<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ગ્રીનલેન્‍ડ ચોકડીથી ઇજાગ્રસ્‍ત મળેલા રાજસ્‍થાની યુવાનનું મોતઃ શરીરે નિશાનઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

૩૪ વર્ષના યુવાનને અગાઉ ૧૦મીએ બસ સ્‍ટેશનમાંથી ઇજાગ્રસ્‍ત હાલતમાં દાખલ કરાયો હતોઃ બાદમાં તે ભાગી ગયો હતોઃ ૧૨મીએ ગ્રીનલેન્‍ડ ચોકડીએથી ઇજાગ્રસ્‍ત હાલતમાં લાવવામાં આવ્‍યો હતોઃ ગત રાતે દમ તોડયોઃ એક વિડીયો ફુટેજમાં તે પડી જતો હોવાનું જોવા મળ્‍યું : સારવારમાં દાખલ કરાયો ત્‍યારે કાનારામ યુવાને પોતાને મારકુટ થયાનું ડોક્‍ટરને જણાવ્‍યું હતું: ડીસીપી બાંગરવાની રાહબરીમાં બી-ડિવીઝન પીઆઇ રાણે, હીરાભાઇ, ડી. સ્‍ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ઘટના સ્‍થળે સીસીટીવી ફૂટેજ ચેક કરવા કવાયત : મૃતક કાનારામ મગારામના સગા સંબંધીઓ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે જોઇ શકાય છે : કાનારામ મગારામનો નિષ્‍પ્રાણ દેહ અને તેના શરીરના અલગ અલગ ભાગો પર નિશાનો જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૧૬: શહેરમાં હત્‍યાનો વધુ એક બનાવ બન્‍યો છે. કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી ચાર દિવસ પહેલા ઇજાગ્રસ્‍ત હાલતમાં મળી આવેલા મુળ રાજસ્‍થાનના યુવાનનું મોડી રાતે સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે. આ યુવાને પોતે સારવારમાં હતો ત્‍યારે ડોક્‍ટરને પોતાની સાથે મારકુટ થયાનું જણાવતાં ડોક્‍ટરે તપાસ કરતાં તેના શરીર પર ઇજાના અનેક નિશાનો મળ્‍યા હોઇ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરાઇ હતી. મજુરી કરવા માટે આવેલા આ યુવાન સાથે ખરેખર મારકુટ થઇ હતી કે કે કેમ? કોણે શા માટે? કયા સ્‍થળે મારકુટ કરી? તે અંગે તપાસ શરૂ થઇ છે. અગાઉ આ યુવાનને બસ સ્‍ટેશનમાંથી સારવાર માટે લાવવામાં આવ્‍યો હતો, બાદમાં ગ્રીનલેન્‍ડ ચોકડીએથી લાવવામાં આવ્‍યો હતો. હાલ બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન એક વિડીયો ફૂટેજમાં તે નશાની હાલતમાં હોય અને પડી જતો હોય તેવું જણાઇ આવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગત ૧૨મી તારીખે સવારે નવેક વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડીએથી ૧૦૮ મારફત એક યુવાનને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો. ગ્રીનલેન્‍ડ ચોકડી પૂનમ હોલ નજીક બી-ટુ હોટલ પાસે તે ઇજાગ્રસ્‍ત પડયો હોવાનો કોલ આવતાં ૧૦૮ના પાઇલોટ અને ઇએમટીએ તેને સારવાર માટે ખસેડતાં જે તે વખતે પોલીસે પ્રાથમિક નોંધ કરી હતી. ત્‍યારે આ યુવાન થોડો ભાનમાં હોઇ પોતાનું નામ કાનારામ મંગારામ (ઉ.વ.૩૫) અને પોતે રાજસ્‍થાનનો રહેવાસી હોવાનું જણાવ્‍યું હતું. ડોક્‍ટરે તેની પૃછા કરતાં પોતાને મારકુટ થયાનું રટણ પણ કર્યુ હોઇ જે તે વખતે કેસપેપરમાં ડોક્‍ટરે આ અંગેની નોંધ કરી તેના શરીર પર તપાસ કરતાં મારના હોય તેવા નિશાન જોવા મળ્‍યા હતાં. ગત મોડી રાતે આ યુવાનનું મોત થતાં તબિબે જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે પહોંચી મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. તેમજ મૃતક પાસેથી આધારકાર્ડ મળતાં તેના આધારે તપાસ કરી તેના સગા સંબંધીઓને જાણ કરી હતી. પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્‍યું હતું. ગત ૧૦મી તારીખે પણ આ યુવાનને બસ સ્‍ટેશનમાંથી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યારે તેને માથામાં ઇજા થયેલી હોઇ તેની સારવાર થઇ હતી. પણ બાદમાં તે વોર્ડમાંથી નીકળી ગયો હતો.

ત્‍યારબાદ ૧૨મી તારીખે ફરીથી તેને કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ વખતે તેણે પોતાની સાથે મારકુટ થયાનું સારવાર કરનાર તબિબને કહ્યું હતું. મૃત્‍યુ પામનાર કાનારામ મગારામ (રહે. બારેલા મેવાસા ભાદરાજુન, જાલોર રાજસ્‍થાન) બે ભાઇ અને બે બહેનમાં નાનો અને કુંવારો હતો. રાજસ્‍થાનથી તે મજૂરી કરવા માટે રાજકોટ આવ્‍યો હતો. પરંતુ તે ક્‍યાં રહેતો હતો તેની પરિવારજનોને ખબર નથી. કાનારામની સાથે મારકુટ થઇ તો કયા સ્‍થળે થઇ? કોણે કરી? શા માટે કરી? તે સહિતની વિગતો બહાર લાવવા બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.વી. જાધવની રાહબરીમાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી, ડી. સ્‍ટાફની ટીમે તપાસ હાથ ધરી છે. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમનો રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. હાલ એ.ડી. આકસ્‍મિક મૃત્‍યુની નોંધ કરી તપાસ આગળ વધારવામાં આવી છે. જ્‍યાંથી કાનારામ ઘાયલ હાલતમાં મળ્‍યો હતો એ સ્‍થળ સહિતના સીસીટીવી ફૂટેજ ચેક કરવા કવાયત શરૂ થઇ હતી. એક ફૂટેજ મળ્‍યા હતાં. જેમાં તે પડી જતો હોવાનું અને માથામાં ઇજા થતી હોવાનું જોવા મળી રહ્યું છે. આમ છતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(3:43 PM IST)