તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
શિતલ પાર્ક ચોકડી પાસે બાઇકના શો રૂમમાં ટ્રકમાંથી લોખંડની રેમ્પ પડતાં પાર્થ વાળાનું મોત
કોઠારીયા કોલોનીનો ૨૬ વર્ષનો યુવાન હજુ બે દિવસ પહેલા જ અહિ નોકરીમાં જોડાયો હતોઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૬: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોકડી નજીક સ્પાય-૨ બિલ્ડીંગના ખુણે આવેલા જય ગણેશના એથર બાઇકના શો રૂમ ખાતે બપોરે જીવલેણ દુર્ઘટના બની હતી. જેમાં ટ્રકમાંથી બાઇક ઉતારતી વખતે કર્મચારી યુવાન પર લોખંડનો રેમ્પ પડતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા કોલોનીમાં રહેતો પાર્થ પ્રવિણસિંહ વાળા (ઉ.વ.૨૬) બપોરે શિલત પાર્ક નજીક શો રૂમ ખાતે હતો ત્યારે બાઇકની ગાડી આવતાં તેમાંથી બાઇક ઉતારતી વખતે લોખંડનો રેમ્પ માથે પડતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર પાર્થ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પિતા સિકયુરીટીમાં નોકરી કરે છે. તે અપરિણીત હતો અને હજુ બે દિવસ પહેલા જ આ શો રૂમમાં નોકરીમાં જોડાયો હતો. યુવાન આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(4:24 PM IST)










