તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
રાશનીંગ દૂકાનદારોને પૂરવઠા તંત્રે જૂન માસની પરમીટ ફાળવી દિધી પરંતુ EKYC વગરના કાર્ડ હોલ્ડરોનો જથ્થો નથી અપાયો!!
જબરી વિસંગતતા હોવાનું દૂકાનદાર એસો.ના અગ્રણીઓ જણાવે છેઃ સરકાર EKYC માટે આખી સરળ પધ્ધતિ ગોઠવે

રાજકોટ તા.૧૬: શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ઈ કેવાયસી બાબતે રાશનકાર્ડ ધારક અને સસ્તા અનાજના દુકાનદારોને પડતી હાલાકી બાબતે એક અખબારી યાદીથી જણાવવામા આવ્યુ છે કે રાજ્ય સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધારકોનું ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ચાલુ માસ એટલે કે મેં ૨૦૨૫ માં મળતો રેશનનો જથ્થો જે લોકોને ઈ કેવાયસી થયું છે તેઓને જ મળશે જે લોકોનું ઈકેવાયસી નથી થયુ તેઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના હેઠળ મળતા મફત રાસનના જથ્થાથી વંચિત રહેવું પડશે.
ગરીબ અને મજૂરી કરતા અભણ રેશનકાર્ડ ધારકો સરકારની ઈ કેવાયસી જેવી પદ્ધતિઓથી અજાણ હોય છે વળી અમુકના આધારકાર્ડ ન નીકળતા હોય કોઈના આધારકાર્ડમાં મોબાઇલ નંબરનું મેપિંગ ન હોય આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર મેપિંગ કરવા માટે ફીંગર કેપ્ચર ન થતા હોય જેવી વિવિધ સમસ્યાઓના કારણે વર્તમાનમાં ગુજરાતમાં લગભગ ૩૦ ટકા જેટલા રેશનકાર્ડ હોલ્ડર્સનુ ઇ કેવાયસી બાકી છે આમ રાજ્યના લગભગ અઢી લાખ રેશનકાર્ડ હોલ્ડરો ઇ કેવાયસીના અભાવે જથ્થાથી વંચિત રહેશે.
આજ સવારે રાજ્યના પુરવઠા મંત્રીશ્રીનું એક નિવેદન આવ્યું છે જેમાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈ કેવાયસી કરાવશે તેઓને અનાજ મળશે પરંતુ ચાલુ માસ દરમિયાન મેં તથા જુન એમ બે માસનો અનાજનો જથ્થો એકસાથે વિતરણ કરવાનો હોય તારીખ ૧૩ મે ના રોજ જૂન માસની પરમીટ પણ ફાળવી આપવામાં આવી છે જેમાં જે લોકોનું ઈ કેવાયસી નથી થયું તેવા કાર્ડ હોલ્ડર નું અનાજ દુકાનદારોને ફાળવવામાં આવ્યું નથી આમ આ વિસંગતતા પણ સરકારે દુર કરવી જોઈએ.
જે લોકો શિક્ષિત છે જાગળત છે અને થોડી ઘણી સગવડતાઓ ધરાવે છે તેઓ એ કેવાયસી કરી લીધું છે પરંતુ જે લોકો અતિ જરૂરિયાત મંદ છે અને મુખ્ય ધારા સાથે જોડાયેલા હોતા નથી ફક્ત આવા જ ગરીબો અને મજૂરો ના રેશનકાર્ડનો એ કેવાયસી બાકી રહ્યું છે માટે આ પ્રકારના છેવાડાના લોકોનું તાત્કાલિક ઈકેવાયસી કરવામાં આવે એવી પદ્ધતિ ગોઠવીને સરકારે તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો સમયસર મળી રહે તેવી તકેદારી સરકારે લેવી જોઈએ ખાસ કરીને આવી પરિસ્થિતિમાં દુકાનદારો અને કાર્ડ હોલ્ડર વચ્ચે ઘર્ષણ થતું હોય છે જેને નિવારી શકાય.
(4:49 PM IST)










