તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
ડોગીને દૂકાનથી દૂર ટોયલેટ કરાવવાનું કહેતાં ફરસાણના વેપારી દંપતિ પર હુમલો
સહકાર રોડ નારાયણનગરમાં બનાવઃ દૂકાન નજીક રહેતાં પિતા-પુત્રએ માથાકુટ કરીઃ રાજેશભાઇ જોબનપુત્રા અને રૂપલબેનને ઇજા

રાજકોટ તા. ૧૭: પીડીએમ કોલેજ પાછળ કૃષ્ણનગર ચોકમાં રહેતાં અને સહકાર રોડ પર નારાયણનગરમાં રઘુવંશી ફરસાણ નામે દૂકાનમાં બેસી વેપાર કરતાં રાજેશભાઇ જમનાદાસ જોબનપુત્રા (ઉ.વ.૪૫) અને તેમના પત્નિ રૂપલબેન રાજેશભાઇ જોબનપુત્રા (ઉ.વ.૪૩) રાતે અગિયારેક વાગ્યે પોતાની દૂકાને હતાં ત્યારે દૂકાન નજીક જ રહેણાંક ધરાવતાં પિતા-પુત્રએ આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં તેમજ રૂપલબેનને માથામાં કડુ મારી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં.
પતિ-પત્નિને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પતિ રાજેશભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી, જ્યારે પત્નિ રૂપલબેનને માથામાં કડુ લાગી ગયું હોઇ સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. રાજેશભાઇએ જણાવ્યું હતું કે અમે નારાયણનગરમાં હજુ સાડા ત્રણ મહિનાથી જ ભાડાની દૂકાન રાખી રઘુવંશી ફરસાણ નામે વેપાર ચાલુ કર્યો છે.
અમારી દૂકાન નજીક જ એક પરિવાર રહે છે. આ પરિવારનો છોકરો રાતે અમારી દૂકાન પાસે તેના ડોગીને ટોયલેટ કરાવતો હોઇ અમે તેને થોડે દૂર લઇ જવા વિનંતી કરતાં તે ડોગીને લઇને જતો રહ્યો હતો. એ પછી અડધા કલાક બાદ તેના પિતાએ આવી આ તમારી હદ નથી તેવુ કહી ઝઘડો કરી ગાળાગાળી કરી અમને પતિ-પત્નિ બંનેને મારકુટ કરી હતી. એ પછી તેનો પુત્ર પણ તલવાર લઇ ધસી આવ્યો હતો.
(2:51 PM IST)










