તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
કમોસમી વરસાદમાં શહેર જળબંબાકાર
૧ ઇંચ વરસાદમાં રૈયા ચોકડી, રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ૧પ૦ ફુટ રીંગ રોડ સહિત ઠેર-ઠેર પાણી ભરાયાઃ ગવલીવાડમાં પાણી ઘુસ્યાઃ સ્ટ્રોમ વોટર લાઇન શોભાના ગાંઠીયા સમાન : પ્રિ-મોન્સુનની કામગીરીની છત્રી કાગડો!

રાજકોટ તા. ૧૬: શહેરમાં ગઈકાલે સાંજે અચાનક ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી થઈ ગઈ હતી. સતત ૩૦ મીનીટ વરસેલા વરસાદે શહેરને જળબંબાકાર કરી દેતા સીવીક સેન્ટરમાં ઘરમાં પાણી ઘુસવાની અને સોસાયટીઓમાં પાણી ભરાવા તેમજ વળક્ષો પડવા સહિતની ફરિયાદોનો ઢગલો થયો હતો. પ્રથમ વરસાદે જ ગવલીવાડ વિસ્તારમાં ૫૦થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતાં તંત્રને પરસેવો વળી ગયો હતો. અને માવઠાના વાતાવરણમાં મુસળધાર વરસાદ વરસતા તંત્રની ઉંઘ ઉડાડી દીધી હતી ફરિયાદોના નિવારણ માટે ફાયર વિભાગ સહિતનો સ્ટાફ સતત દોડતો નજરે પડ્યો હતો. અને મનપા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થવા પામી હતી.
શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતું હતું. પરંતુ વરસાદ ન પડતા ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતાં. ત્યારે જ શહેરમાં ગઈકાલે સાંજે કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા બાદ અચાનક જોરદાર વરસાદ તુટી પડ્યો હતો. સતત ૩૦ મીનીટ સુધી વરસેલા વરસાદે શહેરને ફરી એકવખત જળબંબાકાર કરી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ૩૦ મીનીટ વરસેલા વરસાદે ઈસ્ટઝોનમાં ૩૯.૭૬ મીમી, વેસ્ટઝોનમાં ૨૬.૫૩ મીમી અને સેન્ટ્રલઝોનમાં ૨૭.૫૫ મીમી પાણી વરસાવતા કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના મોટાભાગના સર્કલો તેમજ સોસાયટીઓ અને નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં મનપામાં ફક્ત ૧ કલાકમાં ૨૦૦થી વધુ ફરિયાદો થયાનું જાણવા મળેલ છે. ભારે વરસાદના કારણે જનજીવનને અસર પડી હતી જેની સામે લોકોને બફારામાં રાહત થઈ હોવાનું પણ અનેક લોકોએ જણાવ્યું હતું.
નૈઋત્યનું ચોમાસુ બેસવાની હજુ વાર છે જેના લીધે મહાનગરપાલિકાએ પ્રીમોન્સુન કામગીરી માટે તાજેતરમાં જ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ અનુસંધાને વોકળા તેમજ સ્ટ્રોમવોટર, સફાઈનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે મુસળધાર વરસાદ વરસતા પ્રીમોન્સુન કામગીરી પહેલા જ પાણીના પ્રવાહે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. જેના લીધે ફાયર વિભાગ મોડી રાત સુધી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયો હતો. કાલે વરસેલા વરસાદના પગલે વગર સોમાસે સિઝનનો કુલ વરસાદ ત્રણ ઈંચને પાર થઈ ગયો છે.
ગવલીવાડમાં ૫૦
ઘરોમાં પાણી ઘુસ્યા
શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર બની ગયું હતું. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા અનેકના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. જેમાં દર વર્ષની માફક ગવલીવાડ વિસ્તારમાં પણ ગોઠણડુબ પાણી ભરાતા ગવલીવાડ મેઈન રોડ અને શેરી નં. ૧-૨ માં આજે ૫૦થી વધુ લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં ઘરમાં રાખેલી ઘરવખરીને ભારે નુક્શાન પહોંચ્યુ હતું. અને આ મુદદ્દે તંત્રની ઘોરબેદરકારી હોવાની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી. આ બાબતની જાણ વોર્ડના કોર્પોરેટર દેવાંગ માંકડને થતા તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને પ્રશ્ન હલ કરવા અધિકારીયોને તાકિદ કરાઇ હતી.
મોસમનો કુલ વરસાદ
ત્રણ ઈંચને પાર
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી રહ્યા હતા જેમાં ગઈકાલે સાંજે મુસળધાર દોઢ ઈંચ વરસાદ વરસી જતાં ગઈકાલે ઈસ્ટઝોનમાં ૩૯.૭૬ મીમી, વેસ્ટઝોનમાં ૨૬.૫૩ મીમી અનેસેન્ટ્રલઝોનમાં ૨૭.૫૫ મીમી વરસાદ વરસી જતાં કુલ વરસાદ ૭૬ મીમીને પાર થઈ જતાં ચોમાસા પહેલા જ સીઝનનો કુલ વરસાદ ૩ ઈંચને પાર થઈ ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી હોય આજે બપોર પછી વરસાદ તુટી પડેતેવી સંભાવના જોવાઈ રહી છે.
પ્રહલાદ પ્લોટમાં ઘટાટોપ વળક્ષ ધરાશાયી
ગઈકાલે દોઢ ઈંચ વરસાદ વરસવાની સાથે ભારે પવન ફુંકાતા પ્રહલાદ પ્લોટમાં વરસો જુનું એક તોતીંગ વળક્ષ ધરાશાયી થયું હતું. વરસાદના પગલે લોકોની અવર જવર ન હોવાથી જાનહાની તેમજ નુક્શાની ટળી હતી. જેની સામે ફાયર વિભાગમાં પણ અનેક સ્થળોએ વળક્ષની ડાળીઓ તુટી હોવાની ફરિયાદો નોંધાતા ફાયર વિભાગે ફરિયાદોના પગલે ડાળીઓ અને વળક્ષ હટાવવાની ત્વરીત કામગીરી હાથ ધરી હતી
(4:24 PM IST)










