવામાં આવ્‍યો છે. જેમાં કોઇપણ વાંસળી પ્રેમીને નિઃશુલ્‍ક પ્રવેશ છે. આ માટે રજીસ્‍ટ્રેશન જરૂરી છે. રજીસ્‍ટ્રેશન માટે જીજ્ઞેશભાઇ લાઠીગરાનો ફોન ૦૨૮૧ - ૨૨૩૧૦૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર સેમીનારની સફળતા માટે રાષ્‍ટ્રીય શાળા, ભારત વિકાસ પરિષદના સહયોગથી યોજાયેલ આ સેમીનારની સફળતા માટે અધરવેણુના જીજ્ઞેશભાઇ લાઠીગરા, ડો. કલ્‍પેશભાઇ ચંદ્રાણી, ચેતનભાઇ જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી દિપલ મહેતા અને બાજુમાં જીજ્ઞેશભાઇ લાઠીગરા તથા મનોજભાઇ ચાંપાનેરી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:49 PM IST)