<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

હિરાસર એરપોર્ટ ખાતે નેટવર્ક તથા માવઠાથી રસ્‍તાઓ બીસ્‍માર બનતા અધીકારીઓનો ઉધડો લેતા કલેકટર

ફરિયાદ સંકલન બેઠકમાં એરપોર્ટ અધીકારીઓ-જીઓના અધીકારી-માર્ગ મકાનના જવાબદારોનો વારો ચડી ગયો જર્જરીત બિલ્‍ડીંગો-લોકમેળાનું સ્‍થળ-ગેરકાયદે વસતા બાંગ્‍લાદેશીઓ-પદ્મકુંવરબા હોસ્‍પીટલમાં સફાઇ સહિતના પ્રશ્‍નો ઉખળ્‍યા

રાજકોટ તા. ૧૬: આજે રાજકોટ કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને ફરિયાદ સંકલનની મીટીંગ મળી હતી, જેમાં મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ-અધિકારીઓ ઉપસ્‍થિત હતા.

બેઠકમાં સાંસદો-ધારાસભ્‍યો દ્વારા હિરાસર એરપોર્ટ, માવઠા દરમિયાન ભંગાર બની ગયેલા રસ્‍તાઓ, લોકમેળાનું સ્‍થળ, પાણી, આરોગ્‍ય, સફાઇ સહિતના પ્રશ્‍નો ઉખળ્‍યા હતા.

કલેકટરશ્રી પ્રભવ જોષીએ હિરાસર એરપોર્ટમાં કોઇ સુવિધા નહીં હોવાનું, નેટવર્ક મળતું નહિં હોવાના પ્રશ્‍નમાં એરપોર્ટ અધીકારીઓનો તથા જીઓના અધીકારીઓનો બરોબર ઉધડો લીધો હતો, કલેકટરે ટકોર કરી હતી કે, ઇન્‍ટરનેશનલ કક્ષાના એરપોર્ટમાં સુવિધા ન હોય, નેટવર્ક મળતું ન હોય તે કેમ ચલાવી લેવાય, અધીકારીઓ કરે છે શું?!

આ ઉપરાંત માવઠાના વરસાદથી રસ્‍તાઓ ભંગાર બની ગયા તે અંગે કલેકટરે ઉપસ્‍થિત માર્ગ-મકાનના અધીકારીઓને ખખડાવી નાંખ્‍યા હતા, પહેલા વરસાદમાં જ રસ્‍તાઓ ભંગાર બન્‍યા, તે કેમ ચાલે, રસ્‍તાઓ કેમ બનાવાય છે, તે પ્રશ્‍ન થઇ પડયો છે, તમામ રસ્‍તા તાકિદે રીપેર કરવા આદેશો કર્યા હતા.

ફરીયાદ સંકલનની મીટીંગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ શાપર વેરાવળ ખાતેના મોકડા વોકળા પરના દબાણ, જર્જરિત બિલ્‍ડીંગો ડીસમેન્‍ટલ કરવા, ધોરીમાર્ગો પર જોવા મળતા ટ્રાફિક સહિતનાં પ્રશ્‍નો રજૂ કર્યા હતા. ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહે  લોકમેળાનું સ્‍થળ બદલવાના સર્વેની કામગીરી ઝડપી કરવા, શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્‍લાદેશીઓને ડિટેઇન કરવા, રાજકોટ શહેરમાં આઈ.ટી. પાર્ક બનાવવા અંગે, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે મૂળભૂત સુવિધાઓ વધારવા, વોટસન મ્‍યુઝિયમના રીનોવેશન વગેરે બાબતો અંગેની રજૂઆત કરી હતી. પદ્મકુંવરબા હોસ્‍પિટલના કેમ્‍પસની સફાઈ અને એમ.એસ.એમ.ઈ. વિભાગ અંગે ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂઆત કરી હતી. આ તમામ પ્રશ્‍નો અંગે સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવા  કલેક્‍ટરશ્રી પ્રભવ જોશીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્‍ટર શ્રી એન. કે. મુછારે કર્યું હતું.

બેઠકમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સંસદસભ્‍ય  રામભાઈ મોકરીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ. કે. વસ્‍તાણી, નાયબ વન સંરક્ષક  તુષાર પટેલ, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારી સર્વે  નાગાજણ તરખાલા,  વિમલ ચક્રવર્તી,  રાહુલ ગમારા અને ચાંદની પરમાર, સ્‍ટેમ્‍પ ડ્‍યુટી નાયબ કલેક્‍ટર ઈશિતા મેર, તથા સમિતિના અન્‍ય સભ્‍યશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:42 PM IST)