News of Sunday, 18th May 2025
રાજકોટ વિધાનસભા-૬૯માં મહિલાઓ માટે નિઃશુલ્ક ફેશન ડિઝાઇન ક્લાસ : ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા આત્મનિર્ભર બનવાની તક
કટીંગ, સ્ટીચિંગ, એમ્બ્રોડરી અને ડિઝાઇનર કપડાં બનાવવાનું શીખો : સારી નોકરીની તક અને ઘરેથી કામ કરવાની પણ સંભાવના

રાજકોટ: રાજકોટ વિધાનસભા-૬૯માં રહેતી મહિલાઓ માટે સારા સમાચાર છે. તેઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા નિઃશુલ્ક ફેશન ડિઝાઇન ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ કોર્સ સામાન્ય રીતે ૫૦,૦૦૦ રૂપિયાની ફી સાથે ઉપલબ્ધ હોય છે, પરંતુ વિધાનસભા-૬૯ની મહિલાઓ માટે તે તદ્દન મફત રહેશે.
આ ફેશન ડિઝાઇન ક્લાસમાં મહિલાઓને કટીંગ, સ્ટીચિંગ, એમ્બ્રોડરી અને વિવિધ પ્રકારના ડિઝાઇનર કપડાં બનાવવાની તાલીમ આપવામાં આવશે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ મહિલાઓ સારી નોકરી મેળવવા માટે સક્ષમ બનશે અથવા તો ઘરેથી પણ કામ કરીને પોતાની આવક ઊભી કરી શકશે.
આ ક્લાસનો સમય સવારે ૯:૩૦ થી ૧૧:૩૦નો રહેશે અને આ કોર્સ ત્રણ મહિનાનો રહેશે. જે મહિલાઓ આ નિઃશુલ્ક ફેશન ડિઝાઇન ક્લાસમાં જોડાવા ઇચ્છતી હોય તેઓ ૧૫/૫/૨૫ થી ૨૦/૫/૨૫ સુધી સવારે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન (રજાના દિવસો સિવાય) વિધાનસભા-૬૯ જનસંપર્ક કાર્યાલય, મોટી ટાંકી ચોક પાસે, અકિલા પ્રેસ સામે, રાજકોટ ખાતેથી ફોર્મ મેળવી શકશે.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ વિધાનસભા-૬૯ની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. ફેશન ડિઝાઇનિંગમાં સારી તકો રહેલી છે અને આ કોર્સ દ્વારા મહિલાઓ પોતાના કૌશલ્યનો વિકાસ કરીને આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોર્સ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદરૂપ થશે.
(4:49 PM IST)










