<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

બજરંગવાડીના ગેરેજ સંચાલક કેતનભાઇ નકુમ પર પૈસાની લેતીદેતી મામલે હુમલો

અક્ષયરાજસિંહ પાસેથી પાંચ લાખ લઇ મિત્ર ભુવાને દીધા હતાં: ત્રણ લાખ ચુકવી દીધા, બે લાખની ઉઘરાણી પ્રશ્ને ભાભા હોટલ પાસે માથાકુટ

રાજકોટ તા. ૧૭: પૈસાની લેતીદેતી મામલે મારામારીનો વધુ એક બનાવ બન્‍યો છે. બજરંગવાડીમાં રહેતાં અને ગેરેજનું કામ કરતાં યુવાન પર રાતે હુમલો કરી મારકુટ કરવામાં આવતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ બજરંગવાડી-૧૦માં રહેતાં કેતનભાઇ મનહરભાઇ નકુમ (ઉ.વ.૪૨) સાંજે આઠેક વાગ્‍યે જવાહર રોડ ભાભા હોટલ પાસે હતાં ત્‍યારે બજરંગવાડીના અક્ષયરાજસિંહ સહિતે ઝઘડો કરી મારકુટ કરતાં સિવિલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

કેતનભાઇએ કહ્યું હતું કે હું ગેરેજમાં કામ કરી ગુજરાન ચલાવુ છું. મારા મિત્ર રેલનગરમાં રહેતાં ભુવા મુકેશભાઇ ડોડીયાને રૂપિયાની જરૂર હોઇ મેં અગાઉ અક્ષયરાજસિંહ પાસેથી પાંચ લાખ લઇ તેને આપ્‍યા હતાં. આ પૈકી ત્રણ લાખ મેં પાછા આપી દીધા છે. બે લાખ હજુ અક્ષયરાજસિંહને ચુકવવાના  બાકી હોઇ તેની ઉઘરાણી મામલે બોલાચાલી કરી હુમલો કરાયો હતો. કેતનભાઇએ વધુમાં કહ્યું હતું કે મિત્ર એવા ભુવાને અગાઉ પણ રૂપિયાની જરૂર પડતાં પોતે મકાન પર લોન લઇને પણ રકમ દીધી હતી. એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

નવાગામમાં યુવતિને મામાના દિકરાએ ઢીકાપાટા માર્યા

મારામારીના બીજા બનાવમાં નવાગામમાં રહેતી મુળ બિહારની રંગીલાબેન રામકુમાર મહંતો (ઉ.વ.૨૦)ને તેના ઘર પાસે જ રહેતાં મામાના દિકરા અનરજીતે ઢીકાપાટુનો માર મારી પેટમાં પાટુ મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. રંગીલાબેનના કહેવા મુજબ તેણી ઘર પાસે હતી ત્‍યારે મામાના દિકરાએ તું કેમ મારી ઘરવાળી સાથે ઝઘડા કરે છે? તેમ કહી ખોટો આરોપી મુકી માથાકુટ કરી હતી.

(2:41 PM IST)