<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

લોઠડામાં કાન વિંધવા ગયેલા ગોપાલે કડી ચોર્યાની શંકાએ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયોઃ પાંચ સકંજામાં

આજીડેમ પોલીસે આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી : મુળ બાબરાના કરીયાણાનો યુવાન લાપાસરી પરિવાર સાથે રહેતો હતોઃ લોઠડાના પરબત કોળીની પત્‍નિએ કાન વિંધાવ્‍યા બાદ અરીસામાં જોતાં એક કડી ગાયબ જણાઇઃ ગોપાલ ચોરી કરી ગયાની શંકાએ તેને પરબત સહિતે પતાવી દીધો હતો

રાજકોટ તા. ૧૯: રાજકોટના લોઠડા ગામે કાન વીંધવા ગયેલા હાલ લાપાસરી રહેતાં મુળ બાબરાના કરીયાણા ગામના ગોપાલ નામના યુવાને જેના કાન વીંધ્‍યા એ મહિલાના કાનમાંથી સોનાની એક કડી ચોરી લીધાની શંકા પરથી આ મહિલાના પતિ, પુત્ર સહિતનાએ તેને પહેલા લોઠડા ગામમાં ફટકારી બાદમાં ઇકોમાં નાંખી અપહરણ કરી ગામની વીડીમાં લઇ જઇ આડેધડ ફટકારી મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આજીડેમ પોલીસે આરોપીઓને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

હત્‍યાની આ ઘટનામાં આજીડેમ પોલીસે હત્‍યાનો ભોગ બનનાર ગોપાલ ભદુભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ના મોટા ભાઇ રાજકોટના લાપાસરી ગામની સીમમાં ધનાભાઇના ઇંટોના ભઠ્ઠામાં રહી મજૂરી કરતાં મુળ બાબરાના કરીયાણા-કીડી ગામના બચુ ભદુભાઇ સોલંકી-સલાટ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી રાજકોટના લોઠડા ગામના પરબત ભીમાભાઇ કોળી, એક સગીર, ઇકો કાર તથા બાઇકમાં આવેલા ત્રણ અજાણ્‍યા સામે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

બચુ સોલંકીએ જણાવ્‍યું છે કે અમે મુળ કરીયાણાના વતની છીએ હાલ પરિવાર સાથે લાાસરીમાં રહી ઇંટોના ભઠ્ઠામાં કામ કરીએ છીએ. અમે ચાર ભાઇઓમાં ગોપાલ ત્રીજા નંબરે હતો. તેના પત્‍નિનું નામ સોનલ છે અને સંતાનમાં ચાર દિકરી તથા એક દિકરો છે. આ બધા અમારી સાથે જ રહે છે. મારો ભાઇ ગોપાલ કાન-નાક વીંધવાનું અને કટલેરીની ફેરીનું કામ કરતો હતો. મારા માતા હીરાબેન, પિતા ભદુભાઇ કરીયાણા-કીડી ગામે રહે છે. ૧૭/૪ના સવારે સાડા આઠેક વાગ્‍યે નાનો ભાઇ ગોપાલ તેનું બાઇક લઇને કાન-નાક વીંધવા અને કટલેરી વેંચવા લોઠડા ગામ તરફ ગયો હતો. હું પણ મજુરીએ નીકળી ગયો હતો. સાંજે છએક વાગ્‍યે ઘરે આવ્‍યો ત્‍યતારે  નાનો ભાઇ ગોપાલ ઘરે ન આવ્‍યો હોઇ તેના પત્‍નિ સોનલને પુછતાં તેણે ગોપાલ હજુ આવ્‍યો જ નથી અને તેનો ફોન બંધ આવે છે તેમ કહ્યું હતું.

મોડી રાત સુધી ગોપાલ આવ્‍યો ન હોઇ અમે સુઇ ગયા હતાં. રવિવારે હું અને મારા મામાનો દિકરો, તેનો ભત્રીજો બધા લોઠડા ગામે તપાસ કરવા ગયા હતાં. ત્‍યારે ખબર પડી હતી કે શનિવારે ૧૭મીએ એક  ભાઇ બાઇક લઇને નાક-કાન વીંધવા ગામમાં આવ્‍યો ત્‍યારે પરબત અને તેના દિકરા સહિતની સાથે માથાકુટ થતાં આ લોકોએ તેને માર માર્યો હતો અને બાદમાં ઇકો ગાડીમાં નાખી બે બાઇક સાથે ગામની વીડીમાં લઇ ગયા હતાં અને ત્‍યાં  પણ માર માર્યો હતો. આવી વાત અમને ગામમાંથી જાણવા મળી હતી. જેથી અમે ત્‍યાં જતાં અમારો ભાઇ વીડીમાં બેભાન પડેલો જોવા મળ્‍યો હતો. ૧૦૮ પણ આવી ગઇ હતી અને તેણે અમારા ભાઇ ગોપાલને મૃત જાહેર કર્યો હતો. આજીડેમ પોલીસનો સ્‍ટાફ પણ આવી ગયો હતો. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મારા ભાઇને લાકડી સહિતના બોથડ પદાર્થથી આડેધડ માર મારવાથી તેનું મોત થયાનું પોસ્‍ટમોર્ટમમાં આવતાં મેં ફરિયાદ નોંધાવી હતી.

આ હત્‍યાનું કારણ એવુ છે કે મારો ભાઇ પરબતની પત્‍નિના કાન વીંધવા ગયો હતો. એ પછી તે નીકળી ગયો હતો. બાદમાં પરબતની ઘરવાળી અરીસામાં જોઇ માથુ ઓળતી હતી ત્‍યારે કાન તરફ ધ્‍યાન જતાં એક સોનાની કડી ઓછી દેખાતાં તેણે પતિને વાત કરી હતી. આ કડી કાન વિંધવા આવ

ેલો શખ્‍સ ગોપાલ ચોરી ગયાની શંકા જણાતાં પરબત સહિતનાએ ગોપાલને પહેલા લોઠડા ગામમાં જ પકડીને ફટકાર્યો હતો. પછી માણસો ભેગા થઇ જતાં ઇકોમાં નાખી વીડી તરફ લઇ જઇ ફરીથી બેફામ ફટકારતાં તે બેભાન થઇ ગયો હતો. આથી બધા ભાગી ગયા હતાં. એ પછી ગોપાલનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા તેમજ  પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, પીએસઆઇ આર. એમ. સાખરા સહિતની ટીમે આરોપીઓને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ જે કડી ચોરાઇ ગયાની શંકા હતી એ કડી પણ બાદમાં મળી આવી હોવાની ચર્ચા થઇ રહી હોઇ પોલીસ આ અંગે વિશેષ તપાસ કરી રહી છે.

(1:07 PM IST)