News of Sunday, 18th May 2025
રાજકોટમાં ચીલ ઝડપના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો : લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૨ દ્વારા બે આરોપીની ધરપકડ, ₹૪.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત
કુવાડવા રોડ, ભક્તિનગર, ગાંધીગ્રામ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો પર્દાફાશ : એક સગીરની અટકાયત

રાજકોટ: રાજકોટ શહેરમાં તાજેતરમાં થયેલી ચીલ ઝડપની ઘટનાઓને ગંભીરતાથી લઈને શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૨ની ટીમે સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલા ચીલ ઝડપના ચાર જેટલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીર વયના આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચીલ ઝડપમાં ગયેલો ₹૪,૬૧,૦૦૦નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં થયેલી ચીલ ઝડપની ઘટનાઓને પગલે પોલીસ કમિશનર દ્વારા સત્વરે ગુનાનો ભેદ ઉકેલવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૨ની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, ભક્તિનગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીલ ઝડપના ગુનાઓની તપાસમાં સફળતા મેળવી છે.
આ સફળ કામગીરી અંગે માહિતી આપતાં એસીપી પશ્ચિમ, રાજકોટ રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા સદામ ઉર્ફે મચ્છો કુરેશી તેમજ વિક્રમ માનસુરીયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, એક સગીર વયના આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે, જેને કાયદા મુજબ આગળની કાર્યવાહી માટે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ચીલ ઝડપમાં ગયેલો કુલ ₹૪,૬૧,૦૦૦નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જે ગુનાનો ભોગ બનેલા લોકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસની આ સફળ કામગીરીથી શહેરમાં ચીલ ઝડપની ઘટનાઓ પર અંકુશ આવવાની શક્યતા છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે અંગે માહિતી મેળવી શકાય.
(2:48 PM IST)










