<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે પંખા બંધ

અધિકારીઓની ઓફિસમાં એસી અને પંખા ચાલુ : અહીંયા એક વોર્ડમાં ૧૨ જેટલા બેડ છે અને માત્ર બે જ પંખા હોવાથી મહિલા દર્દીઓ પરેશાન થઈ રહી છે

રાજકોટ, તા.૧૮ : શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અમારી ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં દેખાય છે કે, હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખાઓ બંધ છે. જોકે, અધિકારીઓ ન હોય તો પણ તેમની ઓફિસમાં એસી અને પંખા બંને ચાલુ છે. અહીંયા સારવાર લેતા દર્દીઓને પંખા ઘરેથી લાવવાની ફરજ પડે છે.

સરકાર દ્વારા પ્રસૂતા મહિલાઓ માટે અનેક યોજનાઓ અને સુવિધાઓ બહાર પાડવામાં આવે છે.

જોકે યોજના તો દૂર રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં તો પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મા કુવરબા હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવતી હોય છે. રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓને ઘરેથી પંખા લઈને આવવાનો વારો આવ્યો છે. આરોગ્ય વિભાગનું લાખો રૃપિયાનું બજેટ  ફાળવવામાં આવે છે. જોકે આમ છતાં પણ દર્દીઓને તો હેરાન થવાનો જ વારો આવે છે. અહીંયા એક વોર્ડમાં ૧૨ જેટલા બેડ છે અને માત્ર બે જ પંખા હોવાથી મહિલા દર્દીઓ પરેશાન થઈ રહી છે. મહિલાઓ માટેની પદ્મકુંવરબા હોસ્પિટલમા સૌરાષ્ટ્રભરમાંથી સારવાર લેવા માટે દર્દીઓ આવે છે. દર્દીના સગાવ્હાલાએ ન્યુઝ ૧૮ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અહીંયા રાત્રિના સમયે મચ્છર પણ બહુ હોય છે અને પંખા પણ નથી હોતા તેથી તેમની સમસ્યા અનેક ગણી વધી જાય છે.

આ અંગે રાજકોટના કોંગ્રેસ નેતા અને ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, જો નવજાત બાળકોને અને પ્રસૂતા મહિલાને વધારે પરસેવો વળે છે તો તે ડી હાઇડ્રેશનનો શિકાર પણ બને છે. આ ઉપરાંત અન્ય બીમારી પણ થઈ શકે છે. જ્યારે આ અંગે પદ્મકુંવરબા હોસ્પિટલના આરએમઓ ડો.નૂતન લૂંગાતરે કહ્યું હતું કે, હોસ્પિટલનું રીનોવેશન હાલમાં ચાલુ હોવાના કારણે થોડી મુશ્કેલી સર્જાઈ હતી. અમે પી.આઇ.યુમાં રજૂઆતો પણ કરી હતી. તાત્કાલિક અમારા ધ્યાને આવ્યું એટલે નવા પંખા પણ નાખવામાં આવ્યા. અલગ અલગ તમામ વોર્ડમાં પંખા નાખવામાં આવ્યા. જરૃર પડશે તો એસી પણ નાખવામાં આવશે.

જોકે, અહીંયા વાત દર્દીની થતી હોય ત્યારે અસુવિધાઓ સામે આવતી હોય છે પરંતુ જ્યારે અધિકારીઓની વાત આવે છે ત્યારે સુવિધામાં કોઈ કમી ન રહે તેમનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. અમારી ટીમે જ્યારે આ અંગે અધિકારીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી તો ત્યાં અધિકારી ગેરહાજર હોવા છતાં એસી અને પંખા બંને ચાલુ જોવા મળ્યા હતા. અહીંયા સવાલ એ થાય છે કે, જેમને ખરેખર સુવિધાની જરૃર છે ત્યાં સુવિધા છે અને જ્યાં કોઈ નથી ત્યાં વેડફાટ થાય છે જે મેનેજમેન્ટ સામે ક્યાંક સવાલ ઊભા કરે છે.

 

(8:12 PM IST)